દિવાળી પહેલા સોનાચાંદીના ભાવ મજબૂત રહેશે

by Investing A2Z
Gold Silver Market

સોનાચાંદી બજારમાં સપ્તાહની શરૂઆતે નરમાઈ આવ્યા પછી સપ્તાહને અંતે મોટો ઉછાળો આવ્યો હતો. અને સોનાચાંદીના ભાવ ફરીથી ઉછળ્યા હતા. શું છે સોનાચાંદીના ભાવ, અને આ ભાવ કેટલા વધી શકે છે. હવે આગામી સપ્તાહે દિવાળી પહેલા સોનાચાંદીના ભાવ ઘટવાની આશા છે કે નહી એટલે કે દિવાળી પહેલા સોનાચાંદીના ભાવ કેવા રહેશે, તે અંગે આપણે આ વીડિયોમાં વિગતે જવાબ મેળવીશું.

સૌપ્રથમ અમદાવાદ સોનાચાંદી બજાર માણેકચોકના ભાવ પર એક નજર કરીએ. 999 ટચ સોનું દસ ગ્રામે 78,500 રહ્યું હતું. અને હોલમાર્ક દાગીના 76,930નો ભાવ બોલાયો હતો. ચાંદી ચોરસા એક કિલોએ રૂપિયા 91,500 રહ્યા હતા.

વૈશ્વિક બજારમાં સ્પોટ એટલે કે હાજરમાં ગોલ્ડનો ભાવ 2643 ડૉલરથી શરૂમાં ઘટી 2604 ડૉલર થઈ ત્યાંથી ઝડપી ઉછળી 2661 ડૉલર થઈ સપ્તાહને અંતે 2657 ડૉલર બંધ થયો હતો. એટલે કે સ્પોટ ગોલ્ડમાં સપ્તાહને અંતે શુક્રવારે જ 27 ડૉલરનો ઉછાળો આવ્યો હતો.

વૈશ્વિક બજારમાં સ્પોટ સિલ્વર 31.72 ડૉલરથી શરૂમાં ઘટી 30.11 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપ ઉછળી 32.34 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 31.53 ડૉલર બંધ રહ્યો હતો. સપ્તાહના છેલ્લા દિવસે સ્પોટ સિલ્વરમાં 0.37 ડૉલરનો ઉછાળો આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફયુચર 2667 ડૉલરથી શરૂમાં ઘટી 2618 ડૉલર થઇ અને ત્યાંથી ઝડપી ઉછળી 2679 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 2674 બંધ થયો હતો. શુક્રવારે જ 34 ડૉલરનો મોટો ઉછાળો આવ્યો હતો.

સિલ્વર ડીસેમ્બર ફયુચર 32.39 ડૉલરથી શરૂમાં ઘટી 30.34 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી વધી 32.59 ડૉલર થઈ સપ્તાહને અંતે 31.73 ડૉલર બંધ થયો હતો. શુક્રવારે જ સિલ્વરમાં 0.49 ડૉલરનો ઉછાળો નોંદાયો હતો.

26 જુલાઈ, 2023થી સોનાચાંદીમાં અદભૂત તેજીની શરૂઆત થઈ છે. જે આજ દિન સુધી ચાલુ રહી છે. જો કે તેની પાછળ કેટલા મજબૂત કારણો પણ છે.

(1) રશિયા- યુક્રેન વચ્ચે યુદ્ધ અને ઈઝરાયલ- લેબનોન વચ્ચે યુદ્ધ, આ બે ફેકટરને કારણે સોનાચાંદીમાં સલામત રોકાણના સંદર્ભમાં આપણને નવું બાઈંગ આવ્યું અને તેજી આવી.

(2) અમેરિકાની ફેડરલ રીઝર્વે ફેડ રેટમાં પચાસ બેસીસ પોઈન્ટનો કટ કર્યો. અને હજી નવેમ્બરમાં મળનારી ફેડરલ રીઝર્વની બેઠકમાં વધુ 25 બેસીસ પોઈન્ટનો કટ આવે તેવી ધારણા છે.

(3) નવેમ્બરમાં અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ઈલેક્શન આવી રહ્યું છે.

(4) વિશ્વના અન્ય ચલણની સામે ડૉલર નબળો પડી રહ્યો છે.

