ગુજરાત વિધાનસભામાં કારખાના ધારા વિધેયક 2025 પસાર, શું સુધારા કરાયા?

by Investing A2Z

ગાંધીનગર- શ્રમ અને રોજગારપ્રધાન બલવંતસિંહ રાજપુતે(Balwantsinh Rajput) વિધાનસભા ગૃહમાં કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક 2025 રજૂ કરતાં કહ્યું હતું કે, રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, રાષ્ટ્રીય હિતમાં નવા ઔદ્યોગિક એકમોમાં રોકાણ આકર્ષવું અને રાજ્યમાં વધુ રોજગારી ઉભી કરવા માટે કારખાનાઓને યોગ્ય રાહતો આપવાની સાથે-સાથે શ્રમિકોના હિતનું રક્ષણ કરવામાં આવશે.(Factories Act Bill 2025 passed in Gujarat Assembly)

તેમણે કહ્યું હતું કે, કારખાના ધારો કેન્દ્ર સરકારનો કાયદો છે.(Amendments to Gujarat Factories Act 2025) તેમાં મળેલ સત્તાઓ અનુસંધાને માનનીય રાષ્ટ્રપતિની અનુમતિથી રાજ્ય સરકારો પોતાના રાજ્યને લાયક જરૂરી સુધારા કરી શકે છે અને તે સત્તા હેઠળ ખાસ કારખાના જૂથને અથવા વર્ગને દૈનિક કામના કલાકો તથા ઓવરટાઇમના કલાકોની સંખ્યામાં ફેરફાર કરવાની અને રાત્રીપાળીમાં મહિલા શ્રમયોગીઓને કામે રાખવાની પરવાનગી આપવાની સત્તા ગુજરાત સરકારને પ્રાપ્ત થાય તેવી જોગવાઇ કરવાનો આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ છે.(Gujarat Assembly 2025 News)

રાજપુતે કહ્યું હતું કે, મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઇ પટેલના(Gujarat CM Bhupendra Patel) માર્ગદર્શનમાં સરકારને જરૂરી લાગે તેવી શરતો-ખાસ કરીને મહિલા શ્રમયોગીઓની સલામતી અને સ્વાસ્થ્ય સંબંધી શરતોને ધ્યાને રાખીને આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જ આવી મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આપશે તેવી જોગવાઇ આ વિધેયકમાં કરવામાં આવી છે.

કોઇપણ રાજ્યમાં નવા-નવા ઉદ્યેાગો અને મૂડીરોકાણ કરવા માટે ઉદ્યેાગકાર ત્યારે જ આવે કે જ્યારે રાજ્યમાં તેને ઉદ્યોગ સ્થાપવા માટે અનુકૂળ વાતાવરણ હોય. આ માટે અનુકૂળ વાતાવરણ એટલે ઉદ્યોગ સ્થાપવા માટે જરૂરી જમીન સરળતાથી પ્રાપ્ત થાય, માળખાનો ઝડપી વિકાસ થઇ શકે તેવા સંજોગો હોય, તેમને જરૂરી કુશળ માનવબળ ઉપલબ્ધ થાય, સરકારની ઉદાર આર્થિક નીતિઓ હોય તેમજ ઉદ્યેાગ શરૂ કરી તેને સફળતાપૂર્વક ચલાવવા માટે કાયદાકીય રીતે ઓછી આટીઘૂંટી અને સરળ જોગવાઇઓ ધરાવતુ વાતાવરણ મળી રહેતું હોય છે.

આપણો દેશ અને આપણું ગુજરાત છેલ્લા કેટલાક વર્ષોથી ઔદ્યેાગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યુ છે. રાજ્યમાં અને દેશમાં નવા-નવા ઉદ્યેાગો, નવી-નવી ટેકનોલોજી અને તેના થકી રાજ્યમાં અને દેશમાં આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણનો પ્રવાહ સતત વધી રહ્યો છે.

રાજ્યના વિકાસમાં નારી શક્તિની ભાગીદારી મહત્વની છે. રાજ્યના યુવાનો તેમની કુશળતા અને કૌશલ્યનો ઉપયોગ કરીને આર્થિક રીતે પગભર થાય અને રાજ્યના આર્થિક વિકાસમાં તેઓનું યોગદાન આપી શકે તેવી તકોનું નિર્માણ તેમજ કામદારોના હિત જાળવવા સહિત રોજગારીનું સર્જન કરવા અને તેમને વધુને વધુ આર્થિક ફાયદો થાય તે અંગે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો થઇ રહ્યાં છે. પ્રસ્તાવિત વિધેયકમાં કારખાના ધારા 1948ની કુલ-6 કલમોમાં સુધારા સૂચવેલ છે. જેમાં કામના કલાકો, આરામનો સમય, કામનો કુલ સમયગાળો, ઓવરટાઇમ, ત્રણ મહિનાનો ઓવરટાઇમનો સમયગાળો અને મહિલા શ્રમયોગીઓ માટે રાત્રી પાળીમાં કામ કરવાની બાબતનો સમાવેશ થાય છે.

