અમદાવાદ- રીઝર્વ બેંક ઈન્ડિયાની(RBI) એમપીસીની(MPC) બેઠક સમાપ્ત થઈ છે, જેમાં રેપો રેટમાં(Repo Rate) કોઈ ફેરફાર કરાયો નથી. રેપો રેટ 5.50 ટકા યથાવત રખાયો છે. આરબીઆઈ દ્વારા પહેલી ઓકટોબર, 2025ના રોજ સત્તાવાર જાહેરાત કરાઈ હતી.
Pls Wacth the video….
લોનનો EMI યથાવત રહેશે
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલહોત્રાની અધ્યક્ષતામાં મળેલી મોનેટરી પૉલીસી કમિટીની ત્રણ દિવસીય બેઠક પૂર્ણ થઈ છે. નાણાકીય વર્ષ 2025-26ની આ ચોથી ધીરાણ નીતિની બેઠક હતી. અને આ બેઠક 29 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી. આ બેઠકમાં સર્વાનુમતે રેપો રેટમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. એટલે કે રેપો રેટ 5.50 ટકા યથાવત રખાયો છે. તમે લોન લીધી હોય તો હવે તમારી ઈએમઆઈમાં ફેરફાર થવાનો નથી.
લોનના વ્યાજ દર ફેરફાર વગર રહેશે
રેપો રેટમાં ફેરફાર કરાયો નથી એનો અર્થ એ કરી શકાય કે તમે હોમ લોન લીધી હોય કે અન્ય કોઈ લોન લીધી હોય તો તેના વ્યાજ દરમાં કોઈ ફેરફાર નથી કરાયો. તમારી ઈએમઆઈ યથાવત રહેશે. લોનના વ્યાજ દરમાં કોઈ જ ફેરફાર થશે નહી.

આરબીઆઈના ગવર્નર સંજય મલહોત્રાએ કહ્યું છે કે સેન્ટ્રલ બેંક ડૉલર સામે રૂપિયાની વધઘટ પર સતત નજર રાખી રહી છે અને જરૂર પડશે તો આરબીઆઈ યોગ્ય પગલા લેશે. તેમણે નાણાકીય સ્થિતિને મજબૂત ગણાવી છે. શિડ્યુલ કમર્શિયલ બેંકો અને એનબીએફસીની સીસ્ટમ લેવલ ઈન્ડિકેટર્સ તંદુરસ્ત છે. બેંકિંગ સીસ્ટમમાં લિક્વિટીની સ્થિતિ અનુકુળ છે. વીતેલા ઓગસ્ટ મહિનાની બેઠક પછી સરેરાશ દૈનિક લિક્વિટી 2.1 લાખ કરોડ સરપ્લસ રહી છે. મની માર્કેટના દર સ્થિર છે.
આરબીઆઈની ન્યૂટ્રલ નીતિ
આમ બીજી વખત આરબીઆઈએ રેપો રેટમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. એમપીસીની બેઠકે ન્યૂટ્રલ રૂખ અપનાવી છે. આરબીઆઈએ વર્તમાનમાં મોંઘવારી અને આર્થિક વૃદ્ધિના સંતુલન પર નજર રાખી રહી છે અને ભવિષ્યમાં આર્થિક આંકડાના આધાર પર જ પગલા ભરાશે.
અતિમહત્ત્વના નિર્ણય
આરબીઆઈએ ઈન્સ્યોરન્સ પ્રિમિયમ અને લેન્ડિંગ લીમીટમાં સુધારો કર્યો છે. આરબીઆઈના પ્રસ્તાવ મુજબ હવે ડિપોઝીટ ઈન્સ્યોરન્સ પ્રિમિયમને જોખમ આધારિત દર્શાવ્યા છે. જેનો અર્થ એવો થાય છે કે બેંક વધુ સારા પોઝિટિવ ક્રેડિટ રેટિંગ રાખે છે તો તેણે ડિપોઝીટ ઈન્સ્યોરન્સ પ્રિમિયમ ઓછુ આપવું પડશે. જેની પડતર ઘટી જશે.
