અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) દેશની જનતા પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા દ્રઢતાપૂર્વક જણાવ્યું છે કે, સ્વદેશી(Swadeshi) અને આત્મનિર્ભર ભારત (Atmanirbhar Bharat) એ વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે. આવનારા સમયમાં દેશનો પ્રત્યેક નાગરિક ‘વોકલ ફોર લોકલ’નો વાહક બનશે, દરેક નાગરિક સ્વદેશીના મંત્રને જીવી જાણશે. 2047માં જ્યારે ભારત આઝાદીના 100 વર્ષ (India to celebrate 100 years of independence in 2047) ઊજવતું હશે ત્યારે ભારત અવશ્ય વિકસિત રાષ્ટ્ર હશે જ.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણીના (Celebrating 20 years of urban development) ભાગરૂપે ‘વિકસિત ગુજરાત વિકસિત ભારત’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ ખાતેથી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, રાજ્યના વરિષ્ઠ મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને કુલ રૂપિયા 5,477 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા.(PM Modi inaugurated the development works)

આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકામાં સ્ટ્રોમ વૉટર ડ્રેનેજ, પશ્ચિમ અમદાવાદમાં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત, સરદાર પટેલ રિંગરોડને સિક્સ લેન બનાવવાનું ખાતમુહૂર્ત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગર શહેરના રૂ. 555 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા.
મહેસાણાને કુલ રૂ. 1796 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. તેમાં 1404 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે વિકાસના કામોના લોકાર્પણ કર્યા હતા તેમજ બે ટ્રેનનું ફ્લૅગ-ઑફ કર્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં યુજીવીસીએલના 221 કરોડ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું, તેમજ માર્ગ-મકાન વિભાગના રૂ. 171 કરોડના ખર્ચે વિવિધ માર્ગોના ખાતમુહૂર્ત કર્યા હતા.

વડાપ્રધાને દેશભરના વ્યાપારીઓ દુકાનદારોને અનુરોધ કરતા કહ્યું કે, વ્યાપારી વર્ગ નક્કી કરે કે તેઓ વિદેશી માલ નહીં વેચે. વેપારીઓ ગર્વ સાથે સાઇન બોર્ડ લગાવે કે મારે ત્યાં માત્ર સ્વદેશી વસ્તુ મળે છે. જો આ દેશના સામર્થ્યની પૂજા કરવામાં આવે તો દેશવાસીઓ રાષ્ટ્રહિતના સંકલ્પને ક્યારેય વ્યર્થ નવી નથી જવા દેતા.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી બે મોહનની ધરતી છે, એક સુદર્શન ચક્રધારી મોહન – દ્વારિકાધીશ શ્રી કૃષ્ણની અને બીજા ચરખાધારી મોહન – સાબરમતીના સંત મહાત્મા ગાંધીની. ભારત આજે આ બન્ને મોહનોએ દર્શાવેલા રસ્તે ચલીને નિરંતર સશક્ત થઈ રહ્યું છે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે સુદર્શન ચક્રધારી મોહને સમાજનું-દેશનું રક્ષણ કઈ રીતે કરી શકાય, એ આપણને શીખવ્યું છે. સુદર્શન ચક્ર એ ન્યાય અને સુરક્ષાનું કવચ પૂરું પાડે છે સાથે સાથે દુશ્મનોને પાતાળમાં પણ શોધીને સજા આપે છે. ઓપરેશન સિંદૂરમાં આખી દુનિયાએ ભારતના નિર્ણયોમાં આ ભાવને અનુભવ્યો છે. આતંકવાદીઓ અને તેમના આકાઓને છોડવામાં આવતા નથી. પહેલગામનો બદલો ભારતે માત્ર 22 મિનિટમાં બધું સફાચટ કરીને લીધો. સેનાએ સેંકડો કિલોમીટર અંદર નક્કી કરેલા નિશાન પર આતંકવાદની નાભિ પર હુમલો કર્યો, એ આખી દુનિયાએ જોયું છે. ઓપરેશન સિંદૂર આપણી સેનાના શૌર્ય તથા સુદર્શન ચક્રધારી મોહનના ભારતની ઇચ્છાશક્તિનું પ્રતીક બની ગયું.
વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે ભારતે આત્મનિર્ભરતાને વિકસિત ભારતના નિર્માણનો આધાર બનાવી દીધો છે આજે દેશના ખેડૂતો, પશુપાલકો, નાના ઉદ્યમીઓ, માછીમારોના બળે દેશ ઝડપથી વિકાસના માર્ગે ચાલી રહ્યો છે અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યો છે.

ગુજરાત રિન્યુઅલ એનર્જી અને પેટ્રોકેમિકલ્સનું પણ મોટું કેન્દ્ર બની ચૂક્યું છે. દેશની પેટ્રોકેમિકલ જરૂરિયાતો પૂરી કરવામાં ગુજરાત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્લાસ્ટિક, સિન્થેટિક ફાઇબર, ફર્ટિલાઇઝર, દવાઓ, પેઇન્ટ અને કોસ્મેટીક્સ આ તમામ ઉદોગોનું મુખ્ય આધાર પેટ્રોકેમિકલ સેક્ટર જ છે.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં મિલો બંધ થઈ જવાની ફરિયાદો બહુ ઊઠતી હતી. આજે મિલોના ભૂંગળા ભલે બંધ થઈ ગયા પરંતુ ભારતીય જનતા પાર્ટીના દીર્ઘકાલીન શાસનમાં અવનવા ઉદ્યોગો ગુજરાતમાં ચારે બાજુ સ્થપાઈ ગયા છે.
ઉદ્યોગ, ખેતી, પ્રવાસન, રોજગાર સર્જન દરેક માટે કનેક્ટિવિટી ખૂબ જ જરૂરી છે. પાછલા બેથી ત્રણ દશકમાં ગુજરાતમાં કનેક્ટિવિટીની કાયાપલટ થઈ ચૂકી છે. આજે ગુજરાતમાં કનેક્ટિવિટી ને લગતા ઘણા પ્રોજેક્ટસના ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યા છે.
આ સંદર્ભે વડાપ્રધાને વધુમાં કહ્યું કે, એક સમયે તો જ્યારે અમદાવાદમાં માત્ર લાલ રંગની બસ ચાલતી હતી પરંતુ હવે અમદાવાદમાં એસી ઇલેક્ટ્રિક બસ, બીઆરટીએસ જનમાર્ગ, મેટ્રો રેલવે જેવા પ્રકલ્પોથી ઇઝ ઓફ ટ્રાવેલ સાકાર થયું છે. ગુજરાતમાં પાછલા 11 વર્ષમાં 3000 કિમી લાંબા નવા રેલવે ટ્રેક પાથરવામાં આવ્યા છે. રાજ્યમાં મોટાભાગની રેલવે લાઈનનું ઇલેક્ટ્રીકેશન પૂરું કરી દેવામાં આવ્યું છે.

વડાપ્રધાને જણાવ્યું કે, અમદાવાદ કોન્સર્ટ ઇકોનોમીનો પણ મોટું કેન્દ્ર બની રહ્યું છે. થોડા મહિના કોલ્ડ પ્લે કોન્સર્ટ અમદાવાદમાં થયો તેની ચર્ચા આજે વિશ્વભરમાં થઈ રહી છે. આપણે સાબિત કર્યું કે, અમદાવાદ મોટા મોટા કોન્સર્ટ અને સ્પોર્ટિંગ ઇવેન્ટનું યજમાન બની શકે છે.
આ પ્રસંગે અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક સાંસદો, સ્થાનિક ધારાસભ્યો, એએમસીના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.