ગોલ્ડ સિલ્વરમાં નવી તેજી થવા પાછળ કયા કારણો?
અમદાવાદ- વીતેલા સપ્તાહે સોના ચાંદી બજારમાં આગઝરતી નવી તેજી જોવા મળી છે. ગોલ્ડ અને સિલ્વરના ભાવ વર્ષની નવી ઊંચાઈને સ્પર્શી ગયા છે. નવા ઊંચા ભાવમાં પણ ઓલરાઉન્ડ લેવાલી ચાલુ રહી હતી. પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો ભાવ 3500 ડૉલરની સપાટી કૂદાવી ગયો છે. અને સિલ્વર 40 ડૉલર ઉપરના લેવલે પહોંચી ગયો છે. ગોલ્ડ સિલ્વરમાં નવી તેજી થવા પાછળ કયા કારણો હતા? હજી ગોલ્ડ સિલ્વરના ભાવ કેટલા વધશે? કે પછી ગોલ્ડ સિલ્વરના નવા ઊંચા ભાવથી વેચવાલી આવશે? શું નવરાત્રિ- દિવાળી પહેલા સોના ચાંદીના ભાવ ઘટશે ખરા? ગોલ્ડ સિલ્વરના રોકાણકારોએ હાલના ઊંચા ભાવે નફો બુક કરવો જોઈએ? કે પછી હાલના ભાવે પણ નવી ખરીદી કરવી જોઈએ?
જૂઓ વીડિયો….
વીતેલા સપ્તાહ દરમિયાન ગોલ્ડ સિલ્વરની વધઘટ પર નજર કરીયે
અમદાવાદ સોના ચાંદી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 3200 રૂપિયા ઉછળી 1,06,700 રહ્યો હતો. અને ચાંદીનો ભાવ 2500 રૂપિયા વધી 1,19,500 બોલાયો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 3396 ડૉલર થયો હતો. ત્યાંથી જોરદાર લેવાલી નીકળતાં ઉછળીને 3532 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 3530 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહમાં 112 ડૉલરનો ઉછાળો દર્શાવે છે. બે ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. અને મહિનામાંકુલ 4.7 ટકાનો ઉછાળો આવ્યો છે.
સિલ્વર સપ્ટેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 38.17 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 40.50 ડૉલરની વર્ષની નવી હાઈ બનાવીને સપ્તાહને અંતે 40.37 ડૉલર બંધ રહ્યો હતો. જે 1.32 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂમાં ઘટી 3351 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 3454 ડૉલર થઈ અને અંતે 3448 ડૉલર બંધ રહ્યો હતો, જે 76 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂમાં ઘટી 38.07 ડૉલર થઈ અને ત્યાંથી ઉછળી 40 ડૉલર થઈ અને અંતે 39.69 બંધ રહ્યો હતો.
સતત બીજા સપ્તાહે નવી તેજી
ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલની યુએસ ઈકોનોમીની ટીકા પછી ગયા અઠવાડિયે ગોલ્ડ સિલ્વરમાં તેજી થઈ હતી. જે તેજી આ સપ્તાહે પણ ચાલુ રહી હતી. પોવેલે કહ્યું હતું કે તેઓ હવે અર્થતંત્રમાં મંદી અને લેબર માર્કેટમાં મંદી પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.
સપ્ટેમ્બરમાં રેટ કટ
યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સે અહેવાલ આપ્યો હતો કે કોર પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર્સ (પીસીઈ) ઈન્ડેક્સ કે જેમાં અસ્થિર ફૂડ અને એનર્જિના પ્રાઈઝને બાકાત રાખીને ફેડરલ રીઝર્વે ફુગાવાનો દર જુલાઈ સુધીમાં 12 મહિનામાં 2.9 ટકા વધ્યો હતો. વધતાં જતા ફુગાવાને કારણે ફેડરલ રીઝર્વ હવે સપ્ટેમ્બર મહિનાની મોનેટરી પોલીસીની બેઠકમાં ફેડ રેટમાં ઘટાડો કરશે.
આગામી સપ્ટેમ્બર મહિનામાં 10 સપ્ટેમ્બરે પીપીઆઈ અને 11 સપ્ટેમ્બરે સીપીઆઈ ડેટા આવશે, ત્યાર પછી ફેડરલ રીઝર્વની બેઠક મળશે.
રાજકારણની દખલગીરી
યુએસ રોજગાર માર્કેટમાં પણ મંદીનો માહોલ છે. ઓગસ્ટ જોબ રીપોર્ટમાં કહ્યું છે કે જુલાઈથી 45,000 નોન ફાર્મ પેરોલ નોકરીઓ ઉમેરવામાં આવશે. અને બેરોજગારી દર 4.2 ટકા પર સ્થિર રહેશે. આર્થિક ડેટાની સાથે સાથે રાજકારણ ફેડરલ રીઝર્વમાં દખલગીરી કરી રહ્યું છે અને જીઓ પોલિટિકલ ટેન્શન ગોલ્ડ અને સિલ્વર નવી તેજીને વેગ આપી રહ્યા છે.
ટેરિફથી અવિશ્વાસનું વાતાવરણ
યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના દેશો પર ટેરિફ લાદ્યો છે, તેને કારણે અવિશ્વાસનું વાતાવરણ સર્જયું છે. ડોલર નબળો પડી રહ્યા છે. જેથી ગોલ્ડ એક કીમતી ધાતુ વધુ આકર્ષક બની છે અને તેમાં નવા ઊંચા ભાવે પણ નવું બાઈંગ આવી રહ્યું છે.
