અમદાવાદ- વીતેલા સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટ શરૂની નરમાઈ પછી ઉછાળો આવ્યો હતો. દરેક ઘટાડે ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલીનો દોર ચાલુ રહ્યો હતો. ગોલ્ડ ફરીથી 3400 ડૉલરની સપાટી કૂદાવી ગયું હતું અને સિલ્વર 39 ડૉલરના લેવલને ક્રોસ કરી ગયું હતું. ગોલ્ડ છેલ્લા ચાર મહિનાથી 3250 અને 3450 ડૉલરની રેન્જમાં અથડાયેલું રહ્યું છે. સ્પોટ ગોલ્ડ કરતાં ગોલ્ડ ફ્યુચર 46 ડૉલર ઊંચું ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે સિલ્વર ધીમી ગતિએ મજબૂત રીતે તેજી તરફ પ્રયાણ કરી રહી છે. હવે આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં તેજી વધુ આગળ વધશે? કે પછી અહીંયાથી ગોલ્ડ સિલ્વરના ભાવ તૂટશે? ગોલ્ડ સિલ્વરમાં દરેક ઘટાડે શામાટે નવું બાઈંગ આવે છે? ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલની સ્પીચ કેવી રહી અને આ સ્પીચની ગોલ્ડ સિલ્વર માર્કેટ પર શું અસર પડશે? આ તમામ સવાલના જવાબ માટે
જૂઓ વીડિયો….
સૌપ્રથમ વીતેલા સપ્તાહે ગોલ્ડ અને સિલ્વરના ભાવની વધઘટ પર નજર કરીએ.
અમદાવાદ સોના ચાંદી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 800 વધી રૂપિયા 1,03,500 રહ્યો હતો. અને ચાંદીનો ભાવ રૂપિયા 1000 વધી રૂપિયા 1,17,000 રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 3353 ડૉલર થયું હતું. અને સપ્તાહના અંતભાગમાં ગોલ્ડમાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળીને 3423 ડૉલરની હાઈ બનાવીને સપ્તાહને અંતે 3418 બંધ રહ્યું હતું. જે ગત સપ્તાહની તુલનાએ 36 ડૉલરનો વધારો દર્શાવે છે.
સિલ્વર સપ્ટેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 36.96 ડૉલર થઈ અને નવી લેવાલી નીકળતાં સપ્તાહના ટ્રેડિંગ સેશનના છેલ્લા દિવસે ઉછળી 39.09 ડૉલરની હાઈ બનાવીને સપ્તાહને અંતે 39.05 બંધ રહ્યો હતો. જે ગત સપ્તાહની સરખામણીએ 1.08 ડૉલરની તેજી દર્શાવે છે.
સ્પોટ ગોલ્ડ વીતેલા સપ્તાહે 3311 ડૉલરની લો બનાવીને ત્યાંથી ઉછળી 3379 ડૉલરની હાઈ બનાવીને સપ્તાહને અંતે 3372 બંધ રહ્યો હતો.
સ્પોટ સિલ્વર વીતેલા સપ્તાહે 36.95 ડૉલરની લો બનાવીને ત્યાંથી ઉછળી 39.09 ડૉલરની હાઈ બતાવીને સપ્તાહને અંતે 38.84 ડૉલર બંધ રહ્યો હતો.
શુક્રવારે ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જેક્શન હોલમાં વાર્ષિક સેન્ટ્રલ બેંક સિમ્પોઝિયમની સ્પીચ ખૂબ મહત્વની હતી. પોવેલે આ સ્પીચમાં જણાવ્યું હતું કે અમેરિકામાં વધતા ફુગાવાના જોખમો અને ધીમી આર્થિક વૃદ્ધિ દર પર પ્રકાશ પાડ્યો હતો. અને તેમણે એમ કહ્યું હતું કે સંતુલિત જોખમો હોવા છતાં યુએસ નાણાકીય નીતિમાં પરિવર્તનની જરૂર પડી શકે છે. આમ કહીને તેમણે આગામી સપ્ટેમ્બર મહિનામાં ફેડ રેટ કટ કરવાની વાત માટે પાયો નાંખ્યો હતો. પોવેલે સંકેત આપ્યો હતો કે ફુગાવાની સાથે રોજગાર પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાનો સમય આવી ગયો છે. અને સાથે સપ્ટેમ્બર મહિનાના ફુગાવાનો ડેટા મુખ્ય પરિબળ રહેશે.
