ગુજરાતના સાંસદો MPLAD ફંડમાંથી 95.8 ટકા ફંડ વાપરી શક્યા નથી, આનો ઉપાય ખરો…

by Investing A2Z

અમદાવાદ- એક તરફ મતદારો તેમના ચૂંટાયેલા સ્થાનિક સાંસદ સભ્ય પાસે વિકાસની અપેક્ષા અને આશા રાખી જુદા જુદા કામો લઈને જતાં હોય છે, ત્યારે હકીકત જોઈએ તો સાંસદો તેમને મળેલા ફંડના 95.8 ટકા ફંડ વાપરી શક્યા નથી. (Gujarat MPLAD fund money not used) માત્ર 4.2 ટકા ફંડ વપરાયું છે.

માહિતી અધિકાર ગુજરાત પહેલની વિગતો અનુસાર ખૂબ ચોંકાવનારી બાબત બહાર આવી છે. 18મી લોકસભાનું ગઠન ગતવર્ષે જૂનમાં થયું હતું. (MPs from Gujarat in 18th Lok Sabha) MPLAD યોજના અંતર્ગત દરેક સંસદ સભ્યને વર્ષ દીઠ રૂપિયા 5 કરોડનું ભંડોળ તેમના મતવિસ્તારના વિકાસના કામો માટે ફાળવવામાં આવે છે. MPLAD 2023ની ગાઈડલાઇન અનુસાર લોકોની સુખાકારી અને વિકાસને લગતા વિવિધ પ્રકારના કામો કરી શકાય છે. તેમાં જાહેર આરોગ્ય, શિક્ષણ, જાહેર તેમજ સામૂહીક બિલ્ડીંગ બાંધકામ, પીવાનું પાણી અને સેનિટેશન, સિંચાઇ, ડ્રેનેજ અને પૂર રોકવા માટેના પ્રતિરોધક સ્ટ્રક્ચર, પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન, ખેતી અને ખેડૂત કલ્યાણ, ઉર્જા પુરવઠો અને વિતરણ વ્યવસ્થા તેમજ રેલવે, રોડ, પુલ અને રસ્તાઓ વગેરે કામો લઈ શકાય છે.

  • અત્યાર સુધીમાં ગુજરાતના 26 સંસદ સભ્યોને કુલ 254.8 કરોડ બજેટની ફાળવણી કરવામાં આવી હતી. 5 જુલાઇ 2025 સુધીમાં તેમાંથી કુલ 10.72 કરોડ રૂપિયા, એટલે કે માત્ર 4.2 ટકાનો જ વપરાયા છે.(MPs’ funds not used in the constituency)
  • ભરુચ સંસદીય મતક્ષેત્રમાં સૌથી વધુ એટ્લે કે,73 કરોડ રૂપિયા ખર્ચાયા છે, બીજા ક્રમે પાટણ સંસદીય ક્ષેત્રમાં 1.56 કરોડ ખર્ચાયા છે, જ્યારે ત્રીજા નંબરે સાબરકાંઠા સંસદીય મતક્ષેત્ર છે, જેમાં 1.08 કરોડનો ખર્ચ થયો છે.
  • ઉલ્લેખનીય બાબત એ છે કે, 18 મી લોકસભાને 1 વર્ષ પૂરું થયું પણ અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા, છોટા ઉદેપુર, ગાંધીનગર, અને નવસારી સંસદીય મતક્ષેત્રમાં MPLAD માથી હજુ સુધી કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી.
  • સંસદ સભ્યોએ સૂચવેલા કામોની વિગતો જોતાં નવસારી મતક્ષેત્રમાં સૌથી વધુ એટલે કે 297 કામોની ભલામણ થઈ છે, જ્યારે મહેસાણા મતક્ષેત્રમાં 271 કામોની ભલામણ થઈ છે અને ખેડા મતક્ષેત્રમાં 265 કામોની ભલામણ કરવામાં આવી છે.
  • ગાઈડલાઇન અનુસાર સંસદ સભ્ય દ્વારા ભલામણ કરવામાં આવે, તેના 45 દિવસમાં મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. પરંતુ ઉપલબ્ધ વિગતો ચકસતાં ભલામણ થયેલા કુલ 3,823 કામો પૈકી માત્ર 93 કામો પૂર્ણ થયેલ છે. જ્યારે અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા, છોટા ઉદેપુર, દાહોદ, ગાંધીનગર, જામનગર, જુનાગઢ ખેડા, કચ્છ, નવસારી, પંચમહાલ, સુરેન્દ્રનગર, વલસાડ મતક્ષેત્રમાં હજુ સુધી એક પણ કામ પૂર્ણ થયેલ નથી. આમ 26 મત ક્ષેત્રોમાંથી 14 મતક્ષેત્રોમાં એકવર્ષ દરમ્યાન એક પણ કામ કરવામાં આવેલ નથી.

