સોનું ચાંદી બજાર વીતેલા સપ્તાહે નરમ રહ્યું હતું. જો કે સપ્તાહને અંતે ગોલ્ડ અને સિલ્વરના ભાવ થોડા વધ્યા હતા. હાલ સોનું ચાંદીના ભાવમાં બે તરફી ભારે વધઘટ આવી હતી. ત્યારે હવે આગામી સપ્તાહે શું સોનું ચાંદીના ભાવ હજી ઘટશે? ગોલ્ડ સિલ્વરમાં ટેકનિકલ લેવલ શું કહે છે? ફેડરલ રીઝર્વ વધુ પચીસ બેસીસ પોઈન્ટ ફેડ રેટ કટ કરે તો ગોલ્ડ સિલ્વર માર્કેટ પર શું અસર પડશે? આ તમામ સવાલના જવાબ આ વીડિયોમાં આપીશું.
સૌપ્રથમ આપણે વીતેલા સપ્તાહે સોનાચાંદીના ભાવ પર એક નજર કરી લઈએ…
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ફેબ્રુઆરી ફયુચર 2724 ડૉલરથી શરૂ થઈ શરૂમાં વધી 2748 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી તૂટી 2629 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 2681 ડૉલર બંધ રહ્યો હતો. આમ સપ્તાહ દરમિયાન ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યુચરમાં 119 ડૉલરની ભારે વધઘટ જોવાઈ હતી.
સિલ્વર માર્ચ ફ્યુચર 31.77 ડૉલરથી શરૂમાં વધી 31.98 ડૉલર થઈ ત્યાંથી ઝડપી તૂટી 30.09 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 31.10 ડૉલર બંધ રહ્યો હતો. આમ વીતેલા સપ્તાહે હાઈ લોથી જોઈએ તો સિલ્વર ફ્યુચરમાં 1.89 ડૉલરની ભારે વધઘટ જોવાઈ હતી.
વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ 2712 ડૉલરથી શરૂમાં વધી 2721 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી તૂટી 2605 ડૉલર થઈ સપ્તાહને અંતે 2653 ડૉલર બંધ રહ્યો હતો. તેવી જ રીતે સ્પોટ સિલ્વર 31.31 ડૉલરથી શરૂમાં વધી 31.48 ડૉલરની હાઈ બનાવીને ત્યાંથી તૂટી 29.63 ડૉલર થઈ સપ્તાહને અંતે 30.60 ડૉલર બંધ રહ્યો હતો.
અમદાવાદ સોનાચાંદી બજારમાં 999 ટચ સોનું દસ ગ્રામે એક સપ્તાહમાં 1800 રૂપિયા ઘટી 79,000નો ભાવ રહ્યો છે. તેમજ હોલમાર્ક દાગીનાનો ભાવ 77,420 બોલાયો છે. ચાંદી ચોરસા એક કિલોએ 2,500 રૂપિયા ઘટી સપ્તાહને અંતે 89,500 રહ્યો હતો.
વીતેલા સપ્તાહે ગોલ્ડ અને સિલ્વરમાં બે તરફી ભારે વધઘટ જોવાઈ હતી. જો કે ટ્રેડિંગ વોલ્યુમમાં સામાન્ય ઘટાડો જોવાયો હતો. ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુધ્ધવિરામની જાહેરાત પછી ગોલ્ડ સિલ્વરમાં ઊંચા મથાળે વેચવાલી ફરી વળી હતી અને ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટ્યા હતા. જો કે ત્યાર બાદ રશિયા અને યુક્રેન વચ્ચે વધુ ભીષણ યુદ્ધના સમાચાર આવ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર હાઈપર સોનિક મિસાઈલથી હૂમલો કરવાની ફરીથી ધમકી આપી હતી. અને રશિયાએ યુક્રેનના એનર્જિ ઈન્ફ્રાસ્ટ્રકચર પર બીજો સૌથી મો હૂમલો કર્યો હતો. હજી રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ ગંભીર બનશે, જે ધારણાએ ગોલ્ડ સિલ્વરમાં નીચા મથાળે નવું બાઈંગ આવ્યું હતું અને ફરી પાછા ગોલ્ડ સિલ્વરના ભાવમાં ભડકો થયો હતો.
