2025માં ગોલ્ડ સિલ્વરના ભાવ કેટલા વધી શકે છે?

by Investing A2Z

ર્ષ 2024 સોનાની પીળી ચમક સાથે સમાપ્ત થવા જઈ રહ્યું છે. 2024ના વર્ષમાં સોનામાં અંદાજે 27 ટકા રીટર્ન મળ્યું છે. જે નિફ્ટીમાંથી મળેલ રીટર્નને પણ પાછળ છોડી દીધું છે. જીઓ પોલિટિકલ ટેન્શનને કારણે એક સલામત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડ ઉભરીને આવ્યું છે. વર્ષ 2010 પછી સોનામાં આ વર્ષ સૌથી શ્રેષ્ઠ રહ્યું છે. હવે આગામી વર્ષ 2025માં ગોલ્ડની ચમક કેવી રહેશે? નવા વર્ષ 2025માં સોનાનો ભાવ કેટલો વધશે? સેન્ટ્રેલ બેંકો પોતાની ખરીદી ચાલુ રાખશે કે કેમ, આ તમામ સવાલના જવાબ આપણે વીડિયોમાં મેળવીશું. જૂઓ વીડિયો….

સૌપ્રથમ સોનાચાંદીના ભાવ પર એક નજર કરીએ….

અમદાવાદ સોનાચાંદી બજારમાં સપ્તાહને અંતે 999 ટચ સોનાનો ભાવ દસ ગ્રામે રૂપિયા 78,900 અને ચાંદી ચોરસાનો એક કિલોએ ભાવ રૂપિયા 87,500 રહ્યો હતો. હોલમાર્ક દાગીનાનો ભાવ રૂપિયા 77,320 બોલાયો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યુચર 2645 ડૉલર સામે ગત સપ્તાહે વધી 2655 ડૉલર થઈ અને ત્યાંથી ઘટી 2625 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 2631 ડૉલર બંધ રહ્યો હતો.

સિલ્વર માર્ચ ફ્યુચર 29.95 ડૉલર સામે વધી 30.48 ડૉલર થઈ અને ત્યાંથી ઘટી 29.96 ડૉલર થઈ અને તે જ મથાળે બંધ રહ્યો હતો.

સ્પોટ ગોલ્ડ સપ્તાહ દરમિયાન વધી 2639 ડૉલર થઈ અને ત્યાંથી ઘટી 2607 ડૉલર થઈ સપ્તાહને અંતે 2620 ડૉલર બંધ રહ્યો હતો. સ્પોટ સિલ્વર વધી 29.92 ડૉલર થઈ અને ત્યાંથી ઘટી 29.32 ડૉલર થઈ સપ્તાહને અંતે 29.36 ડૉલર બંધ રહ્યો હતો.

અમેરિકામાં પ્રિસેન્ડેન્શિયલ ઈલેક્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પની ભવ્ય જીત થઈ ત્યાર પછી હવે 20 જાન્યુઆરીએ ટ્રમ્પ શપથગ્રહણ કરશે અને ત્યાર પછી નીતિગત ફેરફારોની સંભાવનાઓ વચ્ચે અમેરિકી ડૉલર મજબૂત થયો હતો. જે પછી નવેમ્બરમાં સોનાના ભાવ સામાન્ય ઘટ્યા હતા. અમેરિકાની આયાત પર ઊંચા ટેરિફના ભય વચ્ચે મોંઘવારી દર વધવાની શક્યતા છે. તેમજ ફેડરલ રીઝર્વે પણ 2025ના વર્ષમાં માત્ર બે જ વખત ફેડ રેટ કટ કરવાની વાત કરી છે. આથી ગોલ્ડ અને સિલ્વરના ભાવ ઑલ ટાઈમ હાઈ સપાટીથી ઘટ્યા હતા.

વીતેલા સપ્તાહે 10 વર્ષના ટ્રીઝરરી બોન્ડનું યીલ્ડ 4.64 ટકા થયું હતું, જે સાત મહિનાની ટોચે હતું. બીજી તરફ નાતાલનું વેકેશન હોવાથી ગોલ્ડ સિલ્વર માર્કેટમાં ટ્રેડિંગ સાવ ઘટી ગયું હતું, અને આથી સોનાચાંદીના ભાવ બે તરફી વધઘટમાં અથડાઈને ફ્લેટ બંધ રહ્યા હતા. ગત સપ્તાહની સપાટીએ જ બંધ રહ્યા હતા.

ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન સોના ચાંદીની કુલ માંગ પહેલી વાર 100 અબજ ડૉલરને વટાવી ગઈ હતી. આ વર્ષે સોનાના રેકોર્ડ ઊંચા ભાવ પાછળ ત્રણ કારણો જવાબદાર હતા. મધ્ય પૂર્વમાં ઈઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધ, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અને સીરિયામાં બશર અલ અસદના શાસનના પતનને કારણે ગોલ્ડ સિલ્વરમાં ભારે લેવાલી રહી હતી.

