રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલીસી કમિટી(RBI MPC)એ રેપો રેટ (REPO RATE)માં કોઈ જ ફેરફાર કર્યો નથી. આ સતત નવમી વખત રેપો રેટને યથાવત રાખ્યો છે. મંગળવારે શરૂ થયેલી એમપીસીને બેઠકમાં લેવાયેલ નિર્ણયની જાણકારી આપતાં આરબીઆઈ (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે રેપો રેટ 6.5 ટકા યથાવત રખાયો છે.
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બન્યા પછી એમપીસીની આ પહેલી બેઠક હતી અને આજે ગુરુવારે મળેલી 50મી બેઠક હતી. શક્તિકાંત દાસે કહ્યું હતું કે ધિરાણ નીતિની સમિતીના છ સભ્યોમાંથી ચાર સભ્યોએ વ્યાજ દરને યથાવત રાખવાના નિર્ણયના પક્ષમાં મત આપ્યો હતો.
રેપો રેટ યથાવત રાખવાનો અર્થ તમારી લોનના વ્યાજ દર સાથેના હપ્તામાં કોઈ જ ફેરફાર થવાનો નથી. રેપો રેટ એટલે આરબીઆઈ બેંકોને લોન રેપો રેટ(વ્યાજ દર)થી આપે તે. એટલે કે રેપો રેટ ઘટે કો તમારી હોમ લોન, પર્સનલ લોન અને કાર લોનના હપ્તામાં(વ્યાજ) ઘટાડો થાય છે. આરબીઆઈએ રેપો રેટમાં છેલ્લે વીતેલા વર્ષ ફેબ્રુઆરીમાં ફેરફાર કર્યો હતો. તે વખતે રેપો રેટ 0.25 ટકા વધારીને 6.5 ટકા કર્યો હતો.
શક્તિકાંત દાસે કહ્યું હતું કે ગ્રોથને સુનિશ્ચિત કરવા માટે મોંઘવારી પર ફોકસ કરીને કીમતોમાં સ્થિરતા લાવવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યત્વે મોંઘવારી એપ્રિલ-મેમાં સ્થિર રહ્યા પછી જૂનમાં તે વધીને આવી છે. ત્રીજા ત્રિમાસિક ગાળામાં મોંઘવારીમાં ઘટાડો થવાની ધારણા છે. ગ્લોબલ ઈકોનોમિક આઉટલૂકમાં અનઇવન ખર્ચ દેખાઈ રહ્યો છે. કેટલાક દેશોની સેન્ટ્રેલ બેંકોએ પોતાની પોલીસીને કડક બનાવી છે. ડેમોગ્રાફિક શિફ્ટ, જિયોપોલિટિકલ ટેન્શન અને સરકારના વધતાં જતાં દેવા એ નવા પડકારો ઉભા થયા છે.
આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે 2024-25માં જીડીપી ગ્રોથ રેટ 7.2 ટકા રહેવાનું અનુમાન છે. તેના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.1 ટકા, બીજા ત્રિમાસિક ગાળામાં 7.2 ટકા, ત્રીજા ત્રિમાસિક ગાળામાં 7.3 ટકા અને ચોથા ત્રિમાસિક ગાળામાં 7.2 ટકા રહેવાનું અનુમાન છે.
શક્તિકાંત દાસે કહ્યું હતું કે એમપીસીનું અનુમાન છે કે હવે પછીના સમયમાં મોંઘવારીમાં ઘટાડો થશે. ત્રીજા ત્રિમાસિક ગાળામાં કુલ મોંઘવારી ઘટી શકે છે. જો કે ખાવાપીવાની ચીજ વસ્તુઓના ભાવ સતત વધ્યા હોવાથી તે ચિંતાનો વિષય છે. રીટેઈલ મોંઘવારી દર ચાલુ નાણાકીય વર્ષમાં 4.5 ટકા રહેવાનું અનુમાન છે. દક્ષિણ પશ્ચિમમાં મોનસૂન સારુ રહ્યું છે. જેથી રીટેઈલ મોંઘવારીમાં રાહત મળવાની આશા છે. ઘરેલૂ માંગ વધવાની સાથે ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર અને સેવા ક્ષેત્રમાં પણ તેજી યથાવત રહેશે. AI એ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે નવા પડકારો ઉભા કરી શકે છે.
બ્લૂમબર્ગના સર્વેમાં 43માંથી 42 અર્થશાસ્ત્રીઓએ વ્યાજ દરમાં ફેરફાર કરવાની ઓછી સંભાવના દર્શાવી હતી. જૂનમાં રીટેઈલ મોંઘવારી ચાર મહિનાના ઊંચા સ્તર 5.08 ટકા પર પહોંચી ગયો હતો. ખાસ કરીને શાકભાજી અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધ્યા હોવાથી રીટેઈલ મોંઘવારી દર વધ્યો હતો. જૂલાઈમાં ઘરનું બનાવેલ ખાવાનું મોંઘુ થયું છે. શાકાહારી થાળી 11 ટકા મોંઘી થઈ છે અને નોન વેજ થાળી 6 ટકા મોંઘી થઈ છે. ડુંગળી, ટામેટા અને બટાટા જેવા શાકભાજીના ભાવ વધ્યા હોવાથી ઘર ખર્ચમાં વધારો થયો છે, જેની આરબીઆઈએ ચિંતા વ્યક્ત કરી છે.