Gold Silver: હાલના ભાવ સોનું ચાંદી ખરીદાય કે નહી?

by Investing A2Z
Gold Silver Market

મેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ભવ્ય વિજય થયો હતો, તે સમાચાર પછી ડૉલર મજબૂત થયો અને સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટી તૂટી ગયા. અને લગભગ 3 ટકાનો કડાકો બોલી ગયો હતો. હજી સોના ચાંદીના ભાવ ઘટશે? સોના ચાંદી સસ્તા ભાવે ખરીદવા મળશે? હાલના ભાવ ખરીદાય કે નહી?

સૌપ્રથમ અમદાવાદ સોનાચાંદી બજાર(માણેકચોક)ના ભાવ પર જોઈએ તો 999 ટચ સોનું 10 ગ્રામે રૂપિયા 2200 ઘટી સપ્તાહને અંતે 80,000 રહ્યો હતો. હોલમાર્ક દાગીના 78,400 બોલાયું હતું. ચાંદી ચોરસા એક કિલોએ રૂપિયા 3000 ઘટી 93,000 રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડિસેમ્બર ફયુચર 2749 ડૉલરથી સપ્તાહ દરમિયાન વધી 2759 થઈ ત્યાંથી ઘટી 2643 ડૉલર થયો હતો. આમ ઊંચા મથાળેથી 100 ડૉલરનો કડાકો બોલી ગયો હતો અને સપ્તાહને અંતે 2694 ડૉલર બંધ થયો હતો.

સિલ્વર ડીસેમ્બર ફ્યુચર 32.68 ડૉલરથી શરૂમાં વધી 33.05 થઈ અને ત્યાંથી ઝડપી તૂટી 30.94 ડૉલર થઈ સપ્તાહને અંતે 31.44 ડૉલર બંધ રહ્યો હતો.

સ્પોટ બજારની વાત કરીએ તો સ્પોટ ગોલ્ડ 2735 ડૉલરથી શરૂમાં વધી 2750 થઈ અને ત્યાંથી ઘટી 2643 થઈ સપ્તાહને અંતે 2683 બંધ થયો હતો. સ્પોટ ગોલ્ડમાં 2790 ડૉલર એ તેની લાઈફ ટાઈમ હાઈ સપાટી છે.

સ્પોટ સિલ્લરનો ભાવ 32.68 ડૉલરથી શરૂમાં વધી 32.95 થઈ અને ત્યાંથી ઘટી 30.82 થઈ અને સપ્તાહને અંતે 31.29 ડૉલર બંધ થયો હતો. સ્પોટ સિલ્વર 34.94 ડૉલરએ તેની લાઈફ ટાઈમ હાઈ સપાટી છે.

સોનુંચાંદીના ભાવ ઘટવા પાછળના કારણો

અમેરિકામાં પ્રેસિડેન્સિયલ ઈલેક્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ભવ્ય જીત થઈ હતી. તે પછી વિશ્વના તમામ ચલણો સામે ડૉલર ઊંચકાયો હતો. ડોલર ચાર મહિનાની હાઈ પર પહોંચી ગયો હતો, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ અને સિલ્વરમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. અને ખાસ કરીને બુલ ઓપરેટરોએ ભારે વેચવાલી કાઢી હતી. પરિણામે ગોલ્ડનો ભાવ 100 ડૉલર તૂટ્યો હતો અને સિલ્વરનો ભાવ 2 ડૉલર તૂટ્યો હતો.

ત્યાર પછી 7 નવેમ્બરે ફેડરલ રીઝર્વની બેઠક મળવાની હતી. જેમાં ફેડ રેટમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરાયો હતો. જે પછી ગોલ્ડ અને સિલ્વરમાં નીચા મથાળે નવું બાઈંગ આવ્યું હતું અને ઘટ્યા મથાળેથી ગોલ્ડ સિલ્વર થોડા સુધર્યા હતા. યુએસ ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે યુ.એસ. અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહ્યું છે, અને પુરતી સાવધાની સાથે ફેડ નાણાકીય નીતિને વધુ સરળ બનાવશે.

નવા વર્ષે કેટલું રીટર્ન મળશે?

