
17 ઓકટોબરે રેકોર્ડ હાઈ બનાવ્યા
સોના ચાદીના ભાવ(Gold Silver Rates Today) 17 ઓકટોબરે રેકોર્ડ હાઈ પર પહોંચ્યા પછી ભાવ હવે ઝડપથી તૂટવા શરૂ થયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બુધવારે ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર 4,398 ડૉલર લાઈફ ટાઈમ હાઈ ભાવ બનાવ્યા પછી ઝડપી 5.80 ટકા તૂટી 4106 ડૉલર રહ્યો હતો. ત્યાર પછી 22 ઓકટોબરે 1.67 ટકા તૂટી 4037 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. આમ બે જ ટ્રેડિંગ સેશનમાં 7.47 ટકાનો કડાકો બોલી ગયો છે. દિવસ દરમિયાન તૂટીને 4,021 ડૉલરની લો બનાવી હતી. જે 12 વર્ષમાં સૌથી મોટો કડાકો છે.
સિલ્વરમાં 7.98 ટકાનો કડાકો
સિલ્વર ડીસેમ્બર ફ્યુચર 17 ઓકટોબરે 53.76 ડૉલરની લાઈફ ટાઈમ હાઈ સપાટી બનાવ્યા પછી સડસડાટ તૂટ્યો છે.(Silver Rate Today) 21 ઓકટોબરે સિલ્વર ફ્યુચર 7.20 ટકા તૂટી 47.68 ડૉલર રહ્યો હતો. અને 22 ઓકટોબરે વધુ 0.78 ટકા તૂટી 47.31 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. આમ બે ટ્રેડિંગ સેશનમાં 7.98 ટકાનો સૌથી મોટો કડાકો બોલી ગયો છે.(Silver Prices Today)
એકતરફી તેજી પછી નફારૂપી જોરદાર વેચવાલી
ગોલ્ડ અને સિલ્વરમાં ઊંચા ભાવમાં નફારૂપી ભારે વેચવાલી ફરી વળી હતી. છેલ્લા નવ સપ્તાહથી ગોલ્ડ અને સિલ્વરમાં એકતરફી તેજી ચાલી રહી હતી. અને દરરોજ ગોલ્ડ અને સિલ્વર નવા ઊંચા ભાવ બતાવતા હતા. એક પછી એક તેજીના કારણો આવતાં ગયા અને ભાવ ઝડપી અને વણકલ્પ્યા વધ્યા હતા. આમ એકતરફી તેજી પછી હેવી પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, જેને પરિણામે ગોલ્ડ અને સિલ્વરના ભાવ તૂટ્યા હતા.
રોકાણકારોને જંગી વળતર
ગોલ્ડ અને સિલ્વરમાં છેલ્લા વર્ષમાં 55 ટકા કરતાં વધુ રીટર્ન મળ્યું છે. આથી રોકાણકારોની જ ભારે વેચવાલી આવી હતી, આ ભાવે નફો બુક નહી કરે તો ક્યારે કરશે. આ ધારણાએ ઊંચામાં ઊંચા ભાવે આંતરરાષ્ટ્રીય બજારમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. જેથી છેલ્લી બે ટ્રેડિંગ સેશનમાં ગોલ્ડ સિલ્વરના ભાવ તૂટ્યા હતા.
એમસીએક્સ નીચા મથાળે ખૂલશે
આ કડાકાની અસર હવે ભારતના બજારમાં કાલે દેખાશે. દિવાળીની રજાઓને કારણે કોમોડિટી બજારો બંધ છે. અમદાવાદ સોના ચાંદી બજાર લાભ પાંચમ સુધી બંધ રહેનાર છે. પણ કાલે 23 ઓકટોબરને ગુરુવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(એમસીએક્સ) ખૂલશે, ત્યારે સોના ચાંદીના ભાવ ભારે નીચા મથાળે ગેપમાં ખૂલશે. જો કે ઘટાડો કેટલો મોટો આવશે તે હાલ કહેવું અશક્ય છે.