વિશ્વના અન્ય દેશોની સામે અમેરિકન ડૉલર ઘટીને આવ્યો હતો તેમજ અમેરિકાની ફેડરલ રીઝર્વની ડીસેમ્બરમાં બેઠક મળવાની છે, જેમાં પચીસ બેસીસ પોઈન્ટનો રેટ કટ આવવાની ધારણાએ ગોલ્ડ સિલ્વરમાં નવી ખરીદી આવી હતી. એક સર્વે અનુસાર 65 ટકા લોકો માને છે કે ફેડમાં પચીસ બેસીસ પોઈન્ટનો રેટ કટ આવશે. જ્યારે જ્યારે વ્યાજ દર ઘટે ત્યારે સોનાચાંદીમાં સેફ હેવન તરીકે ખરીદી આવતી હોય છે.
આગામી સપ્તાહે ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલ ફેડ રેટ કટ કરે તે પહેલા તેમનું સંબોધન છે. જેમની સ્પીચ પરથી ખબર પડશે કે ફેડ રેટ કટ આવશે કે કેમ? જો કે જેરોમ પોવેલે અગાઉ એમ કહ્યું હતું કે તેઓ હવે ફેડ રેટ કટ કરવાની ઉતાવળ નહી કરે, તે પહેલા યુએસના ડેટાનો અભ્યાસ કરશે. હવે વિશ્વના બજારોની નજર ડીસેમ્બરની ફેડરલ રીઝર્વની બેઠક પર મંડાયેલી છે.
આગામી સપ્તાહે નોનફાર્મ પેરોલ્સના ડેટા જાહેર થશે. જે ડેટામાં સારા એમ્પ્લોયમેન્ટ નંબર મળે તો તે કદાચ ફેડ રેટ દરમાં ઘટાડો ન કરે તેવી શક્યતા વધુ છે. અને તે યુએસ ડૉલરને મજબૂત બનાવે. આ બધી ટેકનિકલ જો અને તો ની બાબતોને જોતા આગામી સપ્તાહે ગોલ્ડ અને સિલ્વરમાં ન્યૂટ્રલ રહેવું વધારે હિતાવહ છે.
ટેકનિકલી જોઈએ તો ગોલ્ડમાં 2600 ડૉલર મજબૂત રીતે સપોર્ટ લેવલનું કામ કરશે. અને ઉપરમાં 2700 ડૉલર એ રેઝિસ્ટન્સનું કામ કરશે. સિલ્વરમાં 30 ડૉલરની મંદી નહી, એટલે કે 30 ડૉલરનો સપોર્ટ લેવલ રાખીને આપ દરેક ઘટાડે ખરીદી કરી શકો છો. અને ઉપરમાં 31.50 ડૉલર એ રેઝિસ્ટન્સ લેવલ રહેશે. એટલે કે 31.50 ડૉલર ઉપરના ભાવે આપ પ્રોફિટ બુકિંગ કરી શકો છો.
ડિસેમ્બર મહિનામાં ક્રિસમસનો તહેવાર આવી રહ્યો છે, આથી 15 ડિસેમ્બર પછી વિદેશી ફંડોના કામકાજમાં ઘટાડો થશે. હાલ તુરંત સોનાચાંદીમાં જે પણ ધટાડો આવે તે ખરીદી કરવાનો યોગ્ય સમય છે, તેમ માનીને ખરીદી કરી શકાય. કારણ કે ગોલ્ડ સિલ્વર લાંબાગાળા માટે બુલિશ છે. હા ટૂંકાગાળામાં વધઘટ આવે તેવી શક્યતાને નકારી શકાય નહી.