
ભારત વિશ્વમાં સોનાની આયાત કરતો બીજા નંબરનો દેશ છે. તેમ છતાં એપ્રિલ, 2020માં ભારતે માત્ર 50 કિલો સોનાની આયાત કરી છે. વીતેલા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 110.18 ટન સોનાની આયાત કરી હતી. કીમતમાં વાત કરીએ તો એપ્રિલમાં ગોલ્ડની આયાત એક વર્ષ પહેલા 3.97 બિલિયન ડૉલરની સરખામણીએ એપ્રિલ, 2020માં ઘટી 2.84 મીલીયન ડૉલરની થઈ છે. એપ્રિલમાં લૉક ડાઉનને કારણે આયાત નજીવી થઈ છે. તેની પાછળનું કારણ એ છે કે લૉક ડાઉનને પગલે અર્થવ્યવસ્થામાં યોગદાન આપનાર કેટલાય ઉદ્યોગો બંધ છે. ભારતમાં એરલાઈન્સ સંપૂર્ણ બંધ છે, જેને કારણે સોનાની આયાત થઈ શકી નથી. તેમજ જ્વેલરી ઉદ્યોગ ટોટલ બંધ હોવાને કારણે નવી ડિમાન્ડ આવી જ નથી.

બીજી તરફ ભારતમાં 40 દિવસના લૉક ડાઉન પછી ઉદ્યોગધંધાની સ્થિતિ કથળી છે. નવી આવક નથી, અને સામે ખર્ચ તેમજ સેલરી ચુકવવાની ઉભી છે, જેથી ગોલ્ડ ખરીદવા કોણ આવે તે સવાલ છે. ભારતમાં એક લગ્નગાળો લૉક ડાઉનમાં પુરો થઈ ગયો છે. જેથી તેની ખરીદી તો આવી નથી, કોણ જાણે લૉક ડાઉન કયારે ખૂલશે. અને બધા વેપારધંધા કયારે શરૂ થશે, જે પ્રશ્નાર્થ છે. ચીન સાથે વિશ્વના તમામ દેશો ટ્રેડ બંધ કરી દેશે, જેનો સીધા લાભ ભારતને મળે તેવી શકયતાઓ છે. પણ હાલ તો ભારત પણ કોરોનાના કેરમાં છે. તેમાંથી બહાર નીકળે પછી વિચારશે. પણ હાલ કોરોનામાંથી કયારે બહાર નીકળીશું, અને કયારે લૉક ડાઉન હટશે, તે અતિગંભીર પ્રશ્ન છે.