યુએસ ફેડરલ કોર્ટનો ચૂકાદો
યુએસ ફેડરલ કોર્ટને ટેરિફ મામલે ચૂકાદો આપ્યો હતો કે ટ્રમ્પે તેમની શક્તિઓનો દૂરઉપયોગ કર્યો છે અને વિશ્વના દેશો પર ટેરિફ લાદી છે. ટેરિફનો અમલ 14 ઓકટોબર સુધી પ્રતિબંધ મુકી દીધો છે. 7-4ની બહુમતી સાથે કોર્ટે ચૂકાદો આપ્યો હતો. કોર્ટે ભારપૂર્વક કહ્યું છે કે કોંગ્રેસ તેમણે આવી રીતે ટેરિફ નાંખવાનો કોઈ અધિકાર નથી આપ્યો. કોર્ટના ચૂકાદા પછી ટ્રમ્પે મોટુ નિવેદન આપ્યું હતું કે ટેરિફનો અમલ ચાલુ રહેશે. ટેરિફને હટાવી દેવાશે તો દેશ માટે તે વિનાસકારી હશે. આપણે આર્થિક રીતે નબળા પડી જઈશું. જે સમાચારને કારણે ટેરિફથી વિશ્વના દેશોમાં ચિંતા વધી છે અને અનિશ્ચિતતા વધી છે. જેને કારણે શુક્રવારે ગોલ્ડ અને સિલ્વરમાં ઓલરાઉન્ડ બાઈંગ આવ્યું હતું અને રોકેટગતિએ ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો.
આગામી સપ્તાહે બજાર કેવું રહેશે….
ગોલ્ડ સિલ્વરના ભાવમાં એકતરફી ઝડપી ઉછાળો આવ્યો છે. જેથી આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં નફારૂપી વેચવાલી આવશે, અને ભાવ પાછા પડી શકે છે. ટેકનિકલી રીએક્શન આવશે. જો કે લાંબાગાળાનો ટ્રેન્ડ તેજીનો રહેશે. ગોલ્ડ અને સિલ્વર બન્નેમાં નવા ઊંચા ભાવે નવું બાઈંગ બતાવે છે કે ગોલ્ડ સિલ્વરમાં હજી લાંબી તેજી થવાની શક્યતા છે. જો કે હાલ ભાવ ખૂબ ઊંચા છે, હાઈ પ્રાઈઝ છે. જેથી પ્રોફિટ બુકિંગ આવશે અને અહીંયાથી ભાવ ઘટશે.
રોકાણકારોએ શું કરવું જોઈએ
રોકાણકારોએ હાલના ઊંચા ભાવે પ્રોફિટ બુકિંગ કરવા જેવું છે કારણ કે ગોલ્ડ અને સિલ્વરમાં વણકલ્પયા ભાવ વધ્યા છે. કોઈ એ ધારણા પણ નહી બાંધી હોય કે આટલા બધા ભાવ વધી જશે. રોકાણકારોએ આ તેજીનો લાભ લેવો જોઈએ અને આપની પાસે રોકાણ હોય તો 50 ટકા નફો બુક કરવો જોઈએ.
ચાર્ટ બોલે છે
ટેકનિકલી જોઈએ ગોલ્ડ અને સિલ્વર સ્ટ્રોંગ બાયમાં પડેલા છે. પણ હાલ ઓવરબોટ પોઝીશનમાં છે, જેથી રીએક્શન આવી શકે છે. હવે ગોલ્ડમાં 3400 ડૉલરએ સપોર્ટ લેવલ બની ગયું છે અને હવે જો 3500 ડૉલર ઉપર હજી નવું તેજી થઈ શકે છે. તેજીવાળા ઓપરેટરો ગોલ્ડ 4000 ડૉલરનો ભાવ બતાવે તેવી આગાહી કરી રહ્યા છે. જો કે “લોભે લક્ષણ જાય” એટલે કે વધુ પડતો લોભ કરવાથી નુકસાન થાય છે.
દિવાળીના તહેવારોમાં ઘરાકી આવશે ખરી…
ભારતમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે. જે અગાઉ સોના ચાંદીના ભાવમાં સાધારણ ઘટાડો થઈ શકે છે. જો ભાવ નહી ઘટે તો સોનાચાંદી બજારમાં ઘરાકીનો તદન અભાવ રહેશે. કારણ કે ઊંચા ભાવમાં ખરીદનાર નહી આવે. જો કે હાલમાં જ્વેલરી માર્કેટમાં અને જ્વેલરી લેબર માર્કેટમાં મંદીનો માહોલ છે. બધા જ લોકો સોના ચાંદીના ભાવમાં ઘટાડાની રાહ જોઈને બેસી રહ્યા છે અને ભાવ સતત વધી જ રહ્યા છે. સતત વધી જ રહ્યા છે.
આગામી સપ્તાહની મહત્ત્વની ઈવેન્ટ્સ
સોમવાર- લેબર ડેને કારણે નોર્થ અમેરિકા માર્કેટ બંધ
મંગળવાર- યુએસ આઈએસએમ મેન્યુફેકચરિંગ પીએમઆઈ
બુધવાર– યુએસ જોલ્ટ્સ જોબ ઓપનિંગ
ગુરુવાર– એડીપી નોન ફાર્મ પેરોલ્સ ડેટા, યુએસ વીકલી જોબલેસ ક્લેઈમ ડેટા, આઈએસએમ સર્વીસીઝ પીએમઆઈ
શુક્રવાર- યુએસ નોન ફાર્મ પેરોલ્સ ડેટા