સોનું ચાંદીમાં તેજીની ચમક પાછી આવી, હાલના ભાવે શું કરશો?

by Investing A2Z

સોનું ચાંદી બજારમાં છેલ્લા ત્રણ સપ્તાહની નરમાઈ પછી વીતેલા સપ્તાહે ફરીથી સોનાચાંદીની ચમક પાછી આવી ગઈ છે. વીતેલા સપ્તાહના પાંચેય દિવસે સોનાચાંદીના ભાવ સતત વધતાં રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ 2700 ડૉલર અને સિલ્વર 31 ડૉલરની સપાટી કૂદાવી ગયા છે. આ તેજી આવવા પાછળ કયા કારણો? હવે આગામી સપ્તાહે સોનું ચાંદીના ભાવ કેવા રહેશે? અને શું આપણને ફરીથી સોનું ચાંદી નીચા ભાવે ખરીદવા મળશે કે કેમ? જૂઓ વીડિયો…

સૌપ્રથમ વીતેલા સપ્તાહના સોનું ચાંદીના ભાવ પર એક નજર કરી લઈએ…

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડિસેમ્બર ફ્યુચર 2570 ડૉલરથી શરૂ થઈ શરૂમાં સામાન્ય ઘટી 2568 ડૉલર થઈ અને ત્યાંથી સપ્તાહ દરમિયાન ઝડપથી ઉછળી શુક્રવારે 2718ની હાઈ બનાવીને 2718 ડૉલર પર બંધ રહ્યો હતો.

તેવી જ રીતે સિલ્વર ડિસેમ્બર ફ્યુચર 30.43 ડૉલરથી શરૂમાં સામાન્ય ઘટી 30.35 થઈ અને ઝડપી ઉછળી 31.61 થઈ અને સપ્તાહને અંતે 31.40 ડૉલર બંધ રહ્યો હતો.

વૈશ્વિક સ્પોટ ગોલ્ડ 2561 ડૉલરથી ઝડપી ઉછળી 2716 થઈ સપ્તાહને અંતે 2716 ડૉલર બંધ રહ્યો હતો. તેવી જ રીતે સ્પોટ સિલ્વર 30.21 ડૉલરથી શરૂમાં ઘટી 30.25 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 31.55 ડૉલર થઈ સપ્તાહને અંતે 31.34 ડૉલર બંધ રહ્યો હતો.

અમદાવાદ સોનાચાંદી બજારમાં સપ્તાહ દરમિયાન 999 ટચ સોનામાં દસ ગ્રામે 4,800 રૂપિયાનો ઉછાળો આવી ભાવ રૂપિયા 81,500 બોલાયો હતો. ચાંદી ચોરસા એક કિલોએ સપ્તાહ દરમિયાન 3500 રૂપિયા ઉછળીને 92,000 બોલાયો હતો.

સોનાચાંદીમાં ફરી પાછી તેજી આવવાના કારણો કયા?

(1) યુક્રેને અમેરિકાએ આપેલ મિસાઈલ વડે રશિયા પર હૂમલો કર્યો હતો. પહેલીવાર અમેરિકાની મિસાઈલનો ઉપયોગ થયો, જેથી રશિયા વધારે આક્રમક બન્યું હતું અને તેમણે અણુ હૂમલો કરવાની ધમકી આપી હતી. જે પછી સ્થિતી વધુ વણસી છે. રશિયા – યુક્રેન વચ્ચે શું થશે તેનો ભારે ગભરાટ ફેલાયો છે. આથી સેફ હેવન તરીકે ગોલ્ડ સિલ્વરમાં નવી ખરીદી નીકળી હતી.

(2) બીજી તરફ ઈઝરાયલે લેબનોન પર હૂમલા વધારી દીધા છે, અને લેબનોન પણ વળતો જવાબ આપી રહ્યું છે. ઈઝરાયલ- લેબનોન અને ઈરાન એક બીજા પર આક્રમક નિવેદન બાજી કરી રહ્યા છે. આ સંજોગો વચ્ચે ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી આવી હતી.

