સોના ચાંદી બજારમાં રોકેટગતિએ તેજી જોવાયા પછી ભાવ થોડા પાછા પડ્યા છે. દિવાળી પહેલાના ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે સોનાચાંદીના ભાવ ખૂબ ઊંચા એટલે કે ઑલ ટાઈમ હાઈ ભાવ હતા. એટલે સોનાચાંદીના વેચાણમાં અંદાજે 20થી 30 ટકાનો ઘટાડો રહ્યો હતો. જો કે હવે આગામી સપ્તાહે સોનાચાંદીના ભાવ ઘટશે? આગામી સપ્તાહે ધનતેરશ અને દિપાવલી આવી રહી છે, તે દિવસે પણ સોનું ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે. તો ધનતેરશ અને દિપાવલીના દિવસે સોનું ચાંદી નીચા ભાવે ખરીદવાની તક મળશે કે કેમ?
સૌપ્રથમ અમદાવાદ સોનાચાંદી બજાર(માણેકચોક)માં 999 ટચ સોનું દસ ગ્રામે રૂપિયા 1300 વધીને 81,600નો ભાવ બોલાયો હતો. હૉલમાર્ક દાગીનાનો ભાવ 79,970 રહ્યો હતો. અને ચાંદી ચોરસાનો ભાવ એક કિલોએ રૂપિયા 1500 વધી 97,000 બોલાયો હતો. અમદાવાદમાં ચાંદી એક લાખનો ભાવ બોલાઈ ગયો હતો. +
આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ 2720 ડૉલરથી સતત વધી 2758 ડૉલર ઓલટાઈમ હાઈની નવી ઊંચી સપાટી બનાવી હતી, અને ત્યાંથી ઘટી 2708 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 2747 ડૉલર બંધ રહ્યો હતો.
તેવી જ રીતે સ્પોટ સિલ્વરનો ભાવ 33.65 ડૉલરથી ઝડપી ઉછળી 34.89 ડૉલર થઈ ત્યાંથી ઘટી 33.07 ડૉલર થયો હતો અને સપ્તાહને અંતે 33.70 ડૉલર બંધ રહ્યો હતો.
ગોલ્ડ ડિસેમ્બર ફ્યુચર 2730 ડૉલરની સામે વીતેલા સપ્તાહે વધી 2772 ડૉલરની ઑલ ટાઈમ હાઈની નવી ઊંચી સપાટી બતાવી હતી, અને ત્યાંથી ઘટી 2722 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 2754 ડૉલર બંધ રહ્યો હતો.
સિલ્વર ડિસેમ્બર ફ્યુચર 33.23 ડૉલરથી ઝડપી ઉછળી 35.07 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઘટી 33.26 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 33.77 ડૉલર બંધ થઈ હતી.
24 ઓકટોબરને ગુરુવારે ગુરુ પુષ્ય નક્ષત્રના શુભ દિવસે સોનાચાંદીના ખરીદીનો ટ્રેન્ડ રહ્યો છે, અને તે દિવસની ખરીદી શુભ મનાય છે. આ દિવસે સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ હતા, આથી નવી ખરીદીમાં અંદાજે 20થી 30 ટકાનો ઘટાડો થયો હતો. જો કે ગુરુ પુષ્ય નક્ષત્ર વીતી ગયા પછી સોના ચાંદીના ભાવ ઘટ્યા હતા.
સોનાચાંદીમાં હજી તેજી યથાવત રહી છે. અમેરિકન ડૉલર મજબૂત રહ્યો છે. તેની સાથે ટ્રેઝરીમાં ઊંચું વળતર રહ્યું છે. બીજી તરફ મિડલ ઈસ્ટ દેશોમાં હજી ભારેલા અગ્રિ જેવી સ્થિતી રહી છે. ઈઝરાયલ ઈરાન પર વળતો હૂમલો કરશે, તેવા નિવેદન પછી એક મહિનાનો સમય વીતી ગયો છે. હજી ઈઝરાયલે ઈરાન પર જવાબી કાર્યવાહી કરી નથી, હા બન્ને દેશના ભડકાઉ નિવેદનો આવી રહ્યા છે. ઈઝરાયલને હમાસ સાથે યુદ્ધ સમાપ્ત કરવાની જાહેરાત કરવા અને શાંતિની અપીલ અમેરિકાએ કરી છે, પણ ઈઝરાયલ દ્વારા હમાસ પર હૂમલા ચાલુ રાખ્યા છે. બંધકોને મુક્ત નહી કરે ત્યાંથી સુધી હૂમલા ચાલુ રહેશે. આવા સંજોગોમાં સોનાચાંદી બજારમાં ચિંતાનું વાતાવરણ હતું. આથી સલામત રોકાણ તરીકે સોનાચાંદીમાં દરેક ઘટાડે નવી લેવાલી આવતી હતી, અને સોનાચાંદીના ભાવ ઘટ્યા પછી ઝડપથી વધી જતા હતા.
બીજી તરફ અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ઈલેક્શન આવી રહ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાલના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ વચ્ચે કાંટાની ટક્કર છે. છેલ્લા રીપોર્ટ અનુસાર ટ્રમ્પ સામાન્ય લીડ કરી રહ્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 5 નવેમ્બરે મતદાન થશે અને 72 કલાકમાં તેના પરિણામો જાહેર થઈ જશે. આમ સમગ્ર વિશ્વની નજર પ્રેસિડેન્શિયલ ઈલેક્શન પર છે. કોણ પ્રેસિડેન્ટ બનશે, તેવા અનિશ્તિતાભર્યા માહોલ વચ્ચે સોનાચાંદીમાં ફ્યુચરમાં લેવાલી ચાલુ રહી હતી.
આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?
આગામી સપ્તાહે ધનતેરસ અને દિવાળી આવી રહી છે. આ બન્ને દિવસે સોનાચાંદીની ખરીદ શુભ મનાય છે. જો કે સોનાચાંદીના ભાવ ઘટવાની શક્યતા દેખાઈ રહી છે. જો કે ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ પછી સોનાચાંદીના ભાવ ઘટ્યા છે. અને આગામી સપ્તાહે હજી નીચા ભાવે ખરીદવાની તક મળવાની છે. જેથી હાલ ઉતાવળ કરીને ઊંચા ભાવે ખરીદી કરવા જેવી નથી.
ટેકનિકલી જોઈએ તો ગોલ્ડ 2772 ડૉલરની સપાટી કૂદાવે તો જ નવી તેજી થશે. અને સિલ્વરમાં 35 ડૉલરની સપાટી કૂદાવે તો જ તેજી કરવી. અન્યથા વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં 2772 અને સિલ્વરમાં 35 ડૉલરનો સ્ટોપલોસ રાખીને જ વેચવું. સોનું ચાંદીના ભાવ દિવાળી પહેલા અથવા દિવાળી પછી ઘટવાની પુરી શક્યતા છે. આથી ધનતેરસ અને દિવાળીના દિવસે સોનું ચાંદી નીચા ભાવે ખરીદી કરતાની તક મળવાની છે.
Happy Diwali…