ગાંધીનગર- ગુજરાત રાજ્યમાં આગામી સપ્તાહ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઈ છે. (Heavy to very heavy rain likely in Gujarat next week) દક્ષિણ રાજસ્થાન પર સર્જાયેલ અપર એર સાયક્લોનિક સર્કયુલેશનને કારણે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થવાની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સીસ્ટમ સક્રિય છે, જેથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શકયતા છે.
વેઘર ગ્રૂપની બેઠક
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (SEOC) ખાતે આજે રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાહત કમિશનરે રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
ભારે વરસાદની આગાહી
આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા તેમણે જણાવ્યું હતું.
NDRFની ટીમો ડીપ્લોય
NDRFના અધિકારીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF તથા SDRFની કુલ 32 ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત બે ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
21 જળાશયો હાઈએલર્ટ
આ બેઠકમાં સિંચાઇ વિભાગના અધિકારીએ રિઝિયન વાઈઝ પાણીના સંગ્રહની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યના 206 જળાશયો પૈકી 21 જળાશયો હાઇએલર્ટ, 12 જળાશયો એલર્ટ પર તથા 19 જળાશયો વોર્નિંગ પર છે.
Top Video News
ભારે વરસાદથી રસ્તા બંધ
માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં ઓવર ટોપીંગ અને પાણી ભરાવાના કારણે 94 રસ્તા બંધ છે. જે પાણી ઉતરતા પૂર્વવત કરવામાં આવશે. આ બેઠકમાં CWC-મહી અને તાપી ડિવીઝન, વન વિભાગ, આરોગ્ય વિભાગ, ઊર્જા વિભાગ, GSRTC, શહેરી વિકાસ વિભાગ, પંચાયત વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, ISRO, ફીશરીઝ સહિતના વિવિધ વિભાગના નોડલ અઘિકારીઓ હાજર રહ્યાં હતા.