અમદાવાદ- Stock Market India Clossing શેરબજારમાં સતત પાંચમી ટ્રેડિંગ સેશનમાં તેજીની આગેકૂચ રહી હતી. નિફ્ટી ઈન્ડેક્સે(NSE Nifty) 26,000ની અતિમહત્ત્વની સપાટી કૂદાવી દીધી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 130 પોઈન્ટ વધી 84,556 બંધ રહ્યો હતો. નિફ્ટી બેંકે(Nifty Bank) 58,577 નવો હાઈ બનાવ્યો હતો. તેમજ નિફ્ટી ઈન્ડેક્સ 22 પોઈન્ટ વધી 25,891 બંધ રહ્યો હતો. નિફ્ટી બેંક 70 પોઈન્ટ વધી 58,078 બંધ રહ્યો હતો.
BSE Sensex up 130 pt
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 85,154ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં ઝડપી ઉછળી 85,290ની નવી હાઈ બનાવી હતી અને પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 84,445 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 84,556 બંધ રહ્યો હતો, જે 130.06નો ઉછાળો દર્શાવે છે.
NSE Nifty up 22 pt.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 26,057ના ઊંચા મથાળે ગેપમાં ઓપન થઈ શરૂમાં વધી 26,104નો નવો હાઈ બનાવ્યો હતો અને ત્યાંથી ઘટી 25,862 થઈ ટ્રેડિંગ સેશનને અંતે 25,891.40 બંધ રહ્યો હતો. જે આગલા બંધની સામે 22.80 મજબૂત બંધ હતો.
Nifty Bank New High
નિફ્ટી બેંક 70 પોઈન્ટ વધી 58,078 બંધ રહ્યો હતો. જે દિવસ દરમિયાન વધીને 58,577ની નવી હાઈ બનાવી હતી.
નવા હાઈ બન્યા પછી નફારૂપી વેચવાલી
શેરબજાર ઊંચા મથાળે ખુલ્યા પછી સેન્સેક્સ 85,290, નિફ્ટી 26,104 અને નિફ્ટી બેંક 58,577 નવા હાઈ બનાવ્યા પછી પ્રોફિટ બુકિંગ રહ્યું હતું અને વધ્યા મથાળેથી શેરોના ભાવ અને ઈન્ડેક્સ પાછા પડ્યા હતા. તેજીવાળા ખેલાડીઓની નફારૂપી વેચવાલી આવી હતી. નવા હાઈ બન્યા પછી શેરબજારમાં સાવચેતીનો મૂડ હતો. જો કે આજે આઈટી અને એફએમસીજી સેકટરના શેરોમાં જોરદાર લેવાલીથી તેજી થઈ હતી.
ટેક્સટાઈલ શેરોમાં તેજી
સાથે યુએસ ભારત વચ્ચે ટ્રેડ ડીલના સમાચાર પાછળ ટેક્સટાઈલ શેરોમાં નવા બાંઈગથી તેજી આવી હતી. કેપી મિલ્સ, વર્ધમાન ટેક્સટાઈલ, ગોકુલદાસ એક્સપોર્ટ અને વેલસ્પનના શેરના ભાવ ઊંચકાઈને આવ્યા હતા.
ટ્રમ્પની દીવાળીની શુભેચ્છા
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને દિવાળીની શુભેચ્છા આપી છે. ટ્રમ્પે પીએમ મોદીને મહાન નેતા ગણાવ્યા છે અને સાથે એક સારા મિત્ર પણ કહ્યા છે. ભારત અને અમેરિકાના સંબધોમાં દિવાળીની જેમ નવો ઉજાશ ફેલાય તેવી શુભકામના આપી છે. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે બન્ને દેશો વચ્ચે એક ખૂબ સરસ ટ્રેડ ડીલ થવા પર વાતચીત ચાલુ છે. ટ્રમ્પની દીવાળીની શુભેચ્છાને કારણે શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ તેજીમય થયું હતું.
