Statue of Unity: સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી, PM મોદી આવશે

by Investing A2Z
Statue of Unity

Statue of Unityગાંધીનગર- Statue of Unity અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ 31 ઓક્ટોબરે ગુજરાત(Gujarat) એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના ઉજાગર કરતી ઉજવણી કરવામાં આવશે.(150th birth anniversary of the Iron Man Sardar Saheb)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં(Statue of Unity) દર વર્ષે વડાપ્રધાન પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજવામાં આવે છે.

Statue of Unity મુવિંગ પરેડ

આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર અનોખી ઉજવણીનું બહુવિધ આયોજન કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે મુવિંગ પરેડ યોજવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમની ભૂમિકા

મુખ્ય સચિવ પંકજ જોશી અને પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે આ ભવ્ય ઉજવણીના સમગ્ર કાર્ય આયોજન અંગેની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, J&K, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે. એટલું જ નહિં, ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે. આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ-અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડીંગ ટીમ(Heralding Team)ના 100 જેટલા સદસ્યો કરવાના છે.

Gujarat ના બે સ્કુલ બેન્ડ

એકતા પરેડમાં કર્ણપ્રિય સુરાવલિઓ રેલાવતા 9 બેન્ડ કન્ટીજન્સ પણ જોડાવાના છે. ઉપરાંત રાજ્યકક્ષાએ વિજેતા થયેલા ગુજરાતના બે સ્કૂલ બેન્ડ તથા રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત સ્કૂલબેન્ડ સ્પર્ધામાં વિજેતા બે સ્કૂલ બેન્ડ મળીને ચાર સ્કૂલ બેન્ડ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પણ થવાના છે.

Statue of Unityરાષ્ટ્રીય એકતા દિવસ

મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશકે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને લાલ કિલ્લાની પ્રાચીરથી આપેલો મંત્ર ‘રાજ્ય અનેક રાષ્ટ્ર એક, સમાજ અનેક ભારત એક, ભાષા અનેક ભાવ એક અને રંગ અનેક તિરંગો એક’ને ચરિતાર્થ કરતા કાર્યક્રમો આ એકતા પરેડ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને વધુ ગરિમામય બનાવશે.

સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના ઉપક્રમે દેશના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતોની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ અવસરે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબની પ્રતિમાની પદ પૂજા કર્યા પછી પરેડ અને વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આવશે ત્યારે તેમને કેન્દ્રીય સુરક્ષા દળો અને ગુજરાત પોલીસની કંટીજન્ટ્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાશે અને સમગ્ર કાર્યક્રમનો શાનદાર પ્રારંભ થશે.

એકત્વની થીમ

આ પરેડમાં ‘એકત્વ’ થીમ આધારિત વિવિધ ટેબ્લોઝનું જે નિદર્શન થવાનું છે તેમાં જુદા જુદા રાજ્યો અને CAPF દ્વારા પોતાની વિશેષતાઓ અને સિદ્ધિઓ દર્શાવતા 10 ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવશે. NDRF, NSG, જમ્મુ કાશ્મીર, આંદામાન એન્ડ નિકોબાર, પુડ્ડુચેરી, મહારાષ્ટ્ર, ગુજરાત, મણીપુર, છત્તીસગઢ અને ઉત્તરાખંડ દ્વારા આ ટેબ્લોઝ રજૂ થવાના છે.

ઓપરેશન સૂર્યકિરણ

આ ઉપરાંત, ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન સૂર્યકિરણ અન્વયે ફ્લાય પાસ્ટ તથા CRPF અને ગુજરાત પોલીસની મહિલા કર્મચારીઓ દ્વારા સંયુક્ત રાયફલ ડ્રીલ ,NSG દ્વારા હેલ માર્ચ, આસામ પોલીસ દ્વારા મોટરસાયકલ ડેરડેવિલ શો તેમજ BSFના ઇન્ડિયન બ્રીડનો ડોગ શો, CISF અને ITBPની મહિલા કર્મીઓ દ્વારા ટ્રેડિશનલ માર્શલ આર્ટ, SSB દ્વારા બેન્ડ ડિસ્પ્લે અને NCC કેડેટસ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે.

પરેડ નિહાળવવા બેઠક વ્યવસ્થા

તેમણે ઉમેર્યું કે, વધુને વધુ લોકો આ એકતા પરેડ નિહાળી શકે તે હેતુસર આ વર્ષે બેઠક વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને 11,500થી વધુ લોકો પરેડ નિહાળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity) દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે તેના પર ઓનલાઇન રજીસ્ટ્રેશનથી કોઈપણ વ્યક્તિ આ એકતા પરેડના કાર્યક્રમોમાં જોડાઈ શકે છે.

