
બુલિયન માર્કેટના જાણકારોના રહેવા મુજબ અંદાજે બે વર્ષમાં સોનાના રોકાણકારોને 57 ટકાનું રીટર્ન મળ્યું છે. દિલ્હીમાં બીજી જુલાઈએ 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂપિયા 50,050 બોલાયો હતો. તેમજ મુંબઈમાં રૂપિયા 50,120 ભાવ હતો. કોલકાતામાં સોનાનો ભાવ 50,000 રૂપિયાની નીચે હતો અને એક તોલાનો ભાવ રૂપિયા 49,820 કવૉટ થયો હતો.

જાણકારોના કહેવા પ્રમાણે શેરબજારમાં ઘટાડો, પ્રોપર્ટી માર્કેટમાં નરમાઈને કારણે રોકાણકારોએ સોનામાં રોકાણને સલામત રોકાણ ગણ્યું છે. જેથી સોનામાં નવી ડિમાન્ડ નીકળી છે. હાલ કોરોના સંકટ ચાલી રહ્યું છે. કોરોના વાયરસ કયારે સમાપ્ત થશે તે કહી શકાય તેમ નથી. કેટલાય દેશોમાં ત્રણ મહિના પછી પણ લૉક ડાઉન ચાલી રહ્યું છે. તેમજ ચીન સરહદ પર તંગદિલી છવાઈ છે. અમેરિકા એશિયાઈ ખાડીમાં યુદ્ધ માટે બોટ ખડકી રહ્યું છે. ભારત અને ચીન વચ્ચે સરહદ પર ભારે ટેન્શન છે. આવી અસમંજસભરી સ્થિતિમાં સોનામાં નવી ખરીદી નીકળી છે, અને એનાલીસ્ટોના કહેવા પ્રમાણે સોનાના ભાવમાં વધુ ઉછાળો આવી પણ શકે છે.

ભારતમાં અઢીત્રણ મહિનાના લૉક ડાઉન પછી આર્થિક સ્થિતિ ડામાડોળ બની ગઈ છે. હજી વેપારધંધા શરૂ થઈ શકયા નથી. ભારતમાં સોનાની ડિમાન્ડ સાવ નહીવત છે. જ્વેલરીના શોરૂમ ખુલી ગયા છે, પણ નવી ઘરાકી નથી. લગ્નની સીઝન પુર્ણ થઈ ગઈ છે. હવે ચોમાસું બેસી જશે, જેથી ગોલ્ડ ખરીદવાની સીઝન પુરી થઈ ગઈ છે. હાલ જે સોનાના ભાવ ઊંચકાયા છે, તે માત્રને માત્ર વૈશ્વિક સોનાના ભાવ ઉછળ્યા તેની પાછળ સ્થાનિક રૂપિયામાં ભાવ વધ્યા છે. બાકી હાલ કોઈ નવી ખરીદી કે નવી ઘરાકી નથી. કટોકટીભરી સ્થિતિ આવે ત્યારે બધાને સોનામાં કરેલું રોકાણ સલામત લાગે છે. આગામી છ મહિના સુધી અસમંજસભરી સ્થિતિ રહેવાની છે, જેથી ગોલ્ડ અને સિલ્વરના ભાવ ઊંચા જ રહેશે.