પ્રતિ વર્ષ ૨૫ ટન જેટલા કાગળની બચત સાથે પર્યાવરણનું જતન થશે – વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે વર્ષ 1960માં ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારથી ગુજરાત વિધાનસભાએ હંમેશા સમાજના હિતમાં કામ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે તેણે સમયાંતરે ઘણા પ્રશંસનીય પગલાં લીધાં છે. આજે ઇ-એસેમ્બલીનું ઉદ્ઘાટન એ એક મહત્વપૂર્ણ પગલું છે જે આ ગૃહને ડિજિટલ હાઉસમાં પરિવર્તિત કરશે. તેમણે શેર કર્યું હતું કે રાષ્ટ્રીય ઇ-વિધાન એપ્લિકેશન (NeVA) દ્વારા આ ગૃહના સભ્યો સંસદ અને દેશની અન્ય વિધાનસભાની શ્રેષ્ઠ પદ્ધતિઓ શીખી અને અપનાવી શકે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે “એક રાષ્ટ્ર એક એપ્લિકેશન”ના ધ્યેયથી પ્રેરિત આ પહેલ ગુજરાત વિધાનસભાની કામગીરીમાં વધુ ઝડપ અને પારદર્શિતા લાવશે અને ગૃહની સમગ્ર પ્રક્રિયા પેપરલેસ હોવાથી પર્યાવરણનું પણ રક્ષણ થશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે કોઈપણ રાજ્યની આર્થિક પ્રગતિમાં માનવ સંસાધન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માનવ સંસાધનોના વિકાસ માટે લોકોને સારી આરોગ્ય વ્યવસ્થા, ગુણવત્તાયુક્ત શિક્ષણ, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી મહત્વપૂર્ણ છે. ગુજરાત સરકારે આ પાસા પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે તે જાણીને તેમને આનંદ થયો. તેમણે નોંધ્યું હતું કે સરકારના પ્રયાસોથી કન્યા શિક્ષણ, શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર, નોંધણી ગુણોત્તર અને જાળવણી દરમાં અભૂતપૂર્વ સુધારો થયો છે. તેમણે ગ્રામીણ વિસ્તારોમાં ત્રિ-સ્તરીય આરોગ્ય પ્રણાલી દ્વારા પૂરી પાડવામાં આવતી સારી તબીબી સેવાઓની પ્રશંસા કરી હતી. જેણે માતા મૃત્યુનું પ્રમાણ અને બાળ મૃત્યુદરમાં ઘટાડો કર્યો હતો. તેમણે છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં વીજળી સુધારણા અને જળ સંચય અને પાણી પુરવઠામાં કરેલા નોંધપાત્ર કાર્યોની પ્રશંસા કરી હતી. તેઓ રાજ્ય સરકારની પશુ કલ્યાણ માટેની પહેલની નોંધ લઈને ખુશ હતાં.

G20 સમિટ દરમિયાન ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સની રચનાનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, પર્યાવરણીય સંરક્ષણ અને ઉર્જા આત્મનિર્ભરતા માટે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન પછી ભારતના નેતૃત્વમાં આ એક બીજું મહત્વનું પગલું છે. ગુજરાત જેવા રાજ્ય માટે આ એક સારી તક છે જે ઊર્જાના નવીન અને બિન-પરંપરાગત સ્ત્રોતોને પ્રોત્સાહન આપે છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, લોકોના જીવનને સરળ બનાવવા માટે ટેકનોલોજી એ એક મહત્વપૂર્ણ માધ્યમ છે અને ઇ-વિધાન ધારાસભ્યોને લોકો સાથે જોડાયેલા રહેવામાં વધુ મદદ કરશે. તેઓ ઈચ્છતાં હતાં કે સંસદીય શિષ્ટાચાર અને ગરિમા જાળવી રાખીને તેઓ આ ગૃહમાં લોક કલ્યાણની ચર્ચા કરવા માટે એક નવું ધોરણ સ્થાપિત કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના પ્રયાસો માત્ર ગુજરાતને વધુ સમૃદ્ધ રાજ્ય બનાવવા માટે જ નહીં પરંતુ વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવામાં પણ મહત્વપૂર્ણ રહેશે.