તે ઉપરાંત સેન્ટ્રલ બેંકો સોનામાં સૌથી મોટી ખરીદી કરી હતી. તો 2022-23ના વર્ષમાં સેન્ટ્રલ બેંકોની સાવ ઓછી ખરીદી રહી હતી. વિશ્વની સેન્ટ્રલ બેંકો 2009થી સતત એટલે કે પંદર વર્ષથી ગોલ્ડ-સિલ્વરમાં નેટ બાયર રહી છે. જો આ માંગ ઓછી થાય તો જ 2025ના નવા વર્ષમાં ગોલ્ડના ભાવ ઘટી શકે છે.

2024ના વર્ષમાં ફેડરલ રીઝર્વ દ્વારા વ્યાજ દરમાં એક ટકાનો ઘટાડો કર્યો જેથી ગોલ્ડ વધુ આકર્ષક બન્યું હતું. તેમજ મોંઘવારી વધતાં રોકાણકારોએ ગોલ્ડમાં રોકાણને વધુ રીટર્ન આપતું બનાવી દીધું હતું. અને નવા વર્ષે ગોલ્ડ અને સિલ્વર બુલિશ જ રહેવાના છે. અગ્રણી બુલિયન નિષ્ણાતોના કહેવા મુજબ 2025ના વર્ષના અંત સુધીમાં ગોલ્ડનો ભાવ 2900 ડૉલર સુધી જઈ શકે છે. જ્યારે સીટી, ગોલ્ડમેન સૈક્સ અને જે પી મોર્ગન ડિસેમ્બર 2025 સુધી ગોલ્ડ 3000 ડૉલરની સપાટીને સ્પર્શી જશે, તેવું લક્ષ્ય મુક્યું છે. સિલ્વરમાં પણ ઔધોગિક ડિમાન્ડ જળવાઈ રહેશે. અને નવા વર્ષ 2025માં સિલ્વર 36 ડૉલરની સપાટીને સ્પર્શી જશે, તેવી આગાહી કરાઈ છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનું અનુમાન છે કે 2025માં બુલિયન ટૂંકી વધઘટમાં અથડાઈ જશે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલે તેની આઉટલૂક 2025 રીપોર્ટમાં કહ્યું છે કે જો અર્થવ્યવસ્થા 2025માં અનુમાન મુજબ પ્રદર્શન કરે તો સોનું વર્ષના અંતિમ હિસ્સામાં જોવા મળેલી એક રેન્જમાં રહી શકે છે. જેમાં ઉછાળો આવવાની શક્યતા પણ છે. કુલ મળીને ફેડ નવા વર્ષ 2025માં બે જ વખત ફેડ રેટ કટ કરવાની છે. તો ગોલ્ડ સિલ્વરમાં રોકાણ માંગ પર અસર પડી શકે છે.

અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી આશિષભાઈ ઝવેરીના કહેવા પ્રમાણે 2025નું વર્ષ ગોલ્ડ અને સિલ્વરમાં સારુ રીટર્ન આપનારું બની રહેશે. નોટબંધી પછી સોના ચાંદીના ભાવ ઊંચા હતા, ત્યારે જેમણે રોકાણ કર્યું હતું, તે પછી સોના ચાંદીના ભાવ બમણા થઈ ગયા છે. નવું વર્ષ નવી આશાઓ લઈને આવી રહ્યું છે, અને સોનું ચાંદીએ સલામત રોકાણ રહ્યું છે અને રહેશે. જીઓ પોલિટિકલ ટેન્શન તો ઊભું જ છે, જેથી ગોલ્ડ સિલ્વરમાં દરેક ઘટાડે નવી ખરીદી આવવાની જ છે.

આગામી સપ્તાહે સોમવારે યુએસ પેન્ડિંગ હોમ સેલ્સ ડેટા જાહેર થશે. ગુરુવારે યુએસ વીકલી જોબલેસ ક્લેઈમ ડેટા આવશે તેમજ શુક્રવારે આઈએસએમ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ જાહેર થશે. બીજુ આગામી સપ્તાહના બુધવારથી નવું વર્ષ 2025 શરૂ થશે. 2025નું નવું વર્ષ નવી તેજીના નવા આશાવાદ લઈને આવશે. આપ સર્વેને નવા વર્ષે ગોલ્ડ સિલ્વરના રોકાણમાં ખૂબ નફો થાય તેવી શુભેચ્છા અને એડવાન્સમાં હેપ્પી ન્યૂ યર…

Related Posts

Leave a Comment