
ગુજરાત મત્સ્ય ઉદ્યોગનું પાવરહાઉસ
દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી ગુજરાતને ભારતના મત્સ્ય ઉદ્યોગનું ‘પાવરહાઉસ’ માનવામાં આવે છે. મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રે ગુજરાત આજે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે, જ્યારે કુલ માછલી ઉત્પાદનમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે.(World Fisheries Day 2025)
આર્થિક સમૃદ્ધિનું પ્રવેશદ્વાર
આટલું જ નહીં, ગુજરાતની ફ્રોઝન શ્રિમ્પ (ઝીંગા), રિબન ફિશ, કટલ ફિશ અને સ્ક્વિડની માંગ ચીન, યુરોપ, અમેરિકા અને જાપાન જેવા દેશોમાં પુષ્કળ છે. જેથી રાજ્યના મત્સ્ય ઉદ્યોગે વિદેશી હૂંડિયામણ કમાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પરિણામે, ગુજરાતનો દરિયાકાંઠો આજે રાજ્યની આર્થિક સમૃદ્ધિનો પ્રવેશદ્વાર બન્યો છે.
ગુજરાતમાં મત્સ્યનું ઉત્પાદન
તાજેતરના આંકડાઓ મુજબ,(World Fisheries Day 2025) ગત વર્ષ 2024-25માં દરિયાઈ માછલીનું ઉત્પાદન 7.64 લાખ મેટ્રિક ટન અને અંતર્દેશીય માછલીનું ઉત્પાદન 2.78 લાખ મેટ્રિક ટન મળીને ગુજરાતમાં કુલ 10.42 લાખ મેટ્રિક ટનથી પણ વધુ મત્સ્ય ઉત્પાદન નોંધાયું હતું. ચાલુ વર્ષ 2025-26માં રાજ્યનું કુલ મત્સ્ય ઉત્પાદન વધીને 11 લાખ મેટ્રિક ટનથી વધુ થવાનો પ્રાથમિક અંદાજ છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યનું કુલ મત્સ્ય ઉત્પાદન વાર્ષિક સરેરાશ 9.30 લાખ મેટ્રિક ટનથી વધુ નોંધાયું છે, જે રાજ્યની જળસંપત્તિની તાકાત દર્શાવે છે.
બ્લૂ ઈકોનોમીની હિમાયત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi) જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી જ તેમણે દરિયાકાંઠાના વિકાસને વેગ આપવા અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રની ક્ષમતાને ઓળખીને ‘બ્લૂ ઇકોનોમી’ની ભારપૂર્વક હિમાયત કરી હતી. ગુજરાતમાં તેમણે નાખેલો મત્સ્યોદ્યોગનો મજબૂત પાયો આજે રાજ્યના વિકાસને ગતિ આપી રહ્યો છે.
બંદર સુવિધામાં વધારો
મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના(Gujarat CM Bhupendra Patel) માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતના દરિયાકિનારાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે રાજ્ય સરકારે મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં ઘણા અસરકારક પગલાં લીધાં છે. જેમાં ડીઝલ પર વેટમાં ઘટાડો, કેરોસીન અને પેટ્રોલ પર સબસિડી, ઝીંગા ઉછેર માટે જમીનની ફાળવણી, માર્ગ અને વીજળીના માળખાનો વિકાસ તથા નાના માછીમારો માટે સુધારેલી બંદર સુવિધાઓનો સમાવેશ થાય છે. (World Fisheries Day 2025)વધુમાં, માધવડ, નવા બંદર, વેરાવળ-2 અને સૂત્રપાડા ખાતે ચાર નવા માછીમારી બંદરો પણ વિકસાવવામાં આવી રહ્યા છે.
માછીમારોના જીવનધોરણમાં સુધારો
મત્સ્યોદ્યોગ પ્રધાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સાગરખેડૂઓના ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર માત્ર ઉત્પાદન વધારવા પર જ નહીં, પરંતુ માછીમારોના જીવનધોરણને સુધારવા માટે પણ સતત કાર્ય કરી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોથી ગુજરાતમાં ‘બ્લૂ ક્રાંતિ’ સાકાર થઈ રહી છે. ગુજરાતની ‘બ્લૂ ઈકોનોમી’ માત્ર રાજ્ય માટે જ નહીં, પણ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટેનું પણ એક મજબૂત એન્જિન બની છે.
Most Watched Video News
Stock Market India: શેરબજાર રેકોર્ડ ઊંચાઈ પર, હવે નફારૂપી વેચવાલી આવશે?
ગુજરાતને 50 કરોડ ફાળવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે માછીમારી સમુદાયોના સામાજિક અને આર્થિક કલ્યાણને સુનિશ્ચિત કરવા તેમજ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે(World Fisheries Day 2025) આધુનિકીકરણ, ટ્રેસેબિલિટીમાં સુધારો અને મજબૂત મત્સ્યપાલન વ્યવસ્થાપન પ્રણાલીનું નિર્માણ કરવા ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ ગુજરાતમાં વર્ષ 2020-21થી 2024-25 સુધીમાં રૂ. 897.54 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સ મંજૂર થયા છે. ચાલુ વર્ષ 2025-26 માટે પણ ગુજરાતને રૂપિયા 50 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે રાજ્યમાં મત્સ્યઉદ્યોગની પ્રવૃત્તિઓને નોંધપાત્ર વેગ આપશે.