
અધ્યાત્મ અને આધુનિક તકનીકનો સમન્વય
ગુજરાતમાં આવેલ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દિવાળીના શુભ દિવસે દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષથી, શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વસુધૈવ કુટુંબકમ્’ ના સૂત્ર સાથે, ટ્રસ્ટ ભક્તોને આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી ઉત્તમ ધાર્મિક અનુભવ પ્રદાન કરવા માટે સતત પ્રયત્નશીલ છે. આ વિચારને આગળ વધારી, આ વર્ષે પણ દેશભરમાંથી મોટી સંખ્યામાં પરિવારોને ઑનલાઈન જોડીને શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ સહ લક્ષ્મી પૂજનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
ઑનલાઈન પૂજન
પૂજન માટે અગાઉથી નોંધણી કરાવેલ શ્રદ્ધાળુઓનો સંપર્ક કરીને તેમને સુચારુ રૂપે ઑનલાઈન પ્લેટફોર્મ સાથે જોડવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક પૂજનમાં ગુજરાતના અને ભારત દેશમાંથી મોટી માત્રામાં ભક્તો ઑનલાઈન માધ્યમથી શ્રી સોમનાથ મંદિર સાથે જોડાયા હતા.

ઓનલાઈન પૂજનમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દીવાળીના શુભ દિવસે શ્રી યંત્ર, લક્ષ્મી માતા, શ્રી ગણેશ, રોજમેળ અને લેખનીનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. ઑનલાઈન જોડાયેલા ભાવિકોના રોજમેળ (એકાઉન્ટ બૂક)નું સોમનાથથી પંડિતજી દ્વારા ખાસ પૂજન કરવામાં આવ્યું હતું. પૂજનમાં, શ્રી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી કે આવનારું વિક્રમ સંવત 2082નું વર્ષ તમામ ભક્તો માટે શુભ ફળદાયી નીવડે અને તેમને સ્થિર તથા શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય. પૂજા કરેલ રોજમેળ, શ્રી યંત્ર, નમન ભસ્મ, રુદ્રાક્ષ અને બોલપેન સન્માનપૂર્વક ભક્તોના નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવશે.
આધુનિક સમયમાં ધાર્મિક સંસ્કૃતિનું જતન
આજે આધુનિક સમયમાં બહુમાળી ભવનો અને ઘરોથી દૂર રહેનાર લોકોને દિવાળીની લાગણી અને પૂજાનો લાભ મળે, તેજ રીતે ભારતીય સંસ્કૃતિની દીવાળી પર લક્ષ્મી પૂજનની પ્રણાલીને આધુનિક સ્વરૂપમાં ભક્તોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ અભિગમ દ્વારા ટ્રસ્ટે પરંપરાગત મૂલ્યોને જાળવી રાખીને ભક્તોને વર્તમાન ટેક્નોલોજી સાથે જોડવાનો સફળ પ્રયાસ કર્યો છે.
Top Trending News
Diwali 2025 India: ભારતવાસીઓ દિવાળીમાં પાકિસ્તાનના પાંચ વર્ષના સંરક્ષણ બજેટ કરતાં વધુ ખરીદી કરે છે
શ્રદ્ધાળુઓએ વ્યક્ત કરી કૃતજ્ઞતા
ઑનલાઈન માધ્યમથી સોમનાથ જ્યોતિર્લિંગના સાનિધ્યે લક્ષ્મી પૂજનનો લાભ મેળવનાર યજમાનોએ ટ્રસ્ટના આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિશ્વવ્યાપી પૂજનના આ અભિગમને ખૂબ વખાણ્યો હતો અને આ ઉત્કૃષ્ટ આયોજન બદલ શ્રી સોમનાથ ટ્રસ્ટ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.