હાલની જોગવાઈ મુજબ મહિલા શ્રમયોગીઓ પાસેથી સવારના 06થી સાંજના 07 વાગ્યા સિવાયના કલાકોમાં કામ લઇ શકાતુ નથી. આ કલમ હેઠળની અન્ય જોગવાઇ મુજબ, ઉકત સમયગાળા સિવાયના કલાકોમાં મહિલા શ્રમયોગીઓ પાસેથી કામ કરાવવા અંગે રાજય સરકાર સરકારી રાજપત્રમાં જાહેરનામુ બહાર પાડીને મંજૂરી આપી શકે છે. વળી, રાત્રીના 10થી સવારના 05 કલાકના સમયગાળા દરમ્યાન મહિલા શ્રમયોગીઓને કામે રાખી શકાય નહિ તેવી સ્પષ્ટતા પણ પ્રધાને ગૃહમાં કરી હતી.

સુધારા વિધેયકની મહત્ત્વની જોગવાઈઓ:

➡️ આ સુધારાથી રાત્રિ પાળીમાં મહિલાઓને તેમની સંમતિથી કાયદેસર કામ કરવાની તક મળશે.
➡️ મહિલા શ્રમ યોગીઓને સમાનતા, વ્યવસાય સ્વતંત્રતા, આર્થિક ઉપાર્જન કરવાના બંધારણીય અધિકારને ધ્યાને રાખીને મહત્ત્વનો નિર્ણય.
➡️ રાત્રિ પાળીમાં સ્વેચ્છાએ કામ કરવાથી મહિલાઓ તેમના ઘર-પરિવાર માટે દિવસે વધુ સમય આપી શકશે.
➡️ નવી જોગવાઈ મુજબ વિરામ સાથે રોજના 12 કલાક પરંતુ, સપ્તાહના માત્ર 48 કલાક જ કામ કરવાની મંજૂરી આપી શકશે.
➡️ શ્રમયોગીને 06 કલાક પછી ઓછામાં ઓછા અડધો કલાકનો વિરામ આપવાની જોગવાઈ.
➡️ જે કામદાર 12 કલાક લેખે ચાર દિવસ કામ કરે એટલે પાંચમાં-છઠ્ઠા દિવસે માલિક દ્વારા પગાર સહિત સવેતન રજા આપવાની રહેશે.
➡️ નવી જોગવાઈ મુજબ ત્રણ માસના સમયગાળા દરમિયાન પૂર્વ મંજૂરી સાથે મહત્તમ 125 કલાક સુધીનો ઓવર ટાઈમ કરવાની તક મળશે.
➡️ સરકાર જેટલા સમયની મંજૂરી આપે તેટલો જ સમય આ કાયદો અમલમાં રહેશે : મંજૂરી પરત પણ લઈ શકે.

કારખાના ધારા 1948માં મહિલા શ્રમયોગીઓને રાત્રી પાળીમાં કામે રાખવાની જોગવાઈ ન હોવા છતાં મહિલા શ્રમયોગીઓને સમાનતા, સ્વતંત્રતા, વ્યવસાય કરવાના અને આર્થિક ઉપાર્જન કરવાના બંધારણીય અધિકારને ધ્યાને લઈને ગુજરાત ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ નિર્દેશોને કાયદાકીય સ્વરૂપ આપવા માટે પ્રસ્તાવિત વિધેયકમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.

વિધેયકમાં જે કંઇ જેાગવાઇઓ કરવામાં આવી છે. તેમાં સૌથી મહત્વની જોગવાઇ એ છે કે હવે મહિલા કામદારોને રાત્રી પાળીમાં તેમની સંમતિથી અને સંપૂર્ણ સલામત વાતાવરણમાં કામ કરવાની કાયદેસરની તક પ્રાપ્ત થશે.