વિક્રમ સંવત 2080ના વર્ષમાં ગોલ્ડમાં રોકાણ કરનારને 34 ટકા જેટલું રીટર્ન મળ્યું હતું. હવે વિક્રમ સવંત 2081નું નવું વર્ષ શરૂ થયું છે ત્યારે ગોલ્ડ માર્કેટના નિષ્ણાતોના મતે નવા વર્ષે ગોલ્ડમાં રોકાણ કરનારને અંદાજે 10- 15 ટકા રીટર્ન મળશે. તેની પાછળ વૈશ્વિક બજારમાં ગોલ્ડ અને સિલ્વર સલામત રોકાણ તરીકેનો વિકલ્પ ગમ્યો છે. બીજુ વિશ્વના દેશોમાં જીઓ પોલિટિકલ ટેન્શન સર્જાયું છે. તેમજ અમેરિકાએ વ્યાજ દરમાં અત્યાર સુધીમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો છે. યુરોપિયન સેન્ટ્રલ બેંકે પણ વ્યાજ દર ઘટાડ્યા છે. ચીનની બેંકે પણ પ્રાઈમ રેટ ઘટાડ્યો છે. આમ વ્યાજ દર ઘટે ત્યારે સોનાચાંદીમાં રોકાણ આવે તે સ્વભાવિક પ્રક્રિયા છે. માટે સોનું અને ચાંદીના ઊંચા ભાવ હોવા છતાં પણ વધુ હોટ ફેવરીટ બની રહ્યા છે.

આગામી સપ્તાહે સોનું ચાંદીના ભાવ નરમ જ રહેશે. દરેક ઊંચા મથાળે વેચવાલી આવશે. તેની પાછળ મજબૂત કારણ એ છે કે ટ્રમ્પની જીત પછી હવે ડોલર મજબૂત થશે અને બીજુ ટ્રમ્પે ચૂંટણીપ્રચારમાં વચન આપ્યું હતું કે હું પ્રેસિડેન્ટ બનીશ તો યુદ્ધને અટકાવીશ. રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ અને ઈઝરાયલ- લેબનોન અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ટ્રમ્પ મધ્યસ્થી કરીને યુદ્ધને અટકાવશે. અને જો યુદ્ધ અટકી જશે તો ગોલ્ડ અને સિલ્વરના ભાવ વધુ ઘટશે. કારણ કે અત્યાર સુધી યુદ્ધની સ્થિતિથી જ ગોલ્ડ સિલ્વરમાં તેજી થઈ હતી. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમાં શપથ ગ્રહણ કરશે. પછી શું સ્થિતિ રહે છે તે જોવું રહ્યું.

આગામી સપ્તાહની ઈવેન્ટ્સ પર એક નજર

આગામી સપ્તાહે બુધવારે ઓકટોબર મહિનાનો યુએસ સીપીઆઈ કોર ઈન્ફ્લેશન ડેટા જાહેર થશે.

તેમજ ગુરુવારે ઓકટોબરનો યુએસ પીપીઆઈ ડેટા, વીક્લી જોબલેસ ક્લેઈમ ડેટા અને ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલની સ્પીચ છે.

શુક્રવારે ઓકટોબરના યુએસ રીટેઈલ સેલ્સ ડેટા તેમજ ન્યૂયોર્ક એમ્પાયર સ્ટેટ મેન્યુફેક્ચરિંગ ઈન્ડેક્સ જાહેર થશે.

હવે ટેકનિકલ લેવલની વાત કરીએ તો આગામી સપ્તાહે ગોલ્ડ 2750 ડૉલર અને સિલ્વર 32.80 ડૉલર કૂદાવે તો જ નવી તેજી થશે. અન્યથા દરેક ઉછાળે વેચવું. નીચામાં ગોલ્ડમાં 2650 ડૉલર અને સિલ્વરમાં 30.95 ડૉલરનો સપોર્ટ લેવલ રહેશે. આ સપોર્ટ લેવલ આસપાસ આપ ખરીદી કરી શકો છો.

અને છેલ્લે… ગોલ્ડ અને સિલ્વરમાં જ્યારે જ્યારે ભાવ ઘટે ત્યારે તે ખરીદવાની તક મળી છે, તે સમજી લેવું. જેથી જેને ખરીદી કરવી હોય તેઓએ આવા તકની રાહ જોવી જોઈએ. રૂપિયામાં સોનું 79,000 અને ચાંદી 90,000 આજુબાજુ આવે તો ખરીદી કરવી જોઈએ.

You will also like

Leave a Comment