ગુજરાત માટે આનંદના સમાચારઃ સરદાર સરોવર નર્મદા ડેમ છલકાયો

by Investing A2Z
નર્મદા- ગુજરાત માટે આનંદના સમાચાર છે. ગુજરાતની જીવાદોરી સમો સરદાર સરોવર ડેમ પૂર્ણરૂપે છલકાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ 2017માં રાષ્ટ્રાર્પણ કર્યા પછી છઠ્ઠીવાર 138.68 મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના જળપૂજન કરીને વધામણા કર્યા હતા.
સરદાર સરોવર નર્મદા ડેમ 10,453 ગામો, 190 શહેરો તથા સાત મહાનગર પાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે ચાર કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પુરું પાડે છે. આ સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટનું જળાશય પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર, 2017ના રોજ સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યુ ત્યારપછી આ ડેમ અત્યાર સુધીમાં કુલ છ વખત – વર્ષ 2019, 2020, 2022, 2023, 2024 અને 2025માં તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. નર્મદા ડેમની 138.68 મીટર (455 ફુટ) સપાટીએ કુલ જળ સંગ્રહ ક્ષમતા 9,460 મીલીયન ઘન મીટર છે.
સરદાર સરોવર નર્મદા ડેમના પૂર્ણ સપાટીએ પહોંચેલા જળરાશિના પૂજન-અર્ચનથી જળ શક્તિની વદંના કરવાની પરંપરાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નર્મદા જળ પૂજન અને વધામણા કરીને આગળ ધપાવી છે. તેમણે પારસમણિ સમાન નર્મદા જળનો કરકસરપૂર્વક અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સૌને અપીલ કરી છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા લોકો સાથે સંવાદ-વાર્તાલાપ કર્યો હતો અને વિવિધ ટુરીસ્ટ ફેસેલિટીઝની જાણકારી મેળવી હતી.
સરદાર પટેલ જન્મ જયંતી 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં દર વર્ષે એકતાનગરમાં યોજાતી રાષ્ટ્રીય એકતા પરેડ આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મ જયંતીના વિશેષ અવસરે યોજાવાની છે ત્યારે મુખ્યપ્રધાને આ એકતા પરેડના સ્થળની મુલાકાત લઈને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમો અંગેના આયોજનની સંપૂર્ણ વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવીને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર 17 દિવસમાં જ નર્મદા ડેમનું બાકીનું કામ પૂર્ણ કરવા તથા ગેટ બેસાડવાની મંજુરી આપી હતી. રાજ્ય સરકારે પણ ત્વરાએ આ કામગીરી હાથ ધરીને 30 દરવાજાઓની કામગીરી સહિતની બધીજ કામગીરી નિર્ધારિત સમય કરતાં નવ મહિના વહેલી પૂર્ણ કરી દીધી હતી.
આના પરિણામે આ વર્ષના ચોમાસામાં સુજલામ-સુફલામ અને સૌની યોજના દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર- કચ્છને પાણીનું વિતરણ કર્યું છે. સુજલામ સુફલામ યોજનામાં 98 MCM (3,431 MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને 877 તળાવો ભરવામાં આવ્યા છે. સૌની યોજનામાં 114 MCM (3,992 MCFT) પાણી પૂરું પાડવામાં આવ્યું છે અને 36 તળાવો, 325 ચેકડેમ અને 31 ડેમ ભરવામાં આવી રહ્યા છે. તથા 162 તળાવો, 1,104 ચેકડેમ અને 30 ડેમ ભરવામાં આવ્યા છે.
સિંચાઈ વિભાગની જરૂરિયાતો અનુસાર તળાવો, ચેકડેમ, બંધો વગેરે ભરવા માટે પૂરતું પાણી સરદાર સરોવર ડેમ માંથી વિતરણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે નર્મદા બંધનાં ઓવરફ્લોના સમય દરમિયાન પુષ્પાવતી, રૂપેણ, બનાસ, સરસ્વતી, સાબરમતી, વાત્રક, કુણ, કરાડ, દેવ અને હેરણ જેવી 10 નદીઓમાં નર્મદાનું પાણી વહેવડાવી જીવંત કરવામાં આવેલું છે.
ચાલુ ચોમાસાનાં સમયમાં નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં કુલ 302 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે. તેમજ અત્યાર સુધીમાં મહત્તમ 105 કરોડ યુનિટ માસિક વિજળીનું ઉત્પાદન સપ્ટેમ્બર 2025મા થયુ છે. અત્યાર સુધીમાં કુલ 6,810 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે.

You will also like

Leave a Comment