ગુજરાતમાં 14 હજારથી વધુ ગ્રામ પંચાયતો દ્વારા 321 થી વધુ વિવિધ સેવાઓ ડિજિટલ સેવાસેતુના માધ્યમથી ઓનલાઈન પહોંચાડવામાં આવે છે. એટલું જ નહીં, ગ્રામીણ ટેલિકોમ પ્રોજેક્ટ ભારત નેટવર્ક અન્વયે 7,900 થી વધુ ગ્રામ પંચાયતો ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી જોડાવાની છે તેની પણ વિસ્તૃત છણાવટ મુખ્યપ્રધાને કરી હતી.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગૌરવ સહ કહ્યું કે, ગુજરાતે દેશમાં સૌથી વધુ એવી 158 સેવાઓને ડીબીટી સાથે જોડીને ગરીબ કલ્યાણ યોજનાઓમાં પારદર્શિતા અને વેગ લાવવાની પહેલ કરી છે. તેમણે રાજ્ય સરકારના નવતર ઈ-ગવર્નન્સ પ્રકલ્પ ઈ-સરકારની વિગતો આપ આપતા ઉમેર્યું કે, સરકારની ફાઈલો હવે ઓનલાઇન પ્રોસેસ થાય છે અને આવી વિવિધ વિભાગોની 10 લાખથી વધુ ફાઈલો પ્રોસેસ કરીને પેપરલેસ ગવર્મેન્ટની દિશામાં ગુજરાતે નક્કર કદમ ભર્યું છે.
તેમણે જણાવ્યું કે, ડિજિટલ ગવર્નન્સના આવા ઈફેક્ટીવ, ઇઝી અને ટ્રાન્સપરન્ટ વર્કિંગ મિકેનિઝમથી લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થઈ છે. આ ઉપરાંત સામાન્ય નાગરિકોમાં પ્રશાસન પ્રત્યેનો વિશ્વાસ અને ભરોસો વધુ મજબુત બન્યા છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈના નેતૃત્વમાં G-૨૦ની સફળ યજમાની ભારતે કરી તેનું ગૌરવ કરતાં કહ્યું કે, તેમના માર્ગદર્શનમાં ભારત વિશ્વગુરુ બનવા તરફ અનેક નવા આયામો સાથે આગળ વધી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો ગુજરાત વિધાનસભાને ડિજિટલ હાઉસ બનાવવા ‘નેવા’ એપ્લિકેશન લોન્ચિંગમાં ઉપસ્થિત રહી અમૂલ્ય માર્ગદર્શન આપવા અંગે આભાર વ્યક્ત કર્યો હતો.
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભારતના રાષ્ટ્રપતિનું સ્વાગત કરતા કહ્યું કે, આ રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન (નેવા) એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ ‘વન નેશન, વન એપ્લિકેશન’ ના ઉદ્દેશ્ય સાથે પેપરલેસ વિધાનસભાનો પ્રોજેક્ટ છે. વિધાનસભાના આ ત્રીજા સત્રથી નેવા એપ્લીકેશનના અમલીકરણ સાથે આ વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ થઈ ગઈ છે. નેવા દ્વારા ધારાસભ્યો વિધાનસભા સાથે ઓનલાઈન જોડાઈ શકશે અને જાહેર મુદ્દાઓની ચર્ચા સરળતાથી અને ઝડપથી કરી શકશે. નેવા જનપ્રતિનિધિઓને ‘ડિજિટલ બ્રિજ’ તરીકે જનતા સાથે જોડવાનું કામ કરશે.
અધ્યક્ષે ઉમેર્યું કે, આ પ્રોજેક્ટથી વિધાનસભાની કામગીરીમાં ઝડપ અને પારદર્શિતા આવશે. સભ્યો માટે જરૂરી માહિતી ઓનલાઈન ઉપલબ્ધ રહેશે. સમયની બચતની સાથે પર્યાવરણનું પણ રક્ષણ થશે. વિધાનસભાની કામગીરીને લગતા તમામ દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં રજૂ થવાના કારણે દર વર્ષે લગભગ 25 ટન કાગળની બચત થશે.

રાષ્ટ્રપતિએ અનેક ભૂમિકાઓમાં દેશ માટે કામ કર્યું છે તેમ જણાવતા અધ્યક્ષે કહ્યું કે, રાષ્ટ્રપતિશ્રીએ ઓડિશાના એક નાનકડા ગામ મયુરભંજથી રાષ્ટ્રપતિ બનવા સુધી લાંબી સફર ખેડી છે. આ યાત્રામાં તેમણે નબળા વર્ગના લોકોને દરેક રીતે ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આઝાદી પછી જન્મ લેનાર તેઓ પ્રથમ અને દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ છે.
અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના કનૈયાલાલ મુનશી અને હંસાબેન મહેતાએ પણ બંધારણ સભાના સભ્ય તરીકે દેશના બંધારણના નિર્માણમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. આઝાદી પૂર્વેની ભારતની પ્રથમ કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ચૂંટાયેલા સ્પીકર વિઠ્ઠલભાઈ પટેલના નામે ગુજરાત વિધાનસભાની ઇમારતનું નામ રાખવામાં આવ્યું છે અને સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવલંકર પણ ગુજરાતી હતા. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે.
ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે સુશાસનના સફળતાપૂર્વક બે વર્ષ નિમિત્તે ભુપેન્દ્રભાઈ પટેલને રાષ્ટ્રપતિ મુર્મુજીએ દિલથી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે વિધાનસભાના સૌ સભ્યો, સાંસદો, પૂર્વપ્રધાનો, પૂર્વ ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ, વિશેષ આમંત્રિતો સહિત પદાધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.