યુએસ ભારત ટ્રેડ ડીલની બિલકુલ નજીક
યુએસ અને ભારત ટ્રેડ ડીલની બિલકુલ નજીક પહોંચી ગયા છે, તેવા અહેવાલો મળી રહ્યા છે. તેમજ ભારત ધીમે ધીમે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું ઓછુ કરી દેશે. કારણ કે હાલ જે ડિસ્કાઉન્ટ મળતું હતું તેમાં પણ અંતર ઘટી ગયું છે. આમ એક સારા વાતાવરણમાં યુએસ અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ પર વાતચીત થઈ છે. અને આ મહિનાના અંતમાં સુધીમાં પોઝિટિવ સમાચાર મળશે, જે સમાચાર પાછળ શેરબજારમાં નવી લેવાલી આવી હતી અને બજાર ઊંચા મથાળે ગેપમાં ખુલ્યું હતું.
કંપની સમાચાર
- ભારત ઈલેક્ટ્રોનિક્સને કોચિન શિપયાડનો રૂપિયા 633 કરોડનો ઓર્ડર મળ્યો છે.
- કલ્પતરુ પ્રોજેક્ટને રૂપિયા 2,332 કરોડનો નવો ઓર્ડર મળ્યાના સમાચાર છે
કંપની પરિણામ
હિન્દુસ્તાન યુનીલીવર(HUL)ના બીજા ત્રિમાસિકગાળાના પરિણામ જાહેર થયા છે. કંપનીની કુલ આવક રૂપિયા 15,508 કરોડથી વધી રૂપિયા 16,241 કરોડ નોંધાઈ છે. તેમજ નફો રૂપિયા 2612 કરોડથી વધી રૂપિયા 2694 કરોડ રહ્યો છે. કંપનીના પરિણામ ધારણા કરતાં વધુ પ્રોત્સાહક આવ્યા છે. હિન્દુસ્તના યુનીલીવરે પ્રતિ શેરદીઠ રૂપિયા 19 ડિવિડંડ આપવાની જાહેરાત કરી છે.
ઈન્ફોસીસમાં રોકેટગતિએ તેજી
ઈન્ફોસીસ ટેકનોલોજીના શેરમાં જોરદાર તેજી થઈ હતી. કંપની 1800ના ભાવ 10 કરોડ શેરનું બાયબેક કરશે, જેમાં પ્રમોટર આ શેર નહી ખરીદે , જે સમાચાર આવ્યા હતા. તેમજ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H1B VISA ફીમાં રાહત આપી છે, જે પોઝિટિવ સમાચાર પાછળ ઈન્ફોસીસમાં નવી લેવાલીથી શેરના ભાવમાં ઉછાળો આવ્યો હતો.
ક્રૂડ ઓઈલના ભાવમાં 5 ટકાનો ઉછાળો
બીજી તરફ અમેરિકાએ રશિયાની દિગ્ગજ બે ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ મુક્યો છે. જેને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અને બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 5 ટકાનો ઉછાળો આવ્યો છે. જે એક ચિંતાનું કારણ હતું. જેને પગલે જ આજે શેરબજારમાં સાવચેતીરૂપી નફારૂપી વેચવાલી આવી હતી.
આજે ગુરુવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેેગેટિવ રહ્યો હતો. 1308 શેરના ભાવ વધ્યા હતા અને 1802 શેરના ભાવ ઘટ્યા હતા.
121 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 32 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.
85 શેર અપર સર્કિટ લદાઈ હતી અને 42 સ્ટોક લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
અંડરકરંટ તેજીનો
ટેકનિકલી જોઈએ તો નિફ્ટી 25,800ના સ્ટોપલોસે દરેક ઘટાડે ખરીદી કરી શકાય છે. નિફ્ટી બેંક પણ સ્ટ્રોંગ છે. જોકે દરેક ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યા કરશે. પણ શેરબજારનો અંડરકરંટ મજબૂત છે.
ટોપ ગેઈનર્સ
ઈન્ફોસીસ ટેકનોલોજી(3.57 ટકા), એચસીએલ ટેકનોલોજી(2.62 ટકા), ટીસીએસ(2.11 ટકા), શ્રી રામ ફાયનાન્સ(1.98 ટકા) અને ઓઅનજીસી(1.56 ટકા)
Top Trending News
Crude Oil Prices: ટ્રમ્પે રશિયાની બે ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યો, ક્રૂડના ભાવમાં ઉછાળો
ટોપ લુઝર્સ
ઈટરનલ(2.99 ટકા), ઈન્ડિગો(2.09 ટકા), અલ્ટ્રાટેક સીમેન્ટ(1.86 ટકા), આઈસર મોટર(1.77 ટકા) અને ભારતી એરટેલ(1.64 ટકા)