અમેરિકા અને ભારતની દોસ્તીએ નવા રંગરૂપ ધારણ કર્યા છે, જે ભારતને આવનારા દસકામાં મહાસત્તા બનવામાં ખૂબ જ ઉપયોગી થઈ પડશે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત અને મોટેરા સ્ટેડિયમમાં તેમનો સંવાદ એનર્જેટિક રહ્યો છે, ભારતના વખાણ અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે, તે બતાવે છે કે ભારતે દોસ્તીનો હાથ લંબાવ્યો તો અમેરિકાએ તે દોસ્તીને વધુ મજબૂતી આપી છે. ટ્રમ્પે મોટેરા સ્ટેડિયમમાંથી જે સંવાદ કર્યો તેનો સ્પષ્ટ સંદેશ પાકિસ્તાનમાં ગયો છે, આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે. બીજી તરફ વિશ્વના દેશોને પણ સંદેશ આપ્યો છે કે હવે ભારતનું મિત્ર અમેરિકા પણ છે. તેમ જ આર્થિક રીતે સદ્ધર થવા માટે અમેરિકા મદદ કરશે, તેમ જ ટ્રેડ ડીલ મામલે પણ આડકતરી રીતે ઉલ્લેખ કર્યો હતો. ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ સફળ થયો છે.
100 કરોડના ખર્ચે ‘નમસ્તે ટ્રમ્પ’ થયું છે, પણ તેનો ફાયદો લાંબેગાળે થશે. ભારત અને અમેરિકા ખૂબ નજીક આવ્યાં છે. અમેરિકનો ભારતીયોની વધુ નજીક આવશે. ભારતીયોને વિઝા આપવાની બાબતે અમેરિકનો વધુ ઉદાર બનશે, તેમાં કોઈ શંકા નથી. ભારત સાથે બિઝનેસની બાબત હોય કે અમેરિકન એફઆઈઆઈ ભારતમાં રોકાણ કરવાની વાત હોય. તમામ ક્ષેત્રમાં સફળતા મળશે. અમેરિકનોનો ભારત તરફ વિશ્વાસ વધશે, તેમાં કોઈ મીનમેખ નથી.
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મિલેનિયા ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ટ્રમ્પ અને મોદી એવી રીતે ગળે મળ્યાં કે તેઓ લંગોટિયા મિત્રો હોય. ભવ્ય રોડ શો દ્વારા તેઓ ગાંધીઆશ્રમ પહોંચ્યાં. ભાગવત વિદ્યાપીઠના ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી ચઢાવી, તેમ જ હ્રદયકૂંજમાં શાંતિનો અહેસાસ કર્યો, ગાંધીજીનો ચરખો ચલાવ્યો, ગાંધીજીના ત્રણ વાંદરાનું સ્ટેચ્યૂ નિહાળીને તેમનો સંદેશ જાણ્યો, વિઝિટર બૂકમાં મોદીના વખાણ કર્યા અને વન્ડરફૂલ સ્થળની મુલાકાત કરાવી તે બદલ આભાર વ્યક્ત કર્યો. ત્યાંથી ટ્રમ્પ પરિવાર મોટેરા સ્ટેડિયમ જવા રવાના થયાં હતાં.
વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પ અને મોદીનું વેલકમ થયું ત્યારે સ્ટેડિયમમાં ઉપસ્થિત લોકોએ ઉભા થઈને તેમને ‘નમસ્તે ટ્રમ્પ’ કહ્યું હતું. સ્ટેડિયમમાં અદભૂત નજારો હતો. સ્ટેડિયમ ખીચોખીચ ભરાયેલું જોઈને ટ્રમ્પ પણ અભીભૂત થઈ ગયા હતા. તેમણે સ્ટેડિયમના પણ વખાણ કર્યા હતાં.
પ્રેસિડેન્ટ ટ્રમ્પે સંબોધન શરૂ કર્યું ત્યારે નમસ્તે અને હેલ્લો શબ્દથી શરૂઆત કરી હતી. તેમ જ તેમણે તેમના સંબોધનમાં કહ્યું હતું કે ભારતના આતિથ્યને તેઓ હંમેશા યાદ રાખશે. ભારતે અમારા દિલમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. પીએમ મોદી ચાવાળાના રૂપમાં શરૂઆત કરી હતી, તેમણે ચા વેચવાનું કામ કર્યું છે. દરેક લોકો તેમને પ્રેમ કરે છે. પણ હું તમને કહું કે તેઓ બહુ સખત છે. ટ્રમ્પે પીએમ નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા હતાં. સોશિયલ મીડિયામાં રમૂજ ફરતી થઈ હતી કે મોદીની ત્રીજી ટર્મ ટ્રમ્પ નક્કી કરીને ગયા છે.
ટ્રમ્પના સંબોધનના મુખ્ય અંશ
- પીએમ મોદીને લોકો ખૂબ પ્રેમ કરે છે, પણ તેઓ બહુ સખત(ટફ) છે.