શેર સામે લોનની મર્યાદા વધારી
શેરની સામે લોનમાં ફેરફાર કરાયા છે. જેમાં લિસ્ટેડ ડેટ સિક્યોરિટીની સામે લોનની હવે કોઈ ઊંચી(ટોચ) મર્યાદા નહી રહે. શેરોની સામે લોનની વ્યક્તિગત મર્યાદા રૂપિયા 20 લાખથી વધારીને એક કરોડ કરાઈ છે. આઈપીઓ ફાયનાન્સિંગ માટેની મર્યાદા 10 લાખથી વધારીને 25 લાખ પ્રતિ વ્યક્તિ કરાઈ છે.
મોંઘવારી દર ઘટવાની સંભાવના
આરબીઆઈના ગવર્નર સંજય મલહોત્રાએ જણાવ્યું છે કે વીતેલા ઓગસ્ટમાં ધીરાણ નીતિની સમીક્ષાની જાહેરાત પછી આર્થિક વિકાસ અને મોંઘવારીના સમીકરણોમાં ફેરફાર આવ્યો છે. તેમણે કહ્યું હતું કે સરકાર દ્વારા તાજેતરમાં જીએસટીના દરમાં કરાયેલ ફેરફારથી મોંઘવારી દરમાં ઘટાડો થવાની ધારણા છે. તેની અસર એ છે કે જીએસટી દરમાં ઘટાડાથી ગ્રાહકોને કેટલીક રાહતો મળી છે.
જીડીપી ગ્રોથનું અનુમાન ઊંચુ મુક્યું
આરબીઆઈએ એમપીસીની બેઠકમાં જીડીપી વૃદ્ધિ દરને સંશોધિત કરાયો છે. જેમાં હવે નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી વૃદ્ધિ દર વધારીને 6.8 ટકા કર્યો છે. તે પહેલા 6.5 ટકા હતો.
રેપો રેટમાં ફેરફાર નહી કરવા પાછળ ત્રણ કારણો
આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો નથી, તેની પાછળ મુખ્ય ત્રણ કારણો છે. (1) આ વર્ષે એપ્રિલથી જૂનમાં ભારતનો જીડીપી ગ્રોથ વધીને 7.8 ટકા આવ્યો છે. જે દેશની ધારણા કરતાં વધારે છે. જેથી એમ કહી શકાય કે દેશની અર્થવ્યવસ્થા પહેલા કરતાં ઝડપથી વૃદ્ધિ કરી રહી છે. આથી આરબીઆઈને હાલ રેપો રેટમાં ઘટાડો કરવાની જરૂરિયાત લાગી નથી. (2) અમેરિકાએ ભારતીય સામાનો પર ટેરિફ વધાર્યો છે. એચવનબી વીઝા ફી વધારી છે. આવા ગ્લોબલ હાલતને જોતા આરબીઆઈ હાલ સ્થિરતા રાખવાની નીતિ અખત્યાર કરી છે. (3) ઓગસ્ટ 2025માં મોંઘવારી દર 2.07 ટકા થયો છે. જે ભલે આરબીઆઈના 4 ટકાના લક્ષ્યની સામે ઓછો હોય પણ છેલ્લા 10 મહિનામાં પહેલી વાર તેમાં સામાન્ય વધારો જોવાયો છે. આથી આરબીઆઈ ફૂંકી ફૂંકીને પગલા ભરશે.
Top Trending News
અત્રે નોંધનીય છે કે આરબીઆઈએ 2025માં રેપો રેટ 25 બેસીસ પોઈન્ટ ઘટાડ્યો હતો. એપ્રિલ 2025માં રેપો રેટમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો અને જૂન 2025માં 50 બેસીસ પોઈન્ટનો મોટો ઘટાડો કર્યો હતો. હાલ રેપો રેટ 5.50 ટકા છે. આમ રેપો રેટમાં 2025ના વર્ષમાં એપ્રિલથી જૂન સુધીમાં એક ટકાનો ઘટાડો થઈ ચુક્યો છે.