કચ્છ, સૌરાષ્ટ્ર ઝોનમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી

by Investing A2Z

ગાંધીનગર- ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના અનેક વિસ્તારોમાં આજે શનિવારે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

કયા કયા થશે વરસાદ

રાજ્યના મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લા ઉપરાંત કચ્છ જિલ્લાના મોટાભાગના સ્થળોએ તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના અમૂક સ્થળોએ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

કયા કેટલો વરસાદ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.37 ટકા નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દ્રષ્ટીએ અત્યાર સુધીમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ઝોનમાં 55.29 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 49.50 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 49.38 ટકા જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 49 ટકા વરસાદ નોંધાયો છે.

NDRF – SDRF ની સ્થિતિ

ચોમાસાની કોઇપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા NDRFની 12 ટુકડીઓ અને SDRFની 20 ટુકડીઓ વિવિધ જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે NDRFની ત્રણ ટુકડીઓને રીઝર્વ રાખવામાં આવી છે. ચોમાસા દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિ ધરાવતા સ્થળો ખાતેથી સુરક્ષાના ભાગરૂપે કુલ 4,278 નાગરિકોનું સ્થળાંતર અને 689 નાગરિકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યના માછીમારોને પણ આગામી તા. 22 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

વીજ પુરવઠો

આ ચોમાસાની સીઝન દરમિયાન ભારે પવન સાથે વરસેલા વરસાદમાં રાજ્યના કુલ 14,490 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. આ તમામ ગામોમાં યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ, પ્રભાવિત થયેલા વિવિધ ફીડર, વીજપોલ અને ટ્રાન્સફોર્મર સેન્ટરને પણ તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવામાં આવ્યા છે.

Top Trending News

નર્મદા ડેમમાં 54.90 ટકા જળસંગ્રહ, જાણો ગુજરાતમાં કેટલા ડેમ હાઈ એલર્ટ?

એસટી બસ સેવા

અત્રે સરાહનીય છે કે, ચોમાસાની સીઝન દરમિયાન ભારે વરસાદ વચ્ચે પણ રાજ્યમાં ગુજરાત વાહન વ્યવહાર નિગમની એક પણ એસ.ટી.બસનો રૂટ કે ટ્રીપ બંધ કરવામાં આવી નથી. GSRTC દ્વારા નિર્ધારિત રાજ્યના કુલ 14,598 એસ.ટી. રૂટ પરની 40,264 ટ્રીપમાંથી વરસાદના કારણે એક પણ રૂટ કે ટ્રીપ બંધ કરવામાં આવી નથી. GSRTCની બસો દ્વારા નાગરિકોને વરસાદ વચ્ચે પણ સુરક્ષિત પોતાના ગંતવ્ય સ્થાનો સુધી પહોંચાડવામાં આવ્યા છે.

Related Posts

Leave a Comment