લોહપુરુષ નાટ્ય પ્રસ્તુતિ

દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષ્યમાં કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા આરંભ કાર્યક્રમનું આયોજન એકતાનગર ખાતે કરવામાં આવે છે.  આ વર્ષે આ કાર્યક્રમમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ફોર એડમિનિસ્ટ્રેશન-LBSNAAના 660 જેટલા પ્રશિક્ષણાર્થીઓ ભાગ લેવાના છે. સરદાર સાહેબના જીવન કવનને ઉજાગર કરતી નાટ્ય પ્રસ્તુતિ ‘લોહપુરુષ’ પણ આ પ્રસંગે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના ઉપક્રમે રજૂ કરવામાં આવશે.

ફોટો સેલ્ફી પોઈન્ટ્સ

આ વર્ષે પ્રકાશ પર્વ દિવાળી, નૂતન વર્ષ અને સરદાર સાહેબની જન્મજયંતિ ઉજવણીની ત્રિવેણીરૂપે રાજ્ય સરકાર દ્વારા 17 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન એકતાનગર ખાતે પ્રકાશ પર્વ અન્વયે દરરોજ સાંજે 7થી 11 વાગ્યા સુધી સૌંદર્યમય લાઇટિંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી શકાશે. આ હેતુસર એકતાનગર ખાતેની વેલી ઓફ ફ્લાવર્સ જવા માટેના માર્ગને 13 થીમ આધારિત ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે અને દરેક ઝોનમાં સિલીંગ લાઈટ,રોડ સાઈડ ઈલ્યુમિનેશન આર્ટીકલ્સ તથા ફોટો-સેલ્ફી પોઇન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે.

એક ભારત શ્રેષ્ઠ ભારત

લોહપુરુષ સરદાર પટેલે એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે તેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના મંત્રથી વધુ સુદ્રઢ રાષ્ટ્ર બનાવ્યું છે. સરદાર સાહેબની 150મી જન્મજયંતિના આ વર્ષે એકતાનગર ખાતે 1 થી 15 નવેમ્બર દરમિયાન ભારત પર્વ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

15 દિવસ સુધી ફૂડ સ્ટોલ

અનેકતામાં એકતા એ જ આપણી વિશેષતાનો ભાવ પ્રદર્શિત કરતી સંસ્કૃતિની ઝલક એક જ સ્થળેથી નિહાળવાની તક આ પર્વમાં લોકોને મળવાની છે. આ 15 દિવસ દરમિયાન 45 ફૂડ સ્ટોલ, 55 હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ, વિવિધ રાજ્યોના પેવેલિયન્સ અને 28 રાજ્ય તેમજ 8 કેન્દ્રશાસિત પ્રદેશોના સાંસ્કૃતિક પ્રદર્શનો યોજાવાના છે. ભારત પર્વ-2025 અંતર્ગત 1 થી 15 નવેમ્બર દરમિયાન દરરોજ સાંજે દેશના જુદાજુદા રાજ્યોની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, પરંપરાગત કલા-સંસ્કૃતિને ઉજાગર કરશે.

ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ

આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાજીની પણ આ વર્ષે 150મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે તેના ઉપલક્ષ્યમાં એકતાનગર ખાતે બિરસા મુંડા જયંતિએ વિશેષ પ્રસ્તુતિ યોજાવાની છે. આ સાથે જ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરંપરાગત ખાનપાન વ્યંજનો પીરસતા 45 ફૂડ સ્ટોલ અને એક લાઈવ સ્ટુડિયો કિચનનું પણ આયોજન છે.

સાયક્લોથોન ઈવેન્ટ

ભારત પર્વની ડેમ વ્યુ પોઇન્ટ-1 ખાતે થનારી 15 દિવસીય ઉજવણીના સમાપને SoU ખાતે સાયકલોથોન ઇવેન્ટ યોજાશે, તેમાં 16 નવેમ્બરે ભારત અને ગુજરાત સરકારના વિશેષ મહાનુભાવો સાથે સાયકલિંગ ફન રાઈડ અને 17 નવેમ્બરે ગુજરાત સરકારના રમતગમત વિભાગના સહયોગથી સાયક્લોથોન સ્પર્ધાનું આયોજન કરાશે. આ સ્પર્ધામાં દેશભરમાંથી અંદાજે પાંચ હજાર સાયકલ ચાલકો સહભાગી થશે.

Top Trending News

Gujarat Police: GP-SMASH નાગરિકો સાથે કનેક્ટ થવા ગુજરાત પોલીસની પ્રસંશનીય પહેલ

નેશન ફર્સ્ટનો ભાવ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા આ રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી કાર્યક્રમઓને આખરી ઓપ આપી દેવાયો છે અને એકતાનગર ખાતે પ્રકાશ પર્વ તો દીપાવલીના તહેવારો દરમિયાન લાખો લોકોનું આકર્ષણ બન્યું છે. રાષ્ટ્રીય એકતા દિવસની આ ગરિમામય ઉજવણી જન-જનમાં રાષ્ટ્રપ્રેમ બળવત્તર બનાવીને નેશન ફર્સ્ટનો ભાવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજાગર કરનારો અનેરો ઉત્સવ બનશે.

You will also like

Leave a Comment