વડાપ્રધાને “બેટી બચાઓ, બેટી પઢાઓ”નું સુત્ર આપ્યું. છે. “બેટી પઢાઓ” પછી ‘‘બેટી આગે બઢાઓ‘‘ એટલે કે ભણેલ ગણેલ અને કૌશલ્ય પ્રાપ્ત કરેલ બહેનો-દિકરીઓને રોજગારીની વધુને વધુ તક આપવામાં આવે, તેઓ આર્થિક કમાણી કરી શકે અને પગભર થઇ સ્વમાનભેર જીવી શકે તે માટે 16 જેટલી શરતોએ મંજૂરી આપવા અંગેની જોગવાઇ પણ આ વિધેયકમાં કરવામાં આવી છે. રાત્રી પાળીમાં સ્વેચ્છાએ કામ કરતી મહિલા શ્રમિકોને તેના ઘર-કુટુંબ માટે દિવસ દરમિયાન સમય મળી રહેશે. આમ તે “ગૃહીણી” ની સાથે-સાથે “ગૃહલક્ષ્મી”ની ભૂમિકા પણ અસરકારક રીતે ભજવી શકશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

અત્યાર સુધી રોજના 9 કલાક લેખે અઠવાડીયામાં મહત્તમ 48 કલાક કામ લેવાની કારખાના ધારામાં જોગવાઇ છે અને તેના કરતા વધારે સમય કામ કરે તો એટલે કે ઓવરટાઇમ કરે તો કામદારને ઓવરટાઇમ મળવાપાત્ર થાય છે. હવે રાજ્યમાં એવા ઘણા ઉદ્યોગો આવી રહ્યા છે કે જેઓને તેમની ઉત્પાદન પ્રક્રિયા સતત ચાલુ રાખવી પડતી હોય છે અને તો જ તેઓ તેમના ઉત્પાદનમાં પ્રોસેસ કે માલસામાન સંબંધી કોઇ નુકસાન વગર સારી રીતે ઉત્પાદન કરી શકે. આવા સંજેાગોમાં વારંવાર શીફ્ટ બદલવાથી તેઓને ઉત્પાદનમાં કે ઉત્પાદનની ગુણવત્તામાં નુકસાન જાય એમ છે.

પરંતુ જો કામદાર તેની પોતાની સંમતિથી અને રિસેસ વગેરે ભોગવવા સાથે જો 12 કલાક કામ કરવાની તૈયારી બતાવે તો તેવા કામદારોને કામે રાખીને આવા ખાસ ઉદ્યોગ પોતાની ઉત્પાદન પ્રક્રિયા સરળતાથી કરી શકે અને તે સામે કામદારોને તેમના કામનું પૂરતું વળતર મળી રહે. આ માટે વિધેયકમાં જેાગવાઇ થયા પ્રમાણે રાજ્ય સરકાર જાહેરનામાથી રિશેસ સાથે રોજના 12 કલાક પરંતુ અઠવાડીયામાં માત્ર 48 કલાક જ કામ કરવા માટે મંજૂરી આપી શકશે.

આ વિધેયકમાં પેટા કલમના ઉમેરા બાદ 5 કલાક બાદ અડધા કલાકની રીસેસના બદલે 6 કલાક બાદ અડધા કલાકની રીસેસ અને કારખાનાના વર્ગને દિવસ દરમ્યાન આરામ સહિતનો કામનો સમય 12 કલાક સુધી વિસ્તારવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ મજૂર એક દિવસ 9 કલાક અને અઠવાડિયાના 48 કલાક કરતાં વધુ કામ ઓવરટાઈમ કરે તો તેને વધારાનું વેતન મળશે.

રાજ્ય સરકાર જે-તે ફેકટરીના વર્ગને જાહેરનામા દ્વારા ખાસ મંજૂરી આપીને જ આ જોગવાઇઓનો અમલ કરાવી શકશે. કાયદામાં લાવેલ સુધારાઓ સરકારની મંજૂરીથી ચોક્કસ કારખાનાના વર્ગને જાહેરનામું બહાર પાડવામાં આવે ત્યારબાદ જ અમલમાં આવશે. આ મંજૂરી પણ કાયમી નથી. સરકાર જેટલા સમય માટે મંજૂરી આપે તેટલા સમય માટે જ આ મંજૂરી અમલી રહેશે તથા સરકાર આપેલી મંજૂરી પરત પણ ખેંચી શકે છે.

આ મહત્વપૂર્ણ બીલ શ્રમિકોના હિતના રક્ષણની સાથે ઔદ્યોગિક પ્રવૃત્તિને પણ ઉત્તેજન આપશે. શ્રમયોગીઓનું કલ્યાણ અને આર્થિક વૃદ્ધિ થાય, મહિલા શ્રમયોગીના કૌશલ્યનો ઉપયોગ થાય, તેમના પરિવારની આર્થિક વૃદ્ધિ અને વિકાસ થાય, રાજ્યમાં નવીન ટેક્નોલોજી ધરવતા ઉદ્યોગોની સ્થાપનાથી વધુ રોજગારીનું સર્જન થાય તેવા હેતુથી કારખાના ધારા 1948માં સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે.

કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક 2025 વિધાનસભા ગૃહમાં આજે પસાર કરવામાં આવ્યું હતું.

You will also like

Leave a Comment