ઘટાડો આવવો જરૂરી હતો
નિષ્ણાતોના કહેવા પ્રમાણે ગોલ્ડ સિલ્વરમાં આવેલ ઘડાડો વધુ પડતા ઊંચા ભાવને કારણે છે. બીજુ ટેકનિકલી પણ ગોલ્ડ સિલ્વર ફ્યુચરમાં હાઈલી ઓવરબોટ સ્થિતિ હતી. પરિણામે નવ સપ્તાહની તેજી પછી ગોલ્ડ સિલ્વરમાં ઘટાડો આવવો ખૂબ જરૂરી બન્યો હતો. ઘટાડો આવવાથી ગોલ્ડ સિલ્વરની તેજી વધુ મજબૂત બની છે અને હવે જો અહીંયાથી તેજી થશે તો તે તેજી વધુ સ્ટ્રોંગ ગણાશે.
ટ્રમ્પનું નરમ વલણ
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન અને ભારત પર ઊંચા ટેરિફને લઈને થોડા નરમ પડ્યા છે. જેથી સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે, તેવું એક કારણ રજૂ થતું હતું. રોકાણકારો હવે સપ્ટેમ્બર મહિનાના યુએસ કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ અમેરિકામાં શટડાઉન છે. તેને કારણે કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ ડેટા જાહેર થયો નથી. આ આંકડાના આધાર પર ફેડરલ રીઝર્વ હવે પછી મળનારી એફઓએમસીની બેઠકમાં ફેડ રેટ કટ અંગે નિર્ણય લેશે.
ડૉલર નબળો
ગોલ્ડ અને સિલ્વર બજારના એનાલીસ્ટોના કહેવા પ્રમાણે ગોલ્ડ સિલ્વરમાં એકતરફી તેજી પછીનું આ રીએક્શન છે. હજી તો ગ્લોબલ અનિશ્ચિતતાઓ અને સેન્ટ્રલ બેંકની ખરીદી ચાલુ છે. ટ્રમ્પના ટ્રેડ વોરની પૉલીસી ચાલુ છે. અને ડૉલર પણ નબળો છે. તેમજ યુએસ પ્રાદેશિક બેંકોની સ્થિતિ કથળી રહી હોવાના અહેવાલો છે. આ બધા કારણોને પગલે ગોલ્ડ સિલ્વરમાં લાંબાગાળાનો ટ્રેન્ડ તેજીનો રહેશે.
લાંબાગાળાનો તેજીનો ટ્રેન્ડ
ટેકનિકલી જોઈએ તો ગોલ્ડમાં 4000 ડૉલરએ સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે અને સિલ્વરમાં 46 ડૉલરએ મજબૂત સપોર્ટ લેવલ આવે છે. આ મથાળા આજુબાજુ ગોલ્ડ સિલ્વરમાં નવું બાઈંગ આવી પણ શકે છે. જેથી એમ કહી શકાય કે ગોલ્ડ અને સિલ્વરમાં લાંબાગાળાનો તેજીનો ટ્રેન્ડ ચાલુ છે. ભારતમાં દિવાળીના તહેવારોની સીઝન પુરી થઈ ગઈ છે, જેથી હાજરમાં ઘરાકી મોટાભાગે પૂર્ણ થઈ ગઈ છે.
Top Trending News
Hindu New Year 2025: સ્વામીનારાયણ મંદિરમાં ભવ્ય અન્નકૂટના કરો દર્શન
ભારતમાં દિવાળીની ખરીદી પૂર્ણ
સામાન્ય રીતે ભારતમાં નવરાત્રિ, ગુરુ પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ , દીવાળીની સોના અને ચાંદીમાં ખરીદી નીકળતી હોય છે. જો કે આ વખતે ભાવ ખૂબ ઊંચા હોવાથી નવી ખરીદી સામાન્ય રહી છે. દિવાળીના તહેવારો પુરા થયા પછી જ સોના ચાંદીના ભાવ તૂટ્યા છે.