ખર્ચની માહિતીમાં પારદર્શિતાનો અભાવ

www.mplads.sbi પોર્ટલ પર માત્ર ફળવાયેલ બજેટ, ખર્ચ અને કામોની સંખ્યાની વિગત મળે છે. કયા MP દ્વારા કયા ક્ષેત્રમાં કેટલું ફંડ વાપરવામાં આવ્યું તેનું વિશ્લેષણ પોર્ટલ પર મળતું નથી. RTI કાયદાની કલમ 4(1) ખ મુજબ આ માહિતી સરળતાથી સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે.

અગાઉના પોર્ટલમાં સંસદ સભ્ય જાતે તેમના દ્વારા ભલામણ કરવામાં આવેલ કામો પૈકી કેટલા કામો શરૂ થયા, કેટલાની ટેકનિકલ મંજૂરી મળી કે ન મળી? નામંજૂર થયેલા કામો અને કામોનો પ્રગતિ અહેવાલ વગેરે વિગતો જોઈ શકતા હતા, જે આશ્ચર્યજનક રીતે નવા પોર્ટલ પરથી ગાયબ છે.

માહિતી અધિકાર ગુજરાત પહેલના એક્ઝિક્યુટિવ સેક્રેટરી પંક્તિ જોગે Invstinga2z.com સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પોર્ટલ પર સેકટર વાઈઝ કામોની વિગતો નથી. પહેલા આ વિગતો દર્શાવાતી હતી. સાંસદોના ફંડના રૂપિયા વપરાયા નથી તો તેનો ઉપાય શું? તેના જવાબમાં પંકિત જોગે કહ્યું હતું કે જિલ્લા કક્ષાએ સંકલન સમિતીની રીવ્યૂ બેઠક થવી જોઈએ અને તેમાં પ્રોગ્રેસ રીપોર્ટ તૈયાર થવો જોઈએ. એમપીને વખતોવખત આ પ્રોગ્રેસ રીપોર્ટ મળવો જોઈએ. એમપીએ સૂચવેલા કામો માટે આગળની મંજૂરી પ્રક્રિયા અને પ્રગતિનો અહેવાલ પર ફોલો અપ થવું જોઈએ. આ સંદર્ભમાં કોઈ ચોક્કસ પણ મેકેનિઝમ ગોઠવાની જરૂર છે. જેથી એમપીએ સૂચવેલા કામો નિશ્ચિત સમયમર્યાદામાં થયા છે કે નહી તેની ખબર પડે.

Top Gujarat News

ગુજરાતમાં મોસમનો સરેરાશ વરસાદ 51.09 ટકા વરસાદ, જાણો કયા સૌથી વધુ વરસાદ થયો

નોંધ: MPLAD ફંડના ઉપયોગનું વિશ્લેષણ www.mplads.sbi પોર્ટલ પર તારીખ 5/7/2025 ના રોજ ઉપલબ્ધ ડેટાના આધારે કરેલ છે.

Related Posts

Leave a Comment