
WHO દ્વારા COVID-19ને 30 જાન્યુઆરી 2020ના રોજ જાહેર સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવ્યો તેના ઘણાં સમય પહેલાં 8 જાન્યુઆરીથી જ ભારતે આ દિશામાં પ્રતિભાવ આપવાનો પ્રારંભ કરી દીધો છે. રાજ્યોને 17 જાન્યુઆરી 2020ના રોજ સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે અગમચેતીની તૈયારીઓ કરવાના નિર્દેશો આપી દેવામાં આવ્યા હતા, એ જ દિવસે પ્રવેશના તમામ સ્થળોએ પણ ચકાસણી કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.



(1) અત્યારના તમામ અસ્તિત્વમાં રહેલા વિઝા (ડિપ્લોમેટિક, અધિકારી, યુએન/ આંતરરાષ્ટ્રીય સંગઠન, નોકરી, પ્રોજેક્ટ વિઝા સિવાય) 15 એપ્રિલ 2020 સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નિર્ણય 13 માર્ચ 2020ના રોજ 1200 GMTથી પ્રસ્થાન સ્થળેથી અમલી છે.
(2) OCI કાર્ડ ધારકોને આપવામાં આવતી વિઝા ફ્રી પ્રવાસ સુવિધા 15 એપ્રિલ 2020 સુધી અટકાવી દેવામાં આવી છે, આ નિર્ણય 13 માર્ચ 2020ના રોજ 1200 GMTથી પ્રસ્થાન સ્થળેથી અમલી છે.
(3) જેઓ પહેલાંથી ભારતમાં રોકાયેલા હોય તેવા OCI કાર્ડ ધારકો ઇચ્છે ત્યાં સુધી ભારતમાં રોકાઇ શકે છે.
(4) ભારતમાં હાલમાં રોકાયેલા તમામ વિદેશીઓના વિઝા માન્ય રહેશે અને તેઓ પોતાના વિઝાના એક્સટેન્શન/ રૂપાંતરણ વગેરે થવા તેમને કોઇપણ વાણિજ્યદૂત સંબંધિત સુવિધા લેવાની ઇચ્છા હોય તોઇ- FRRO દ્વારા FRRO/FROનો સંપર્ક કરી શકે છે.
(5) અનિવાર્ય સંજોગોમાં ભારતમાં આવવા માંગતા કોઇપણ વિદેશી પ્રવાસી તેમના નજીકના ભારતીય મિશનનો સંપર્ક કરી શકે છે.
(6) વિઝા પ્રતિબંધો પહેલાંથી જ અમલમાં મૂકવામાં આવ્યા છે તે ઉપરાંત, ઇટાલી અથવા કોરિયાથી પ્રવાસ કરીને આવી રહેલા/ આ દેશોની મુલાકાત લીધી હોય તેવા પ્રવાસીઓ ભારતમાં આવવા ઇચ્છુક હોય તો તેમણે COVID-19 નેગેટિવ હોવાનું પ્રમાણપત્ર જે-તે દેશના સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા નિયુક્ત લેબોરેટરી પાસેથી લઇને રજૂ કરવાનું રહેશે. આ નિર્ણય 10 માર્ચ 2020ના રોજ 00.00 કલાકથી અમલમાં છે અને COVID-19ના કેસોમાં ઘટાડો ના થાય ત્યાં સુધી હંગામી પગલાં તરીકે અમલમાં રહેશે.
(7) 15 ફેબ્રુઆરી 2020 પછી ચીન, ઇટાલી, ઇરાન, કોરિયા પ્રજાસત્તાક, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીથી આવેલા અથવા તે દેશોની મુલાકાત લીધી હોય તેવા ભારતીય નાગરિકો સહિત ભારતમાં આવનાર કોઇપણ પ્રવાસીને ઓછામાં ઓછા 14 દિવસ સંસર્ગનિષેધ સુવિધામાં રાખવા. આ નિર્ણય તમામ પ્રસ્થાન સ્થળો પર 13 માર્ચ 2020ના રોજ 1200 GMTથી અમલમાં છે.
(8) ભારતીય નાગરિકો સહિત કોઇપણ આવી રહેલા પ્રવાસીઓને સલાહ આપવામાં આવે છે કે, તેઓ બિનજરૂરી પ્રવાસ ટાળે અને જો ભારતમાં તેમનું આગમન થશે તો 14 દિવસ સુધી સંસર્ગનિષેધ સુવિધામાં રહેવું જરૂરી છે તેનાથી માહિતગાર રહે.
(9) ભારતીય નાગરિકોને વધુમાં પ્રબળપણે સલાહ આપવામાં આવે છે કે તેઓ ચીન, ઇટાલી, ઇરાન, કોરિયા પ્રજાસત્તાક, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીનો પ્રવાસ કરવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળે.
(10) ભારતમાં આવી રહેલા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ જાતે જ પોતાના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવી અને “આટલું કરો” તેમજ “આટલું ના કરો” વિશે સરકાર દ્વારા આપવામાં આવેલી વિગતોનું પાલન કરવું.
(11) જમીન માર્ગેથી આવતા આંતરરાષ્ટ્રીય ટ્રાફિકને નિર્ધારિત ચેકપોસ્ટ પર રોકવામાં આવશે અને સઘન સ્ક્રિનિંગ સુવિધાઓમાં તેમની તપાસ થશે. આ અંગે ગૃહમંત્રાલય દ્વારા અલગથી સૂચના આપવામાં આવશે.
(12) ભારતમાં પ્રવેશી રહેલા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ સ્વાસ્થ્ય અધિકારીઓ અને ઇમીગ્રેશન અધિકારીઓને પોતે સહી કરેલું જાહેર એકરાર ફોર્મ (અંગત માહિતી જેમ કે, ફોન નંબર અને ભારતમાં સરનામું સહિત)ની નકલ આપવાની રહેશે અને તમામ પ્રવેશ સ્થળોએ નિયુક્ત સ્વાસ્થ્ય કાઉન્ટર પર સાર્વત્રિક સ્વાસ્થ્ય સ્ક્રિનિંગ કરાવવાનું રહેશે.
અત્યાર સુધીમાં COVID-19ના 73 કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. કેરળમાં નોંધાયેલા ત્રણ કેસમાં દર્દીઓ સાજા થઇ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે.

