અમદાવાદ- અમદાવાદથી લંડન જતાં એર ઇન્ડિયાના (Air India Ahmedabad to London) વિમાનની સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં (Ahmedabad plane crash) રાજ્ય સરકારે બચાવ અને રાહત કામગીરી સાથે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને આ દુર્ઘટનાની જાણ થતાં જ તેમણે સમગ્ર તંત્રને બચાવ-રાહત કામગીરી માટે જોડાવાની તત્કાલ સૂચનાઓ આપી હતી. (Air India Boeing plane crashes in Ahmedabad)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તથા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Home Minister Amit Shah) આ દુર્ઘટનાની ગંભીરતા જોતા રાજ્ય સરકારને કેન્દ્રીય એજન્સીઓની મદદ પૂરી પાડી હતી. એટલું જ નહિ, વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીએ દુર્ઘટના સ્થળની તથા ઇજાગ્રસ્તોની મુલાકાત પણ અમદાવાદ આવીને લીધી હતી અને રાજ્ય સરકારને બચાવ-રાહત કામગીરી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વિમાન દુર્ઘટનાના સ્થળે આર્મીના 250થી વધુ જવાનો, રેપિડ એક્શન ફોર્સની 1 ટીમ, NDRF- SDRFની 3 ટીમે બચાવ-રાહત કામગીરી માટે મોરચો સંભાળ્યો હતો.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) ઇજાગ્રસ્તોને તત્કાલ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ સુધી પહોંચાડવા ગ્રીન કોરિડર ઊભો કરાવ્યો હતો અને 100થી વધુ એમ્બ્યુલન્સની સેવાઓ લેવામાં આવી હતી.
ઈજાગ્રસ્તોની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) ડોક્ટરો અને પેરામેડિકલ ટીમ ખડે પગે રહ્યા હતા અને ઈજાગ્રસ્તોની સારવાર સુશ્રૂષા આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલના સીધા માર્ગદર્શનમાં શરૂ કરી હતી.

આ ઉપરાંત, પ્લેનના મુસાફરોના સગાં-સંબંધીઓને યોગ્ય જાણકારી અને મદદ માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે રાઉન્ડ ધ ક્લોક 24X7 કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલા છે. આ દુર્ઘટનાનો ભોગ બનેલા મુસાફરોના સ્વજનો માટે અમદાવાદમાં રહેઠાણ અને વાહન સુવિધા પણ રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
દુર્ઘટના સ્થળની આસપાસના રહેણાંક વિસ્તારના ભોગ બનેલા લોકો પૈકીના આઠ વ્યક્તિઓના મૃતદેહોની ઓળખ થતા તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે.
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા વ્યક્તિઓના 219 જેટલા સંબંધીઓ DNA ટેસ્ટીંગ અને બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં છે અને બાકીના તમામ સંબંધિતોના પરિવારજનોનો આ હેતુસર સંપર્ક કરવામાં આવ્યો છે. FSLની 10 ટીમના 36 જેટલા એક્સપર્ટ્સ આ માટે 24X7 ફરજ પર છે.
આ દુર્ઘટના બાદ 50 જેટલા વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ ઇજાગ્રસ્તોમાંથી 16ને બહારના દર્દી તરીકે તથા 31ને ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર અપાઈ રહી છે. આજે સાંજ સુધીમાં 12 જેટલા ઇજાગ્રસ્તોને રજા આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, હોસ્પિટલમાં ઘાયલોના ખબરઅંતર જાણ્યા
રાજ્ય સરકારે વિમાનના મુસાફરો જે જિલ્લા-શહેરમાં વસવાટ કરતા હતા ત્યાંના કલેક્ટરતંત્રને સૂચનાઓ આપીને તેમના સ્નેહીજનોનો સામે ચાલીને સંપર્ક કરીને સાંત્વના આપી હતી અને સંબંધિત સંપર્ક માટે જરૂરી સહયોગ આપ્યો હતો. કોમ્યુનિકેશન પ્લાન અંતર્ગત ખાસ ટીમોની રચના કરીને આ દુર્ઘટનાનો ભોગ બનેલા સ્વજનોનું કાઉન્સેલીંગ કરીને તેમને માર્ગદર્શન અને મનોબળ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકારે દુર્ઘટના સ્થળે નાગરિક ઉડ્ડયનમંત્રાલય સાથેની કામગીરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા માર્ગ-મકાન વિભાગના 150 જેટલા કર્મીઓ, 41 ડમ્પર-ટ્રેક્ટર, 16 જેસીબી અને 3 એક્સકેવેટર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યાં છે.
આમ, આરોગ્ય, FSL, ફાયર, પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર તથા કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના ઉચ્ચ સચિવોના સુચારું સંકલનથી થયેલી કામગીરીએ રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટની શ્રેષ્ઠતા પુરવાર કરી છે.