ગાંધીનગર- ગુજરાત રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 46 ટકા વરસાદ વરસ્યો છે. (Gujarat Rain 2025) એટલામાં જ ગુજરાતના રોડ તૂટી ગયા છે, ઠેરઠેર ભૂવા પડ્યા છે. રસ્તા પર મોટા ખાડા પડ્યા છે. પુલોને નુકસાન થયું છે અને અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. આ સંજોગોમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આદેશ જાહેર કર્યો છે કે તાત્કાલિક સમારકામ કરો. (Gujarat CM orders immediate repair of broken roads) જવાબદાર લોકો સામે પગલા ભરવા પણ કડક ભાષામાં કહ્યું છે.
હાઈવે, ગ્રામીણ અને શહેરી માર્ગોને નુકસાન
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) રાજ્યમાં ચોમાસા (Gujarat Monsoon 2025) દરમિયાન ભારે વરસાદથી હાઇવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે (Potholes in roads in Gujarat) ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુનઃ પુર્વવત બનાવવા તાકીદ કરી છે. (Roads broken due to rain in Gujarat) વિકાસની ધોરીનસ અને નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરાય તેવા દિશાનિર્દેશો મુખ્યપ્રધાને ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા છે.
ગાંધીનગરમાં બેઠક
સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારો તેમજ નગરો-મહાનગરો સહિત નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ, પંચાયત હસ્તકના માર્ગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, માર્ગો-પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ ન જોવી જોઈએ. વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં રીપેરીંગ કામગીરી ચાલુ જ રહે તેવા દિશા નિર્દેશો મુખ્યપ્રધાને આપ્યા છે.
જવાબદારી ફિક્સ કરો
તેમણે કહ્યું કે, જે કામોમાં ડિફેક્ટ લાયાબીલીટી પિરિયડ દરમિયાન નુકસાન થયું હોય કે, મરામતની જરૂર પડી હોય તેવા કિસ્સામાં ઇજારદારની જવાબદારી ફિક્સ કરીને પગલાં લેવાવા જ જોઈએ. કામો ગુણવત્તાયુક્ત થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.
કમિશનરો વીડિયો કોન્ફરન્સથી જોડાયા
રાજ્યની મહાનગરપાલિકાઓ મ્યુનિસિપલ કમિશનરો આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. મુખ્યપ્રધાને મહાનગરોમાં રસ્તા, અંડરબ્રિજ, વોટર લોગિંગ વગેરેની સમસ્યા જ્યાં છે, ત્યાં ત્વરાએ મરામત કામગીરી હાથ ધરી શહેરોમાં પરિસ્થિતિ પૂર્વવત કરવા પણ સૂચનો કર્યા હતા. એટલું જ નહિ, શહેરોમાં આ સમસ્યાના લાંબાગાળાના નિવારણના ઉપાયો હાથ ધરવાનું આયોજન કરવા પણ એમણે સૂચવ્યુ હતું.
ટીમવર્કથી ઝડપી કામ કરો
મરામત કામોમાં NHAI, માર્ગ મકાન વિભાગ, પંચાયત, નગરપાલિકાઓ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સંકલન સાધીને ટીમવર્કથી કામગીરી માટેના સૂચનો કર્યા હતા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાવા, પુલો-નાળા કોઝવેને નુકસાન કે ડામર રોડને નુકસાન જેવી બાબતો તાત્કાલિક ધ્યાન પર લેવાવી જોઈએ.
24×7 કંટ્રોલ રૂમ
આ હેતુસર ગાંધીનગરમાં નિર્માણ ભવન ખાતે કાર્યરત 24×7 કંટ્રોલ રૂમને માહિતી મળે કે તુરંત જ સંબંધિત અધિક્ષક, કાર્યપાલક, નાયબ ઈજનેરને સ્થળ પર જઈને મરામત માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમણે દિશાનિર્દેશો આપ્યા હતા. રાજ્યના માર્ગો-પુલો – હાઇવેની પ્રવર્તમાન સ્થિતિ અંગે રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં માર્ગ મકાન વિભાગ દ્વારા વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી.
કેટલા હાઈવેને નુકસાન
જે માર્ગોને વરસાદને કારણે અસર થઈ છે ત્યાં મોટા ભાગે સ્ટ્રક્ચર અને બ્રિજની કામગીરી પ્રગતિમાં છે. 243 જેટલા પુલો પર આવી કામગીરી હાથ ધરી તેના ડાયવર્ઝનનું સતત મોનિટરિંગ કરાય છે. ભૂપેન્દ્ર પટેલ સમક્ષ હાઈવેની સ્થિતિ અંગે NHAIના અધિકારીઓએ કહ્યું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન નેશનલ હાઈવેને જે 83 કિ.મી.માં નુકસાન થયું છે તેમાંથી 58 કિલોમીટરમાં મરામત કામ પૂર્ણ થયું છે અને બાકીના 25 કિલોમીટરનું કામ ત્વરાએ પૂર્ણ કરી દેવાશે.
Top Trending News
ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 46 ટકા, જાણો કયા કેટલો વરસાદ આવ્યો?
રાજ્ય સરકાર નાગરિકોના જનજીવનમાં માર્ગોની મરામતોમાં વિલંબને કારણે કોઈ રૂકાવટ આવે નહીં અને કામો સમયબદ્ધ ગુણવત્તાયુક્ત ધોરણે થાય તે માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આ માટે સંબંધિત વિભાગો પણ તત્કાલ મરામત કામો હાથ ધરીને લોક અપેક્ષા સંતોષે તેવી સૂચના તેમણે આપી હતી.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યપ્રધાન સલાહકાર એસ.એસ. રાઠૌર, મુખ્યપ્રધાનના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ રેમ્યા મોહન, મુખ્યપ્રધાન ઓ.એસ.ડી. ધીરજ પારેખ, માર્ગ-મકાન સચિવ પ્રભાત પટેલિયા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.