મેરિટાઈમ સેક્ટર માટે ભાવનગરમાં 27 MoU થયા, શું વિકાસ થશે?

by Investing A2Z

ભારત મેરિટાઈમનું સુપર પાવર બનશે-કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલ

ભાવનગર- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 20 સપ્ટેમ્બર, 2025ને શનિવારે ગુજરાતની ભાવનગરની ધરતી પરથી અનેક વિકાસ કાર્યો દેશને સમર્પિત કરવાના છે, ત્યારે તે અગાઉના દિવસે સામુદ્રિક ક્ષેત્રે વિકાસની ગતિ તેજ કરવા માટે શીપ બિલ્ડીંગ, પોર્ટ યાર્ડ અને મેરિટાઈમ ક્ષેત્રનો વિકાસ કરવા માટે વિવિધ હિતધારકો વચ્ચે 27 પ્રકારના MOU આજે શુક્રવારે  કેન્દ્રીય પ્રધાનોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતાં.(27 MoUs were signed in Bhavnagar for maritime)

આ પ્રસંગે પોર્ટ, શિપિંગ અને વોટરવેઝના કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલે(Union Minister Sarbananda Sonowal) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોગ્ય કાર્યક્રમ, યોગ્ય દિશા અને યોગ્ય દર્શનને લીધે આજે સમગ્ર દેશ જાગૃત થઈ વિકાસની દિશામાં અગ્રેસર બન્યો છે. ભારતે સામુદ્રિક શક્તિ, સંપદા અને સામર્થ્યને ઓળખી વૈશ્વિક પડકારોનો સામનો કરી સાગરમાલા જેવા કાર્યક્રમો દ્વારા સામુદ્રિક ક્ષેત્રમાં પોર્ટ, લોજિસ્ટિક સહિતના વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિક માપદંડો હાંસલ કર્યા છે. મલ્ટી મોડલ કનેક્ટિવિટી, ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ સાથેના લક્ષ્ય અને પારદર્શક નીતિ થકી દેશની ગતિ તેજ બની રહી છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે જે પણ MOU થયા છે તેના સહભાગીઓ નિશ્ચિત રહે, આ તમામ MOU વાસ્તવમાં સાકાર થવાના છે. સ્વદેશી, આત્મનિર્ભર બનવા માટે ‘અમે પણ કોઈથી કમ નથી’ ના મંત્ર સાથે સૌ આગળ વધી રહ્યા છીએ. મેરિટાઈમ વિઝન 2030, ઇન્ડિયા વિઝન 2030 ના વિઝનને સાકાર કરી ભારત વિશ્વના 10 શીપ બનાવતા દેશોમાં ચોક્કસ નામ નોંધાવશે. આ માટે સહકારના મંત્ર સાથે સૌએ સાથે મળીને કાર્ય કરવું પડશે તેવી વિભાવના તેમણે વ્યક્ત કરી હતી.(Development of shipbuilding port yard and maritime sector)

ભારતે તેની શક્તિ બતાવીને સ્વાશ્રયી બની આયાતકાર નહીં પરંતુ નિકાસકાર દેશ બનશે. આ ઉપરાંત, 21મી સદી ભારતની બની રહેવાની છે તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ભારત મેરિટાઇમનું સુપર પાવર બની રહેશે(India will become a superpower in maritime) તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, સામુદ્રિક ક્ષેત્રે આગામી સમયમાં પણ અનેકાનેક પગલાંઓ દ્વારા ભવ્ય ભારતના ઇતિહાસને પુનઃજીવંત કરાશે.(Maritime sector will develop in India)

કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન મનસુખ માંડવિયાએ(Union Minister Mansukh Mandaviya) આજે શુક્રવારે ભાવનગરમાં યોજાયેલા ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ભારતના દરિયાઈ ક્ષેત્રના ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય પર ભાર મૂકતાં જણાવ્યું કે આજે થયેલા 27 મહત્વપૂર્ણ MoU શીપ બ્રેકિંગ, શીપયાર્ડ, શિપ રિપેર સહિત સમગ્ર વહાણવટા ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે.

માંડવીયાએ ઐતિહાસિક સંદર્ભ ટાંકતા જણાવ્યું હતું કે, જેણે સમુદ્ર પર શાસન કર્યું, તેણે દુનિયા પર શાસન કર્યું છે. તેમણે ભારતના પૌરાણિક સામ્રાજ્યોનો ઉલ્લેખ કર્યો હતો જે તેમના વિદેશ વેપાર માટે જાણીતા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત અને ભારતના બંદરોના નામ આજે પણ વિદેશની સ્ટ્રીટમાં જોવા મળે છે ,જે આપણા દરિયાઈ વારસાનો ગૌરવપૂર્ણ પુરાવો છે.​ ભારત એકમાત્ર એવો દેશ છે જેના નામ પરથી હિંદ મહાસાગર ઓળખાય છે, જે આપણી મેરિટાઇમ શક્તિનું અનોખું પ્રતિક છે.

તેઓએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઈ રહી છે. પોર્ટ, શિપયાર્ડ, કોસ્ટલ હાઇવે અને રેલવે નેટવર્કના સર્વાંગી વિકાસથી આ ક્ષેત્ર દેશના આર્થિક વિકાસને નવી ગતિ આપી રહ્યું છે. તેમણે જણાવ્યું કે સરકાર ટેક્સ માળખામાં સતત સુધારો કરીને ટેક્સ ઘટાડી રહી છે, ત્યારે આ ઉદ્યોગ સતત વિકાસની રાહ પર આગળ વધી દેશના અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

​માંડવીયાએ તેમના સંબોધનના અંતે જણાવ્યું હતું કે આજે થયેલા આ સમજૂતિ કરારો માત્ર કાગળ પરના કરારો નથી, પરંતુ ભારતના દરિયાઈ ક્ષેત્રે થઈ રહેલા બદલાવ અને પ્રગતિનું જીવંત પ્રતિક છે. પોર્ટ, શિપીંગ અને વોટરવેઝનાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શાંતનું ઠાકુરે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વર્ષોથી સામુદ્રિક ક્ષેત્રનો નોંધપાત્ર વિકાસ થયો છે. આ ક્ષેત્રનાં વિકાસ સાથે ભારતે સમગ્ર વિશ્વને જોડ્યું છે. આજે સહી થનારા MOU મેરિટાઈમ ક્ષેત્રની આપણી ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમૃતકાળમાં નીતિ નિર્ધારણ સાથે ઉદ્યોગ અને સરકાર એકસાથે મળીને સામુદ્રિક ક્ષેત્રનો વિકાસ કરતાં શિપીંગનો ઇતિહાસ બદલાઈ રહ્યો છે. ભૂતકાળમાં વહાણ નિર્માણ એ ભારતની શાન હતો. પછી આપણે તેનાથી દૂર થયા હતા. પરંતુ, આજે આ ક્ષેત્રના વિકાસ સાથે શીપ બિલ્ડીંગ દ્વારા ચીન કરતાં વધુ આગળ વધી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ(Union Minister of State Nimuben Bambhania) આ તકે જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત દેશ આજે બદલાઈ રહ્યો છે. આવતીકાલે તેમના કરકમલોથી અનેક વિકાસકાર્યો લોકાર્પિત થવાના છે તે ભાવનગર અને ગુજરાત માટે ગૌરવનો અવસર બની રહેવાનો છે. ભાવનગરના રતનપરમાં શીપ બિલ્ડીંગ માટે આજે MOU થયાં છે ત્યારે ભાવનગરમાં અનેક રોજગારીનાં અવસર પ્રાપ્ત થવાનાં છે તેમ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા અને જિલ્લાના પ્રભારી ભાનુબેન બાબરીયાએ(Bhanuben Babaria) જણાવ્યું કે, ભારતના સામુદ્રિક ક્ષેત્રને આધુનિક, સમાવેશી અને વૈશ્વિક કક્ષાનું બનાવવાની દિશાની શરૂઆત ભાવનગરથી થઈ છે. આ ઐતિહાસિક 27 જેટલા MoU વિકાસની નવી દિશા ખોલનારા બની રહેશે. આ સાથે ભારત સામુદ્રિક ક્ષેત્રમાં વૈશ્વિક વ્યાપાર દ્વારા રોજગારી સર્જન અને રાષ્ટ્રીય વિકાસની કડીમાં મહત્વપૂર્ણ બની રહેશે, તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત દરિયાઈ વેપાર દ્વારા વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા પ્રતિબદ્ધ છે. ગુજરાત સરકારે સામુદ્રિક ક્ષેત્રે નવા બદલાવ લાવીને વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત, ગુજરાત રાજ્યમાં શિપ બિલ્ડીંગ અને નવાચારમાં પણ અગ્રેસર બની રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, સામુદ્રિક ક્ષેત્રે પર્યાવરણ રક્ષણની નેમ સાથે વૈશ્વિક નેતૃત્વ પ્રસ્થાપિત કરવા દેશ સાહસિક રીતે આગળ વધી રહ્યો છે, તેમ જણાવતાં અંતમાં તેમણે MoU પર હસ્તાક્ષર કરનાર તમામ સહભાગીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

સ્વાગત પ્રવચન કરતા પોર્ટ, શિપિંગ, અને વોટરવેઝ વિભાગના સચિવ ટી. કે. રામચંદ્રને જણાવ્યું હતું કે, ભારતીય સામુદ્રિક ક્ષેત્રે ભારે વિકાસની સંભાવનાઓ છે અને ગુજરાત સરકાર દ્વારા આ ક્ષેત્રે લેવાનાર તમામ પગલાઓમાં સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. ગુજરાતના લોથલમાં બની રહેલા નેશનલ હેરિટેજ મેરિટાઇમ કોમ્પલેક્ષના નિર્માણમાં પણ ગુજરાત સરકાર સક્રિય રસ લઈ સહયોગ આપ્યો છે તે બદલ તેઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ તકે પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલયના સંયુક્ત સચિવ વેંકટપતિ એસ. દ્વારા આભાર વિધિ કરાઈ હતી.

આ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ગૌતમભાઈ ચૌહાણ, સેજલબેન પંડ્યા, દિનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલકુમાર, બંદર અને પોર્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી આર. સી. મીના, સંયુક્ત સચિવ આર. લક્ષ્મણ, સંદીપ ગુપ્તા, ગુજરાત મેરિટાઇમ બોર્ડના સીઈઓ રાજકુમાર બેનીવાલ, જનરલ મેનેજર કલ્પેશ વિઠલાણી સહિત દેશભરના મેરિટાઇમ ક્ષેત્ર સાથે સંકળાયેલા હિતધારકો, સહભાગીઓ, પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You will also like

Leave a Comment