
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કુલ 70 બેઠકોમાંથી આમ આદમી પાર્ટી(આપ)ને 62 બેઠક મળી છે, ગત વર્ષની તુલનાએ 5 બેઠકનું નુકસાન થયું છે, જ્યારે ભાજપને 8 બેઠક મળી છે, જેમાં ગત વર્ષની સરખામણીએ ભાજપને 5 બેઠકનો ફાયદો થયો છે. કોંગ્રેસ તો ખાતું જ ખોલાવી શકી નથી. આમ પણ દિલ્હીના ચૂંટણી જંગમાં કોંગ્રેસ હતી, પણ મેદાનમાં પહેલેથી જ હારી માની લીધી હોય તેવો વર્તાવ હતો. જે દિલ્હીની ગાદી પર કોંગ્રેસ પક્ષના જ શીલા દીક્ષિત ત્રણ ટર્મ સુધી સીએમ રહ્યાં હોય, તે કોંગ્રેસ પક્ષ ખાતું ન ખોલાવી શકે, તે ગજબ છે. પણ દિલ્હીનું રાજકારણ અલગ પ્રકારનું છે. દિલ્હીવાસીઓએ સ્થાનિક મુદ્દાને આધારે જ આમ આદમી પાર્ટીને મત આપ્યાં હોય તેવું ફલિત થાય છે.

દિલ્હીમાં કેજરીવાલ સામે ટક્કર લઈ શકે તેવા ભાજપ પાસે કોઈ નેતા ન હતાં. ભાજપે સીએમ તરીકે કોણ તેનું નામ કે ચહેરો જાહેર કર્યો ન હતો. જેથી દિલ્હીવાસીઓને તે પસંદ નહી પડ્યું હોય તેવું એક કારણ ગણી શકીએ. કેજરીવાલ આમ આદમી પાર્ટીના તમામ બેનરો અને પોસ્ટરો પર છવાયેલાં રહ્યાં તેમ જ કેજરીવાલના વીતેલાં પાંચ વર્ષના કામનો ઈતિહાસ આંખે દેખાય તેવો હતો, જેથી આમ જનતાએ કેજરીવાલને જ ફરીથી સીએમ બનાવવાનો વિકલ્પ પસંદ કર્યો છે. કેજરીવાલે ચૂંટણી પ્રચારમાં વારંવાર અમિત શાહને પડકાર ફેંકયો હતો, કે તમે સીએમ કેન્ડિડેટ તો જાહેર કરો. તેઓ એમ કહેતાં હતાં, કે સીએમ જનતા નક્કી કરે છે, અમિત શાહ નહી. ભાજપે સીએમના ઉમેદવાર જાહેર ન કરાતાં તેનો સીધો ફાયદો અરવિંદ કેજરીવાલ લઈ ગયાં છે.

ભાજપે કેજરીવાલ પર ચૂંટણીપ્રચારમાં સીધો હૂમલો જ કર્યો હતો. દિલ્હીમાં કેજરીવાલની લોકપ્રિયતા અકબંધ હતી, અને ભાજપના નેતાઓએ કેજરીવાલને આતંકવાદી, નકસલી અરાજકતાવાદી સુધીના આક્ષેપો કર્યાં હતાં. શાહીનબાગમાં પણ જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે, તેમાં પણ કેજરીવાલનો સપોર્ટ છે, તેમને પાણીથી માંડીને ખાવાનું સુદ્ધાં કેજરીવાલ તરફથી મળી રહ્યું છે, તેવા આક્ષેપો થયાં હતાં. મનોજ તિવારીએ તો છેલ્લે છેલ્લે કેજરીવાલ હનુમાન મંદિર ગયાં, તેને મજાક બનાવી હતી. તો સામે અરવિંદ કેજરીવાલે આ મજાકને તેનું હથિયાર બનાવી લીધું હતું.

શાહીનબાગના વિરોધ પ્રદર્શન દિલ્હીની ચૂંટણી પ્રચારમાં મુખ્ય મુદ્દો રહ્યો હતો, ભાજપે શાહીનબાગને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો, પણ શાહીનબાગ કરતાં સ્થાનિક મુદ્દા પર દિલ્હીની જનતાએ વધુ મહત્વ આપ્યું છે. સીએએના વિરોધી પ્રદર્શનોમાં શાહીનબાગને તૌહીનબાગ કહેવાયું હતું. અમિત શાહ પણ તમામ સભાઓમાં કહેતાં હતાં કે ઈવીએમનું બટન એટલું જોરથી દબાવજો કે કરંટ શાહીનબાગ સુધી પહોંચી જાય.
શરજિલ ઈમામના ભડકાઉ ભાષણો અને કેટલીક જગ્યાએ સીએએ વિરોધી પ્રદર્શનમાં ભારત વિરોધી નારાઓને કારણે ભાજપે શાહીનબાગને જ ચૂંટણી પ્રચારનો મુખ્ય મુદ્દો બનાવી દીધો હતો. પણ ભાજપની આ બાજી ઉલટી પડી ગઈ છે. એમ પણ કહી શકાય કે કોંગ્રેસ વધુ સક્રિય નહી હોવાને કારણે સીધો ફાયદો આપ લઈ ગયું છે. જો કોંગ્રેસ વધુ સક્રિય હોત અને ચૂંટણી પ્રચારમાં જોરશોર અને જાહેરસભાઓ કરી હોત તો કદાચ ત્રિપાંખિયો જંગ ખેલાત અને તેનો ભાજપને ફાયદો થઈ શકત.
ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા પહેલી પરીક્ષામાં જ ફેઈલ થયાં છે. નડ્ડાએ દિલ્હીની ચૂંટણીના 20-22 દિવસ પહેલાં જ રાષ્ટ્રીય પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો હતો, પણ તેઓ કાર્યકારી પ્રમુખ તો હતાં જ.
