એસ.ટી નિગમે 2,780 એક્સ્ટ્રા બસો દોડાવી, 8 લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો
ગાંધીનગર- ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને નાગરિકો માટે એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 1 મેથી 31મે 2025ના સમયગાળામાં 8 લાખથી પણ વધુ મુસાફરોએ આ કાર્યક્ષમ આયોજનનો લાભ લીધો છે.
દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસોની સુવિધા (Express Bus In Gujarat)
ઉનાળા વેકેશન (Summer Vacation in Gujarat) દરમ્યાન એસ.ટી નિગમ (Gujarat ST Bus) દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે 500 ટ્રિપ, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે 210, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત 300 અને સૌરાષ્ટ્ર તરફ 300 ટ્રિપના આયોજનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વેકેશનના સમયગાળામાં મુસાફરોને ગુજરાતમાંથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓનો લાભ મળ્યો છે.
ધાર્મિક અને આંતરરાજ્ય પ્રવાસ માટે ખાસ ટ્રિપનું આયોજન (Special Trip In Gujarat)
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રવાસીઓ ધાર્મિક સ્થળોના (Religious Tour In Gujarat) દર્શને જઈ શકે તે માટે અમદાવાદથી અંબાજી, સોમનાથ, દ્વારકા માટે રોજની 10 ટ્રિપ અને ડાકોર, પાવાગઢ, ગીરનાર માટે રોજની 5 ટ્રિપ તથા પ્રવાસન સ્થળો જેવા કે, સ્ટેચ્યૂ ઑફ યુનિટી, સાસણગીર, સાપુતારા માટે અમદાવાદથી રોજની 5 ટ્રિપ તેમજ દીવ અને કચ્છનાં પ્રવાસ માટે અમદાવાદથી રોજની 10 બસોની ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાજ્ય પ્રવાસ માટે રાજસ્થાનના માઉન્ટ આબુ અને સુન્ધામાતા જવા માટે અમદાવાદથી રોજની બે ટ્રિપ તેમજ મહારાષ્ટ્રના શિરડી, નાશિક, ધુલીયા જેવા સ્થળોએ મુસાફરી માટે અમદાવાદના ગીતા મંદિરથી રોજની બે ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું હતું.
GSRTCના આયોજનથી 8 લાખથી વધુ મુસાફરોને મળ્યો લાભ
GSRTC દ્વારા 1 મેથી 31 મે 2025 દરમ્યાન 2,780 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. આ બસોએ કુલ 16,438 એક્સ્ટ્રા ટ્રિપ કરી હતી, જેનો લાભ 8.22 લાખ લોકોએ લીધો હતો. વર્ષ 2024માં આ જ સમયગાળામાં 1,988 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. આ બસોએ કુલ 11,674 એક્સ્ટ્રા ટ્રિપ કરી હતી, જે દરમ્યાન 5.84 લાખ લોકોએ મુસાફરી કરી હતી. એટલે કે, ઉનાળુ વેકેશનમાં એસ. ટી. નિગમ દ્વારા કાર્યરત એક્સ્ટ્રા બસોમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં વાર્ષિક 2.38 લાખનો વધારો થયો છે.
Top Video News
શેરબજારના સેન્સેક્સમાં 443 પોઈન્ટનો ઉછાળો, RBIની મોનેટરી પૉલીસી કમિટીની બેઠકમાં શું થશે?
GSRTCને કુલ રૂપિયા 3.78 કરોડની કમાણી થઈ
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એસ.ટી. નિગમ દ્વારા 1 મેથી 31 મે 2025 દરમ્યાન કુલ 16,438 બસ ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન બસોએ કુલ 15.61 લાખ કિમીનું અંતર કાપ્યું હતું. GSRTCને આ સંચાલન દ્વારા રૂપિયા 3.78 કરોડની કમાણી થઈ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં મે મહિનામાં કુલ 11,674 ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી GSRTCને રૂપિયા 2.94 કરોડની કમાણી થઈ હતી.