સોનાચાંદીમાં રેકોર્ડ તેજીની આગેકૂચ, હજી ભાવ વધશે…

by Investing A2Z

સોનાચાંદી બજારમાં રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહી છે. અમદાવાદ સોનાચાંદી બજાર માણેકચોકના ભાવ પ્રમાણે જોઈએ તો 999 ટચ સોનું દસ ગ્રામે 76,500નો ભાવ સ્થિર રહ્યો છે. હૉલમાર્ક દાગીનાનો ભાવ રૂપિયા 74,970 રહ્યો છે. ચાંદી એક કિલોએ રૂપિયા 1500નો ઉછાળો આવી રૂપિયા 88,500નો ભાવ રહ્યો હતો. સોનાચાંદીના ભાવ વધીને આવતાં અને હાલ શ્રાદ્ધનો મહિનો હોવાથી હાલ નવી ઘરાકી અટકેલી છે.

વૈશ્વિક બજારમાં ગોલ્ડ ડિસેમ્બર ફ્યુચર 2610 ડૉલરથી ઉછળી 2651 ડૉલરની નવી રેકોર્ડ હાઈ બનાવી હતી, અને સપ્તાહને અંતે 2647 ડૉલર બંધ રહ્યો હતો. તેવી જ રીતે સિલ્વર ડિસેમ્બર ફ્યુચર 31.04 ડૉલરથી ઉછળી 31.75 ડૉલર થઈ અને અંતે 31.50 ડૉલર બંધ રહ્યો હતો. સિલ્વરમાં 52 વીક હાઈ 33.05 ડૉલર છે, જેને હજી ટચ થયો નથી.

સ્પોટ બજારમાં એટલે કે હાજર બજારમાં ગોલ્ડ વધી 2626 ડૉલર થઇ અને અંતે 2622 ડૉલર રહ્યો હતો. સિલ્વરનો ભાવ 31.50 ડૉલર થઈ અંતે 31.24 ડૉલર રહ્યો હતો.

યુરોપિયન સેન્ટ્રલ બેંકના વ્યાજદરમાં ઘટાડા પછી અમેરિકાની ફેડરલ રીઝર્વે ફેડ રેટમાં પચાસ બેસીસ પોઈન્ટનો કટ કર્યો છે, એટલે કે વ્યાજદરમાં પચાસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. જ્યારે જ્યારે વ્યાજ દર ઘટે તો બોન્ડ અને ડિપોઝીટના વ્યાજ દર ઘટે છે, આથી યીલ્ડ એટલે કે વ્યાજ વળતર ઘટે છે. આથી ગોલ્ડ અને સિલ્વર તરફ રોકાણ વધે છે. સૌથી વધુ વળતર કયા મળશે અને સલામત રોકાણ કયું? આથી સોનાચાંદીમાં રોકાણ આવે તે સ્વભાવિક છે.

બીજી તરફ ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે તંગદિલી વધી છે. પેજર હૂમલા પછી ટેકનોલોજીકલ હૂમલા વધ્યા છે. લેબનોન પર પણ રોકેટ મારો કર્યો છે. આમ જીઓ પોલિટિકલ ટેન્શન વધ્યું છે. અમેરિકાના વ્હાઈટ હાઉસે યુદ્ધની પરિસ્થિતીની ઊંડી ચિંતા વ્યકત કરી છે. વ્હાઈટ હાઉસના પ્રવકતાએ કહ્યું છે કે અમે ચિંતિત છીએ અને ભયભીત પણ છીએ. યુદ્ધ વધુ વણશે તે માટેની ચિંતા વધારે છે.

આ બે ફેકટરને કારણે જ આંતરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ અને સિલ્વરમાં ભારે બાઈંગ આવ્યું હતું. બે અઠવાડિયામાં જ ગોલ્ડના ભાવમાં 120 ડૉલરનો ઉછાળો આવ્યો છે. જો કે સ્પોટ બજાર એટલે કે હાજર બજારની વાત કરીએ તો ગોલ્ડ અને સિલ્વરમાં ઊંચા ભાવને કારણે ડિમાન્ડ ઘટી છે. આથી ગોલ્ડ ફ્યુચર અને સ્પોટ ગોલ્ડ વચ્ચે 25 ડૉલરનો તફાવત જોવા મળે છે. તેમજ યુદ્ધની સ્થિતિમાં રોકાણકારો સોનાને પસંદગીના હેજ તરીકે જૂએ છે. સામે પક્ષે ડૉલર પણ નબળો પડી રહ્યો છે.

આગામી સપ્તાહે ગોલ્ડ અને સિલ્વરમાં રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહેશે. ફેડરલ રીઝર્વ જો મોંઘવારી કાબૂમાં નહી આવે તો હજી વધુ ફેડ રેટ કટ કરશે તેવી ધારણાએ ગોલ્ડ અને સિલ્વરમાં નવું બાઈંગ ચાલુ રહેશે. તેમજ માઈક્રાઈકોનોમી અને જીઓ પોલિટિકલ ટેન્શન આ ફેકટરને કારણે જ ગોલ્ડ અને સિલ્વરમાં તેજી ચાલુ રહેશે.

ટેકનિકલી જોઈએ તો ગોલ્ડમાં 2614 ડૉલરનું પ્રથમ સપોર્ટ અને 2608 ડૉલરનું બીજુ સપોર્ટ લેવલ રહેશે. આ બે સપોર્ટ લેવલને ધ્યાને રાખીને દરેક ઘટાડે ગોલ્ડ બાય કરી શકાય. ઉપરમાં ગોલ્ડ 2650 ડૉલરનો ભાવ કૂદાવશે તો 2675 સુધી જઈ શકે છે.

તેવી જ રીતે સિલ્વરમાં પણ 31.10 ડૉલરનો પ્રથમ સપોર્ટ અને 30.49 ડૉલરનો બીજો સપોર્ટ રહેશે. આ બે સપોર્ટ લેવલના સ્ટોપલોસ રાખીને દરેક ઘટાડે ખરીદી કરી શકાય. ઉપરમાં 31.75 ડૉલરનો ભાવ કૂદાવશે તો સિલ્વર તેના 52 વીક હાઈ 33.05 ડૉલરને સ્પર્શ કરશે.

દરેક વીડિયોમાં હું આપને કહી રહ્યો છું કે જેમ શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં આપે એસઆઈપી કરો છો તેમ સોનાચાંદીમાં પણ એસઆઈપી કરજો. જેથી તમને ઊંચા ભાવનું ભારણ નડશે નહી. આ વીડિયો જોનાર દર્શકોએ સોનું ચાંદી ખરીદવા માટે એસઆઈપી શરૂ કરી જ દીધી હશે. અથવા આપ એસઆઈપી ન કરો તો કાંઈ નહી દર મહિને ગોલ્ડ ઈટીએફ બાય કરજો. જેથી સોનાચાંદીના ભાવ ગમે તેટલા ઊંચા ભાવ હોય પણ તમારી જરૂરિયાત અનુસારનું બેસ્ટ પ્લાનિંગ કર્યું હશે તો તમને કોઈ જ તકલીફ નહી પડે અને ભાવ ગમે તેટલો વધે તો પણ તમને ભાવ ઊંચા લાગશે નહી.

Related Posts

Leave a Comment