
કોંગ્રેસમાં હાલ પુરતું તોફાન શમ્યું છે. કોંગ્રેસના પ્રમુખ તરીકે સોનિયા ગાંધી રહ્યાં છે, પણ હવે આગામી નવા પ્રમુખ માટે છ મહિનામાં પસંદગી કરવામાં આવશે, તેવું સીડબલ્યુસીની બેઠકમાં નક્કી થયું છે. સોનિયા ગાંધી છેલ્લાં 20 વર્ષથી કોંગ્રેસ પ્રમુખ(અધ્યક્ષ)ની ભૂમિકામાં રહ્યાં છે અને સૌથી વધુ લાંબા સમય સુધી પ્રમુખપદે રહ્યાં છે. પણ હવે સોનિયા ગાંધીની તબિયત સારી રહેતી નથી, તેઓ અમેરિકા સારવાર પણ લઈ આવ્યાં છે. પરિણામે પાર્ટીની કમાન હવે બદલાશે, તે નક્કી છે.
- જવાહરલાલ નહેરુ- 1951-54 સુધી ત્રણ વર્ષ પ્રમુખ રહ્યાં
- ઈન્દિરા ગાંધી- 1959-60 અને 1978-84 સુધી 7 વર્ષ પ્રમુખ
- રાજીવ ગાંધી- 1985થી 1991 સુધી 6 વર્ષ
- સોનિયા ગાંધી- 1998થી 2017 સુધી 19 વર્ષ
- રાહુલ ગાંધી- 2017થી 2019 સુધી 1.5 વર્ષ
- સોનિયા ગાંધી- 2019-20 સુધી 1 વર્ષ
આઝાદી મળ્યાં પછી કોંગ્રેસ 18 પ્રમુખ જોઈ ચૂકી છે. તેમાંથી પાંચ તો ફક્ત ગાંધી પરિવારના રહ્યાં છે, બાકીના 13 પ્રમુખ ગાંધી પરિવાર બહારના રહ્યાં છે. જો કે ખરેખર જોવા જઈએ તો ગાંધી પરિવારના હાથમાં સત્તા અને સંગઠનની બાગડોર રહી છે. ગાંધી પરિવારમાંથી આવતાં કોંગ્રેસના પાંચ પ્રમુખ અંદાજે 40 વર્ષ સુધી આ પદ પર રહ્યાં છે. 1998 પછી કોંગ્રેસનું પ્રમુખ પદ સતત ગાંધી પરિવારની પાસે જ રહ્યું છે.

તાજેતરમાં મધ્યપ્રદેશમાં યુવા નેતા જ્યોર્તિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપ્યું અને કોંગ્રેસની સરકાર પડી ગઈ, રાજસ્થાનમાં યુવા નેતા સચીન પાયલોટ થોડા કાચા પડ્યાં અને સામે અશોક ગહેલોત રાજકારણના જૂના ખેલાડી છે, જેથી રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બચી ગઈ છે. પણ રાજસ્થાનમાં હજી અશોક ગેહલોત અને સચીન પાયલોટ વચ્ચે ખટરાગ છે. રાજ્યોમાં મળેલી સત્તા ટકાવવા માટે પણ કોંગ્રેસને અથાગ મહેનત કરવી પડી રહી છે.

કોંગ્રેસને સબળ નેતૃત્વની જરૂર છે. આગામી લોકસભાની ચૂંટણી આવે તે પહેલાં કોંગ્રેસે પ્રજાલક્ષી મુદ્દાઓ સાથે મતદારો સાથે આત્મીયતા ઉભી કરવાની જરૂર છે અને ભાજપની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ મુકવી જોઈએ. યુવા બ્રિગેડ તૈયાર કરીને તેમને રાજકારણના પાઠ ભણાવવા જોઈએ, તો જ તે દેશનું સુકાન સંભાળી શકશે. સીનીયર નેતાઓએ પાર્ટીને દિશા બતાવવી જોઈએ, તેમની પાસે અનુભવ છે. પણ હાલ આ અનુભવ પર કાટ ચઢી ગયો છે.