પોવેલના નિરાશાજનક નિવેદન પછી યુએસ ડૉલરમાં નરમાઈ આવી હતી. ડૉલર ઈન્ડેક્સ 0.90 ટકા ઘટી 97.73 થયો હતો. જે અપેક્ષિત નાણાકીય સરળતાં અને ચલણની મજબૂતાઈ વચ્ચેના વિપરીત સંબધને પ્રતિબિંબત કરે છે. ડૉલરની નબળાઈને કારણે ગોલ્ડ અને સિલ્વરમાં ભારે લેવાલી આવી હતી.
નિષ્ણાતોનો મત હતો કે અમેરિકામાં ફુગાવો 3 ટકાની નજીક પહોંચતાં ફેડ રેટ કટ આવશે. વ્યાજ દરમાં ઘટાડો થાય તો ગોલ્ડમાં રોકાણ કરવારૂપી ડિમાન્ડ રહે તે સ્વભાવિક છે. એટલે ગોલ્ડના ભાવ વધુ વધે તો નવાઈ નહી.
બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ફેડરલ રીઝર્વ પર પોતાના હૂમલાઓ વધારી રહ્યા છે. ચેરમેન બદલવા માટે તેઓ ધમપછાડા કરી રહ્યા છે. નાણાકીય નીતિની સ્વતંત્રતાને વધુ ખતમ કરી રહ્યા છે.
પોવેલની યુએસ અર્થતંત્ર માટે નિરાશાજનક સ્પીચ છતાં અમેરિકન સ્ટોક માર્કેટમાં 9 એપ્રિલ પછીનો સૌથી મોટો ઉછાળો આવ્યો હતો. ડાઉ જોન્સ 846 પોઈન્ટ અને નેસ્ડેક 396 પોઈન્ટ ઉછળીને આવ્યા હતા. તેની સાથે ગોલ્ડ સિલ્વરમાં પણ ભારે લેવાલીથી ઉછાળો આવ્યો હતો. આમ ઈક્વિટી માર્કેટ અને કિંમતી ધાતુઓના બજારમાં તેજી જોવા મળી હતી.
આગામી સપ્તાહે ગોલ્ડ અને સિલ્વર માર્કેટ કેવું રહેશે?
ફેડરલ રીઝર્વની નીતિ, રાજકીય અનિશ્રિતતા, ડૉલરની નબળાઈ અને મજબૂત ઈક્વિટી માર્કેટને કારણે ગોલ્ડ સિલ્વર માર્કેટમાં તેજીની આગેકૂચ રહેશે. મોટાભાગના ગોલ્ડ સિલ્વર બજારના નિષ્ણાતોનો એક જ સૂર રહ્યો છે કે દરેક ઘટાડે નવી લેવાલી આવશે. ટેકનિકલી જોઈએ તો ગોલ્ડમાં 3350 ડૉલરએ મજબૂત સપોર્ટ લેવલ રહેશે. આથી 3350 સ્ટોપલોસ રાખીને દરેક ઘટાડે નવી ખરીદી કરી શકાય. અને ઉપરમાં 3425 ડૉલરનું લેવલ કૂદાવતાં 3450 અને 3500 ડૉલર સુધીના લેવલ બતાવી શકે છે.
ગોલ્ડ કરતાં સિલ્વર વધુ સ્ટ્રોંગ રહી છે. ફરીથી 39 ડૉલરની ઉપર બંધ આવી છે, જે મજબૂત પ્રદર્શન દર્શાવી રહી છે. આગામી સપ્તાહે સિલ્વર 40 ડૉલર કૂદાવી જશે.
ભારતીય કરન્સીમાં સોનું 1,03,000થી વધીને 1,05,000 થઈ શકે છે અને સિલ્વર 1,16,000થી વધીને 1,20,000 સુધીનો ભાવ બતાવી શકે છે.
આગામી સપ્તાહની મહત્ત્વની ઈવેન્ટ્સ
સોમવાર- યુએસ ન્યૂ હોમ સેલ્સ ડેટા
મંગળવાર- યુએસ ડ્યુરેબલ ગુડ્ઝ ઓર્ડર, યુએસ કન્ઝ્યુમર કોન્ફિડન્સ ડેટા
ગુરુવાર- યુએસ પ્રિલિમનરી કવાર્ટર ટુ જીડીપી, યુએસ વીક્લી જોબલેસ ક્લેઈમ ડેટા, યુએસ પેન્ડિંગ હોમ સેલ્સ
શુક્રવાર- યુએસ પીસીઈ ઈન્ડેક્સ, પર્સનલ ઈનકમ અને સ્પેન્ડિંગ ડેટા