- તેમના ભાષણમાં સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો ઉલ્લેખ કર્યો
- ભારત અનેક વિવિધતાવાળો દેશ છે અને અહીંયા લોકોની એકતા વિશ્વમાં એક ઉદાહરણરૂપ છે
- ટ્રમ્પે દીવાળી, હોળી, પંજાબી ભાંગડા નૃત્ય, ભારતીય ક્રિકેટર સચીન તેંડુલકર, વિરાટ કોહલીને યાદ કર્યા
- ટ્રમ્પે બોલીવુડનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ભારત દર સાલ 2000થી વધુ ફિલ્મો બનાવે છે. આખા વિશ્વમાં તેનું સ્વાગત કરાય છે. શોલે અને દિલવાલે દુલ્હનિયા ફિલ્મને યાદ કરી
- પીએમ મોદીના નેતૃત્વમાં ભારત ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે
- ભારત અને અમેરિકાની દોસ્તી આજથી પહેલા આટલી મજબૂત કયારેય નહોતી
- અમે ભારતના લોકોને પસંદ કરીએ છીએ અને અહીંના લોકોને પ્રેમ કરીએ છીએ
- ભારત જ્ઞાનની ધરતી છે અને અહીંયાની સંસ્કૃતિ મહાન છે.
- પીએમ મોદી ટફ નેગોશિએટર છે, તેમ છતાં તેમની સાથે વાતચીત કરીને અમે એક ટ્રેડડીલ તરફ આગળ વધીશું
- ભારત આવવું એક ગર્વની વાત છે. નરેન્દ્ર મોદી ચેમ્પિયન છે. ભારતને વિકાસની દિશામાં આગળ તરફ લઈ જઈ રહ્યા છે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમારુ સ્વાગત કર્યું છે, આજથી ભારત અમારા માટે સૌથી પ્રથમ મિત્ર છે.
- પીએમ મોદી ગુજરાતના નહીં પણ દેશ માટે ગર્વ છે. જે અસંભવને સંભવ બનાવી શકે છે
- ભારત આજે અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં મોટી શક્તિ બન્યો છે
- ભારતે એક દસકની અંદર જ કેટલાય કરોડો લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યાં છે
- ટ્રમ્પે ઉજ્જવલા યોજના, ઈટરનેટ સુવિધા, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી મોદી સરકારની યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.
- અમેરિકામાં ભારતીયના મૂળના લોકોએ ત્યાંના વિકાસમાં ખૂબ ફાળો આપ્યો છે
- અમેરિકામાં રહેતા કેટલાય બિઝનેસમેન ગુજરાતથી આવે છે.
- ભારત અને અમેરિકા ડિફેન્સ સેકટરમાં આગળ વધી રહ્યાં છે. અમે ભારતને ઝડપથી સૌથી ખતરનાક મિસાઈલ અને હથિયાર આપીશું
- અમેરિકા અને ભારત મળીને આતંકવાદની વિરુદ્ધ લડાઈ લડશે
- ઈસ્લામિક આતંકવાદ વિરુદ્ધ અમેરિકા લડાઈ લડી રહ્યો છે.
- આતંકવાદ સામે અમે લડાઈ લડી રહ્યાં છીએ, અમેરિકાએ પોતાના એક્શનમાં આઈએસઆઈએસને ખતમ કરી છે. અને અલ બગદાદીનો પણ ખાત્મો કર્યો છે
- પાકિસ્તાન પર પણ અમેરિકાએ દબાણ વધાર્યું છે. પાકિસ્તાને આતંકવાદ સામે એક્શન લેવા પડશે, દરેક દેશે પોતાની સુરક્ષા કરવાનો અધિકાર છે
- બન્ને દેશો રોકાણ વધારવા માટે નિર્ણય લેશે
- ભારતને પ્રકૃતિના આશીર્વાદ છે, અહીંયા ગંગા, ગોલ્ડન ટેમ્પલ, જામા મસ્જિદ સહિત કેટલીય ઐતિહાસિક ઈમારતો છે. ગોવામાં દુનિયાભરના લોકો ફરવા આવે છે
- ભારતની અસલી શક્તિ 130 કરોડ લોકો છે જે દેશની શાન છે
- ટ્રમ્પે ગૉડ બ્લેસ ઈન્ડિયા, ગૉડ બ્લેસ અમેરિકા અને વી લવ યુ ઈન્ડિયા કહીને સંબોધનની સમાપ્તિ કરી હતી.
પ્રેસિડેન્ટ ટ્રમ્પે વિશ્વના દેશોને સીધો સંદેશ આપી દીધો છે કે હવે ભારત અમારુ ખાસ મિત્ર છે. આતંકવાદની લડાઈમાં અમે ભારતની સાથે છીએ. પાકિસ્તાન અને ચીનના પેટમાં તેલ રેડાશે, કેમ કે ભારતે ચીનને કાબૂમાં રાખવા માટે જ અમેરિકાનો સાથે લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તીરથી અનેક નિશાન તાકી લીધાં છે. જો કે ટ્રમ્પ એટલા ભરોસાપાત્ર નથી, પણ જે હોય તે હાલ તો ટ્રમ્પનો સંવાદ અને ભારતની મુલાકાત વિશ્વના દેશોને વિચલિત કરી ગઈ છે.
ઐતિહાસિક ક્ષણની વધુ તસવીરો