વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2024ના પૂર્વાર્ધરૂપે અમદાવાદના સાયન્સ સિટીમાં યોજાયેલી બાયોટેકનોલોજી સેક્ટરની પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, બાયોટેકનોલોજી એ ઝડપથી વિકસી રહેલી ‘ટેક્નોલોજી ઑફ હોપ’ છે. ગુજરાતે તત્કાલીન મુખ્યપ્રધા અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં વર્ષ 2004થી જ રાજ્યમાં બાયોટેકનોલોજી સેક્ટરના ડેવલપમેન્ટ પર ઝોક આપ્યો છે.
ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ધરાવતું એક રાજ્ય છે, એટલું જ નહી. સાવલી નજીકનું બાયોટેકનોલોજી રિસર્ચ ઍન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર દેશના ટોપ થ્રીમાં સ્થાન મેળવતું રહ્યું છે. 100 જેટલા સ્ટાર્ટઅપ આ સેન્ટર દ્વારા તૈયાર થયા છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યપ્રધાન પટેેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સ્વદેશી સાયન્સ ટેકનોલોજીથી લઇને સ્પેસ સુધીના બહુવિધ ક્ષેત્રોમાં ભારતની આગવી ક્ષમતાનો વિશ્વને પરિચય કરાવ્યો છે.
વિશ્વને ગુજરાત અને દેશની વ્યાપાર ઉદ્યોગ ક્ષમતાનો પણ પરિચય કરાવવા વડાપ્રધાને વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બીજ 2003માં વાવેલા તે આજે બે દાયકામાં વિકાસનું વટવૃક્ષ બન્યા છે, એમ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું. ફાર્મા અને ટેકનોલોજી સેક્ટરમાં ગુજરાતની ગુજરાતની ઉપલબ્ધિઓ અંગે જણાવ્યું કે, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે 10 હજાર કરોડ જેટલી આવક સાથે રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં 40થી 45 % જેટલું યોગદાન આપે છે. રાજ્યમાં સૌથી મોટું ફાર્મા અને બાયોટેક વર્કફોર્સ ઉપલબ્ધ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ‘જય અનુસંધાન’ના મંત્રને સાર્થક કરતા દેશમાં બાયોટેકનોલોજી ક્ષેત્રે સ્વર્ણિમયુગની શરૂઆત થઈ છે અને ગુજરાત એમાં પણ અગ્રેસર રહેવા સજ્જ છે. વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવામાં બાયોટેક્નોલોજી ક્ષેત્ર મહત્વનું સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વર્ચ્યુઅલ માધ્યમથી આ ઇવેન્ટમાં જોડાયેલા કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં બાયોટેકનોલોજી મિશન અને બાયોટેકનોલોજી પાર્કની સ્થાપના કરી હતી. 20 વર્ષ પહેલાં બાયોટેકનોલોજી મિશનની સ્થાપના કરવાવાળું ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય હતું. આ કદમ જ દર્શાવે છે કે બાયોટેકનોલોજીને લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વિઝન કેટલું દુરંદેશી હશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય બાયોટેક ઇન્ડસ્ટ્રી વર્ષ 2025 સુધી 150 બિલિયન ડૉલર અને વર્ષ 2030 સુધી 300 બિલિયન ડોલરના લક્ષ્યાંક સાથે કાર્ય કરી રહી છે. ભારતમાં બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝમાં 760થી વધુ કંપનીઓ અને વિભિન્ન ક્ષેત્રોમાં ફેલાયેલા 4,240 જેટલા સ્ટાર્ટઅપ સામેલ છે.
માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારતે કોવિડ 19 મહામારીમાં કુલ 5 વેક્સિન બનાવી દુનિયામાં ભારતની બાયોટેકનોલોજી ક્ષેત્રની તાકાતનો પરિચય આપ્યો જે બાયોટેકનોલોજી સ્કિલને કારણે સંભવિત થઈ શક્યું. ભારતે દુનિયાના 125થી વધુ દેશોમાં એફોર્ડેબલ વેક્સિન ઉપલબ્ધ કરાવી હતી.
ગુજરાતને અભિનંદન આપતા કહ્યું કે, ગુજરાતે બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં અગ્રેસર રહી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવાનું કાર્ય કર્યું છે તે સરાહનીય છે. વાઈબ્રન્ટ ગુજરાતની આ પ્રી-ઇવેન્ટ આ ક્ષેત્રને સાચી દિશામાં આગળ વધવા માટે મદદ કરશે. આ ઇવેન્ટમાં વૈચારિક આદાન પ્રદાનથી બાયોટેકનોલોજી ક્ષેત્રને હજુ ઘણી ઊંચાઈઓ પ્રાપ્ત થશે.
ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના સચિવ રાજેશ ગોખલેએ આગામી સમયમાં ‘બાયોલોજી દ્વારા ટેકનોલોજી ક્રાંતિ’ વિષય પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં આ ક્ષેત્રે દેશમાં રહેલા પડકારો, તેના નિરાકરણ સહિત વિકસિત ભારતના ધ્યેયને સાકાર કરવામાં બાયોટેકનોલોજી, રિસર્ચ અને ઈનોવેશનની ભૂમિકા અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી.
મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું કે, ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આગામી સમયમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશનું બાયોટેકનોલોજી સેકટર ઝડપથી વિકસી રહ્યું છે. આવનારા સમયમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન અને રીન્યુએબલ રીસોર્સના મહત્તમ ઉપયોગના લક્ષ્યાંકને સાકાર કરવામાં બાયોટેકનોલોજી ક્ષેત્ર ખૂબ જ મહવનો ભાગ ભજવશે.
સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, પાછલા 8 વર્ષમાં ભારતનું બાયોટેકનોલોજી અને બાયોઈકોનોમી સેકટર આઠ ગણું વધ્યું છે. રાજ્યના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સીટી, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર અને ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન જેવી શૈક્ષણિક સંસ્થાઓ સાથે લાવી રાજ્યમાં સુગ્રથિત બાયોટેકનોલોજી ઈકોસિસ્ટમ ડેવલપ કરવાનું કાર્ય કર્યું છે.
આ પ્રિ-વાઈબ્રન્ટ સમિટમાં વિવિધ નવીન બાયોટેકનોલોજી પ્રોડક્ટ્સનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું તથા બાયોટેકનોલોજી કંપનીઓ સાથે MOU એક્સચેન્જ કરવામાં આવ્યાં હતા.
આ પ્રિ-વાઈબ્રન્ટ સમિટમાં બાયોટેક્નોલોજી એસોસિએશનના પ્રમુખ જી.એન. ક્રિષ્નન, કેલિફોર્નિયાના ટાર્ગેટ ડિસ્કવરી ઇન્ક.ના ચેરમેન જેફરી પીટરસન, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક મિશનના ડિરેક્ટર વિદેહ ખરે તેમજ બાયોટેક્નોલોજી ક્ષેત્રના નિષ્ણાતો અને સંશોધકો સહિત ઉદ્યોગકારો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.