
આણંદ કૃષિ યુનિવર્સિટી ( Anand Agricultural University ) ને આ ગૌરવશાળી એવોર્ડ મળવા બદલ અભિનંદન પાઠવતા કૃષિપ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની કૃષિ યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળે તે રાજ્યના દરેક નાગરિક માટે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે. અનેક વર્ષોથી ગુજરાત કૃષિ પ્રધાન રાજ્ય રહ્યું છે અને આજે પણ રાજ્યમાં ટેકનોલોજી અને કૃષિ સંશોધનોના પરિણામે ગુજરાત એગ્રીકલ્ચર પાવરહાઉસ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ એવોર્ડ મળવાથી આગામી સમયમાં કૃષિ અભ્યાસ અને સંશોધનમાં રસ દાખવતા અનેક આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓ ગુજરાત તરફ આકર્ષિત થશે.

અમેરિકાના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની 78મી સામાન્ય સભાની સમાંતરીત આયોજિત થયેલી ગ્રીન સ્કૂલની સાતમી કોન્ફરન્સમાં ગુજરાતને આ સન્માન પ્રાપ્ત થયું હતું, અને આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે કુલસચિવ ડૉ. ગૌતમ પટેલને આ ગૌરવશાળી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
