ટેરિફ વૉર વચ્ચે USFDAનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગરમાં ખોરાક અને ઓષધ નિયમન તંત્રની મુલાકાતે

by Investing A2Z

ગાંધીનગર- અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ વૉર (Tariff war between US and India) ચાલી રહ્યું છે. ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે, તેવા સમયે અમેરિકાના USFDA તરફથી પધારેલા ઓફીસ ઓફ નેશનલ ડ્રગ કંટ્રોલ પોલીસી (ONDCP)ના પ્રતિનિધિ મંડળે આજે મંગળવારે ગાંધીનગરમાં ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુલાકાત લીધી હતી. ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (Gujarat Food and Drug Administration) તેમજ અમેરિકાના યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (USFDA) વચ્ચે માહિતી તેમજ નોલેજના આદાન-પ્રદાન માટે “FDCA, Gujarat – USFDA Regulatory Forum”નું છેલ્લા દોઢ દાયકાથી ગઠન કરવામાં આવ્યું છે.(USFDA delegation in Gandhinagar)

આ રેગ્યુલેટરી ફોરમ હેઠળ ઉપરોક્ત બન્ને સંસ્થાઓ વચ્ચે સમયાંતરે બેઠકનું આયોજન કરવામાં આવે છે. એ જ અનુક્રમે આજે તકનીકી બાબતોના આદાનપ્રદાનની ગતિને વધુ વેગ આપવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર કચેરી-ગાંધીનગર ખાતે (Office of National Drug Control Policy delegation) ONDCPના આસિસ્ટન્ટ ડીરેક્ટર ડેબી સેગુઈનના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિ મંડળે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ. જી. કોશિયા અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. (U.S. Food and Drugs Administration)

અમેરિકાના વોશિંગ્ટન ડીસીથી પધારેલા ONDCPના પ્રતિનિધિ મંડળ દ્વારા ડ્રગ ટ્રાફીકીંગ, પ્રીક્ર્સર ઉત્પાદકોની માહિતી, ફાર્માસ્યુટીકલ્સમાંથી ગેરકાયદેસર રીતે નાર્કોટીક અને હેબીટ ફોર્મીંગ દવાઓના ઉત્પાદન અને દેશમાંથી અમેરિકામાં થતા નિકાસ અર્થે ચર્ચા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ભારતની ફાર્માસ્યુટીકલ્સમાંથી અમેરિકામાં થતી દવાઓની નિકાસમાં ગુજરાત રાજ્યનો સિંહ ફાળો છે. આ ઉપરાંત ગુજરાતમાં US-FDA માન્યતા પ્રાપ્ત 150 થી વધુ ઉત્પાદકો કાર્યરત છે, જે અમેરિકામાં ખૂબ જ વાજબી અને ગુણવતાયુક્ત દવાઓની નિકાસ કરી રહ્યા છે.

આ મુલાકાત દરમિયાન ગુજરાત અને અમેરિકાની બન્ને સંસ્થાના પ્રતિનિધિઓ વચ્ચે પરસ્પર નેશનલ ડ્રગ કંટ્રોલ સ્ટ્રેટેઝી, ગેરકાયદેસર નારકોટીક્સ અને હેબીટ ફોર્મીંગ ડ્રગનો ઉપયોગ ઘટાડવાના પ્રયાસો, ગેરકાયદેસર ડ્રગ ઉત્પાદન અને હેરફેર સામે લડવા માટેની યોજનાઓ, ડ્રગ-સંબંધિત ગુના અને હિંસાને લગત વિવિધ બાબતોની ચર્ચા કરીને જન આરોગ્યને વધુ સુદ્રઢ બનાવવાની પહેલ કરવામાં આવી હતી.

કમિશનર એચ. જી. કોશિયા (Food and Drug Administration Commissioner H. G. Koshiya) દ્વારા તંત્રએ ગેરકાયદેસર નારકોટીક્સ અને હેબીટ ફોર્મીંગ ફાર્માસ્યુટીકલ દવાઓના ખરીદ વેચાણ અંગે કરવામાં આવેલી કામગીરીનુ પ્રેઝેન્ટેશન આપીને વિગતવાર ચર્ચા કરી હતી. ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કામગીરીથી અમેરિકાનું પ્રતિનિધિ મંડળ ખૂબ જ પ્રભાવિત થયું હતું.

ચર્ચા દરમિયાન કમિશનર એચ. જી કોશિયાએ જણાવ્યું હતું કે, જન આરોગ્યને પ્રાધાન્ય આપીને રાજ્યનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગેરકાયદેસર નશાકારક ફાર્માસ્યુટીકલ દવાઓની હેરફેર કરનાર સામે હંમેશા લાલ આંખ રાખતું આવ્યું છે અને આગળ પણ રાખશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ USFDAના મોટાભાગના કંટ્રી ડિરેક્ટર સર્વ બ્રુસ રોઝ, મેથ્યુ થોમસ, અલ્તફ લાલ, લેટીટીયા રોબીંસન્સ, સારાહ મેકમુલન અને ગ્રેક સ્મીથ દ્વારા અવારનવાર તેઓની ટીમ સાથે નોલેજ શેરીંગ, ટ્રેનીંગ, કેપેસીટી બીલ્ડીંગ અને ઇન્ફોર્મેશનના આદાન-પ્રદાન અર્થે ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુલાકાત લેવામાં આવી છે. આ ઉપરાંત US-FDA દ્વારા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડ્રગ અને ફૂડના અધિકારીઓ તેમજ ગુજરાત રાજ્યના હેલ્થકેર અને ફાર્માસ્યુટીકલ્સ સેક્ટરના સ્ટેક હોલ્ડર્સને પણ તાલીમ આપવામાં આવી છે.

You will also like

Leave a Comment