દેશમાં અત્યાર સુધીના કુલ અંદાજિત PLI CAPEXમાં એકલા ગુજરાતનો હિસ્સો 28 ટકા

CRISIL માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિસિસ (MI&A) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના એક અહેવાલ પ્રમાણે PLI (પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ) યોજના હેઠળ ગુજરાત, તમિલનાડુ અને કર્ણાટક CAPEXના સૌથી મોટા હિસ્સેદાર હશે.
CRISIL એ પોતાના આ રીપોર્ટમાં 14 મુખ્ય ક્ષેત્રોમાંથી 9નું વિશ્લેષણ કર્યું છે. આ નવ મુખ્ય ક્ષેત્રોમાં ACC બેટરી, સોલાર પીવી, ટેક્સટાઈલ સેક્ટર, મોબાઈલ, ફૂડ પ્રોસેસિંગ, ટેલિકોમ્યુનિકેશન, ગુડ્સ, આઈટી હાર્ડવેર અને મેડિકલ ડિવાઈસ સેક્ટરનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રોમાં PLI (પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ) યોજના હેઠળ સમગ્ર દેશમાં રૂ. 2.8 લાખ કરોડનું રોકાણ આકર્ષિત થવાનો અંદાજ છે.
ગુજરાત ભારતમાં અત્યારસુધીમાં થયેલા અંદાજિત PLI CAPEX ના 28 ટકા આકર્ષિત કરશે.

જોકે, તમિલનાડુ આ કેટેગરીમાં પ્રથમ સ્થાને છે, જ્યાં કુલ PLI CAPEX ના એક તૃતીયાંશ એટલે કે રૂ. 42,000 કરોડથી વધુ રોકાણ થવાનો અંદાજ છે. ગુજરાત 28% એટલે કે રૂ. 36,000 કરોડથી વધુ અંદાજિત રોકાણ સાથે બીજા સ્થાને છે અને 11 ટકા એટલે કે રૂ. 14,000 કરોડના અંદાજિત રોકાણ સાથે આ શ્રેણીમાં કર્ણાટક ત્રીજા સ્થાને છે. અન્ય તમામ ભારતીય રાજ્યો, એટલે કે કુલ 25 રાજ્યોની વાત કરવામાં આવે તો, આ રાજ્યોને આ 9 ક્ષેત્રોમાં PLI તરફથી ફક્ત 28 ટકા અથવા રૂ. 36,000 કરોડનું અંદાજિત રોકાણ મળશે.
સોલાર પીવી ક્ષેત્રમાં અંદાજિત PLI CAPEXમાં ગુજરાતનો હિસ્સો 76 ટકા રહેવાનો અંદાજ છે.
દેશમાં સોલાર પીવી સેક્ટરમાં થયેલા અંદાજિત PLI CAPEXમાં ગુજરાતનો હિસ્સો 76 ટકા એટલે કે રૂ. 24,000 કરોડથી વધુ રહેવાનો અંદાજ છે, જ્યારે બાકીના 24 ટકા આંધ્ર પ્રદેશને મળવાનો અંદાજ છે. આ નવ ક્ષેત્રોમાં, ACC બેટરીમાં રોકાણ ક્ષમતાનો અંદાજ સૌથી વધુ છે, જે રૂ. 52,000 કરોડ છે. આ અંદાજિત રોકાણ ક્ષમતાનો સૌથી વધુ લાભ તમિલનાડુને થઈ શકે છે, જે 67 ટકા એટલે કે રૂ. 35,000 કરોડ છે, જ્યારે ગુજરાત અને કર્ણાટકને ACC બેટરી સેક્ટરમાં 17 ટકા એટલે કે લગભગ રૂ. 9,000 કરોડ મળવાનો અંદાજ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વર્તમાન સમયની ઔદ્યોગિક માંગને અનુરૂપ સતત પોતાની નીતિઓ બનાવી રહ્યું છે અને તમામ પ્રકારના જરૂરી વહીવટી ફેરફારો પણ કરી રહ્યું છે. સાથેસાથે કંપનીઓને આકર્ષક પ્રોત્સાહનો પણ આપી રહ્યું છે. ઉપરોક્ત આંકડાઓ ભૂપેન્દ્ર પટેલની નીતિઓની સફળતા તરફ નિર્દેશ કરે છે. તેથી જ એમ કહી શકાય કે CRISIL ના આ રીપોર્ટ મુજબ કેન્દ્રની PLI યોજના હેઠળ રોકાણ હાંસલ કરવામાં ગુજરાત દેશના બાકી રાજ્યોની તુલનામાં ઘણું આગળ નીકળી શકે છે.