(5) ઈઝરાયલ ઈરાન પર જવાબી હૂમલો કરશે, તેવા ભયે સોનાચાંદીમાં ઊંચા ભાવે પણ નવી ખરીદી ચાલુ રહી છે.

મહત્વના સમાચાર-

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, નોર્થ અમેરિકન રોકાણકારો, જેઓ આ વર્ષે સોનાચાંદીની તેજીની ગાડી ચૂકી ગયા છે. આથી તેમણે સોના-સમર્થિત એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સમાં નાણાપ્રવાહને વાળ્યો છે.

સેન્ટ્રલ બેંકો ગુપ્ત રીતે સોનું ખરીદી રહી છે તે માનવું મુશ્કેલ નથી. તાજેતરના ગ્લોબલ ટ્રેન્ડ્સ રિપોર્ટ આવ્યો છે. WGC એ નોંધ્યું છે કે અંદાજિત સેન્ટ્રલ બેંક ખરીદીના 67 ટકા બીજા ક્વાર્ટરમાં બિન-રિપોર્ટ કરવામાં આવ્યા હતા.

જોબલેસ કલેઈમ્સના ડેટા પછી ડૉલર બે મહિનાની ઊંચી સપાટીએથી ગગડી ગયો હતો. લેબર માર્કેટની નબળાઈને કારણે ફેડને વ્યાજ દરમાં ઘટાડો કરવા માટે પ્રોત્સાહન આપશે, તેવી અપેક્ષા છે. છેલ્લા બાર મહિનામાં કોર કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ 3.2 ટકા વધવા સાથે કન્ઝ્યુમર ફુગાવાનો દર અપેક્ષા કરતાં વધુ વધ્યો હતો.

સીએમઈ ફેડવોચના દર્શાવ્યા પ્રમાણે નવેમ્બરમાં ફેડ રેટમાં 25 બેસીસ પોઈન્ટનો કટ આવે તેવી 81 ટકા શક્યતાઓ છે.

ડિગ્લોબલાઈઝેશન અને વધતા જતા સરકારી દેવાનું લેવલ એ યુએસ ડૉલરને હજી વધુ નબળો પાડી શકે છે. અને આથી જ સોનાચાંદીમાં તેજીની આગેકૂચ રહેશે.

આગામી સપ્તાહની ઈવેન્ટ

મંગળવારે એમ્પાયર સ્ટેટ મેન્યુફેકચરિંગ સર્વે

ગુરુવારે યુરોપિયન સેન્ટ્રલ બેંકની નાણાકીય નીતિ(મોનેટરી પોલીસી) જાહેર થશે. તે સાથે યુએસ રીટેઈલ સેલ્સના ફીગર, યુએસ વીકલી જોબલેસ ક્લેઈમ્સ અને ફિલી ફેડ ઉત્પાદન સર્વેક્ષણ જાહેર થશે.

શુક્રવારે યુએસ હાઉસીંગ ડેટા જાહેર થશે.

આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

સોનાચાંદીના ભાવ આગામી સપ્તાહે મજબૂત જ રહેવાના છે. તાજેતરમાં ઈઝરાયલના સંરક્ષણપ્રધાનનું નિવેદન હતું કે ઈઝરાયલ ઈરાન પણ જવાબી હૂમલો કરશે તે આશ્ચર્યજનક હશે અને ભંયકર હશે. બીજુ કે ક્રૂડ ઓઈલના ભાવ વધીને 78 ડૉલર પહોંચી ગયો છે. ત્રીજુ ભારતમાં દિવાળીના તહેવારો અને દિવાળી પછી લગ્નસરાની ઘરાકી નીકળશે. 24 ઓકટોબરે ગુરુ પુષ્ય નક્ષત્ર આવે છે, આ દિવસે ભારતમાં સોનાચાંદીની હાઈએસ્ટ ખરીદી થાય છે. આથી હાલ પુરતા સોના ચાંદીના ભાવમાં ઘટાડો આવે તેવી કોઈ શક્યતા નથી. ગત સપ્તાહે જણાવ્યું હતું તેમ આગામી દિવસોમાં સોનાનો ભાવ રૂપિયા 80,000 અને ચાંદી રૂપિયા એક લાખ સુધી જઈ શકે છે.

You will also like

Leave a Comment