(3) અમેરિકાના પ્રેસિડેન્ટ પદે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈને આવતાં ડૉલર મજબૂત થયો હતો. તેમજ બિટકોઈનમાં જબરજસ્ત તેજી થઈ હતી. એક એવો તર્ક મુકાઈ રહ્યો છે કે વિદેશી રોકાણકારોએ સ્ટોક માર્કેટ અને ગોલ્ડ સિલ્વરમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ કરીને બિટકોઈનમાં રોકાણ કર્યું છે. કારણ કે ટ્રમ્પ બિટકોઈનના સમર્થક છે. હવે નજીકના દિવસોમાં બિટકોઈન 1 લાખને સ્પર્શી જાય તો નવાઈ નહી.

(4) સોનું ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈથી ત્રણ સપ્તાહથી સતત ઘટી રહ્યા હતા. ટેકનિકલી ગોલ્ડ અને સિલ્વર હાઈલી ઓવરબોટ હતા. આથી ટ્રેડરોએ ઊંચા ભાવે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. પણ વીતેલા સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં નીચા ભાવે ફરીથી ખરીદી નીકળી હતી, એટલે કે સપોર્ટરૂપી બાઈંગ આવ્યું હતું. પરિણામે ગોલ્ડ સિલ્વરના ભાવમાં ઉછાળો આવ્યો હતો.

(5) ડીસેમ્બરમાં ફેડરલ રીઝર્વની બેઠક મળશે જેમાં ફેડ રેટમાં વધુ પચીસ બેસીસ પોઈન્ટનો રેટ કટ આવે તેવી શક્યતા છે. જો કે રેટ કટની 50- 50 ટકા શક્યતા છે. કેટલાક ટ્રેડરોને મતે અમેરિકામાં ફુગાવાને અંકુશમાં રાખવા માટે રેટ કટ કરવો પડશે. પણ હવે ટ્રમ્પ ચૂંટાઈને આવ્યા પછી ફેડરલ રીઝર્વ કઈ પૉલીસી અપનાવે છે, તે જોવાનું રહ્યું. હાલ તો ફેટ રેટ કટની આશાએ ગોલ્ડ સિલ્વરમાં નીચા મથાળે નવી ખરીદી આવી હતી.

હવે આગામી સપ્તાહે શું થશે?

વીતેલા સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં ઝડપથી તેજી થઈ છે. જેથી આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં ઊંચા ભાવે પ્રોફિટ બુકિંગ રૂપી વેચવાલી આવવાની શકયતા છે. તેમ છતાં ગોલ્ડમાં 2700 ડૉલરનો ભાવ એ સપોર્ટ લેવલનું કામ કરશે. 2750 કૂદાવશે તો 2790 ડૉલર સુધી જઈ શકે છે. અને 2700ની નીચે 2660 ડૉલર સુધી જઈ શકે છે. આ બન્ને શક્યતાઓ છે. પણ ઝડપી તેજી થાય તે જોખમી હોય છે, આથી હાલ તો ઊંચા મથાળે વેચવાલી આવવાની શક્યતા વધારે દેખાય છે.

દર વખતે હું આપને કહી રહ્યો છું કે સોનું અને ચાંદી એવી એસેટ્સ છે કે દરેક ઘટાડે ખરીદવાની તક મળે તો ખરીદી લેવું. કારણ કે ખાસ કરીને સોનાચાંદીમાં આવી તક ફરીથી મળતી નથી. માટે છેલ્લા બે સપ્તાહના વીડિયામાં હું કહેતો આવ્યો છું કે ગોલ્ડ સિલ્વરમાં ઘટાડામાં ખરીદવાની તક આવી છે. તે તક ઝડપી લેવી જોઈએ. જેણે ખરીદ્યું હશે તેમને માટે હાલના ભાવ વેચવાનો સમય આવ્યો છે. જો કે લાંબાગાળા માટે જોઈએ તો ગોલ્ડ 3000 ડૉલર સુધી જવાની ઘારણા છે.

Related Posts

Leave a Comment