ISRO ચેરમેન એસ. સોમનાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

by Investing A2Z
સોમનાથ, ગોલોકધામ, ભાલકા તીર્થ, સહિત સમગ્ર પ્રભાસ તીર્થના દર્શન કરી એસ. સોમનાથે ધન્યતા વ્યક્ત કરી
ચંદ્રના દક્ષિણ ભાગ પર વિશ્વમાં સૌપ્રથમ વખત ચંદ્રયાન 3 નું સોફ્ટ લેન્ડિંગ કરીને સમગ્ર વિશ્વમાં ભારતના ત્રિરંગા ધ્વજને ગૌરવાન્વિત કરનાર ISRO ના ચેરમેન એસ. સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા.
સોમનાથ તીર્થમાં ચાલી રહેલ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાનમાં પધારેલ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર સાથે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે ડી પરમાર અને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈએ પુષ્પહાર પહેરાવી ઈસરો પ્રમુખનું સ્વાગત અભિવાદન કર્યું હતું.
ઈસરો પ્રમુખ એસ. સોમનાથજીએ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન અભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી. તેઓને ચંદન તિલક કરી પૂજારી દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈએ તેમને સોમનાથ તીર્થની મહત્વતા સમજાવી હતી. સાથેજ એસ. સોમનાથજીએ વેદોક્ત મંત્રો સાથે સોમેશ્વર મહાપૂજા કરી હતી. સોમનાથ મંદિર પરિસરમાં સ્થિત દક્ષિણધ્રુવ સુધી અબાધિત જ્યોતિર્લિંગ પ્રદર્શિત કરતા બાણ સ્થંભના દર્શન કર્યા હતા.
એસ. સોમનાથજી સોમનાથ મંદિરમાં બિરાજમાન કપર્દી વિનાયક ગણેશજીના દર્શન કરીને તીર્થમાં આયોજિત ગણેશ મહાયજ્ઞમાં જોડાયા હતા. યજ્ઞ નારાયણને આહૂતિઓ આપીને તેઓએ ધન્યતા વ્યક્ત કરી હતી.
ઈસરોના ચેરમેન એસ સોમનાથે કહ્યું હતું કે હું સોમનાથ મહાદેવને પ્રાર્થના કરું છું કે આગામી પ્રોજેક્ટ અને મીશન માટે અમને શક્તિ અને સફળતાના આશીર્વાદ આપે. તેઓએ આ તકે દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઇ મોદીનો આભાર પ્રગટ કર્યો હતો.
ઈસરોના ચેરમેને સોમનાથ તીર્થમાં બિરાજમાન શ્રી કૃષ્ણ અંતિમ લીલા સ્થાન શ્રી ભાલકા તીર્થ અને દેહોત્સર્ગ તીર્થના દર્શન કર્યા હતા. તેમજ ભાલકા ખાતે શ્રીકૃષ્ણનું તેમજ ગોલોકધામ ખાતે શ્રીકૃષ્ણની ચરણ પાદુકાનું પૂજન કર્યું હતું.

Related Posts

Leave a Comment