વર્ષમાં સોનાના ભાવમાં 22,000નો ઉછાળો, ડિમાન્ડમાં 18 ટકાનો વધારો

by Investing A2Z
Gold Silver Market

સોનાના ભાવ સતત વધીને રેકોર્ડ બ્રેક ઊંચા ભાવ બોલાયા છે. એક વર્ષમાં જ 10 ગ્રામે સોનાના ભાવમાં રૂપિયા 22,000 નો ઉછાળો નોંધાયો છે. જો કે સોનાના વધતાં જતા ભાવ છતાં પણ સોનાની ડિમાન્ડ ઘટી નથી, ઉલ્ટાની વધી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનો એક અહેવાલ બહાર પડ્યો છે. તો આવો આ વીડિયોમાં જાણીએ કે સોનાની કેટલી ડિમાન્ડ વધી છે, અને શા માટે સોનું હોટ ફેવરીટ બની રહ્યું છે?

સોનાના ભાવ સતત વધી રહ્યા છે. વીતેલા વર્ષે દિવાળી પર 999 ટચ સોનાનો ભાવ 10 ગ્રામે અંદાજે 60,000 હતો. જ્યારે આ વર્ષની દિવાળીએ સોનાનો ભાવ 82,000 બોલાયો છે. પરંતુ સોનાની માંગ ઘટવાને બદલે વધી છે. આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રીપોર્ટ અનુસાર સોનાની માંગમાં 18 ટકાનો વધારો થયો છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના અહેવાલ અનુસાર આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે ભારતમાં 248.3 ટન સોનું વેચાયું છે. આ સમયગાળા દરમિયાન સરકારે સોનાની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી હતી. તેના પરિણામ સ્વરૂપ સોનાના દાગીનાની માંગમાં વધારો જોવાયો હતો. આ જ સમયગાળા દરમિયાનના ત્રિમાસિક ગાળામાં સોનાની કુલ માંગ 210.2 ટન રહી હતી. એટલે કે 38 ટન સોનાની માંગ વધી છે. કિમતની દ્રષ્ટિએ જોઈએ તો ચાલુ કેલેન્ડર વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સોનાની માંગ 53 ટકા વધી 1,65,380 કરોડ રૂપિયા થઈ હતી. જ્યારે 2023ના આ જ સમયગાળા દરમિયાન સોનાની માંગ 1,07,700 કરોડ હતી.

હાલ સોનાના ભાવ અત્યાર સુધીના સૌથી ઊંચા છે એટલે કે ઓલ ટાઈમ હાઈ પર છે. એટલા માટે રોકાણકારો સોનાના ભાવ ઘટે તેની રાહ જોઈને બેઠા છે. પુરા વર્ષ દરમિયાન સોનાની માંગ 700થી 750 ટન રહેવાની પુરી સંભાવના છે. જે ગત વર્ષ કરતાં થોડી ઓછી છે. જો કે ભારતમાં દિવાળીના તહેવારોમાં ગુરુ પુષ્ય નક્ષત્ર, ધનતેરસમાં નવી ખરીદી અને લગ્નસરાની સીઝન આવતી હોવાથી સોનાની ડિમાન્ડ વધવાની ધારણા પણ છે. ભારતમાં 2023ના વર્ષમાં સોનાની કુલ માંગ 761 ટન રહી હતી. કદાચ આ આંકડો પાર પણ થઈ શકે છે.

ગુજરાતમાં ગુરુ પુષ્ય નક્ષત્ર, ધનતેરસ અને દિવાળીમાં સોનાના ચાંદીની ધૂમ ખરીદી થઈ છે. સોનાનો ભાવ ઊંચો હોવા છતાં પણ સોનાચાંદીના ભાવ વધુ વધશે તેવી ધારણાએ નવી ખરીદી આવી હતી.

તેજીના કારણો

સોનાચાંદીમાં નવી તેજી થવા પાછળ કેટલાક મજબૂત કારણો હતા. એક મિડલઈસ્ટ દેશોમાં યુદ્ધની સ્થિતિ- રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ, તેમજ ઈઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તેમાં ઈરાને ઈઝરાયલ પર હૂમલો કર્યો, તો ઈઝરાયલે ઈરાન પર વળતો હૂમલો કર્યો. જેને કારણે ક્રૂડના ભાવ ઊંચકાયા હતા. અને સલામત રોકાણ તરીકે સોનાચાંદીમાં નવી ખરીદી આવી ને ભાવ ઊંચકાયા હતા. બીજુ અમેરિકાની ફેડરલ રીઝર્વે પચાસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો, અને હવે નવેમ્બરમાં ફેડરલ રીઝર્વની બેઠક મળશે, જેમાં વધુ પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કરે તેવી શક્યતાઓ છે. આમ વ્યાજ દર ઘટે તો વધુ ઉપજ માટે સોનાચાંદીમાં ખરીદી આવી.

અમદાવાદ સોનાચાંદી બજારમાં દિવાળીના શુભ દિવસે 999 ટચ સોનાનો ભાવ 10 ગ્રામે રૂપિયા 600 વધી 82,200 બોલાયો હતો. હોલમાર્ક દાગીનાનો ભાવ 80,555 રહ્યો હતો. ચાંદી ચોરસાનો ભાવ એક કિલોએ એક હજાર વધી 98,000 રૂપિયા થયો હતો.

તેવી જ રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર ઘટી 2725 ડૉલર થઈ ત્યાંથી ઝડપી વધી 2801 ડૉલરની નવી હાઈ બનાવી અને અંતે 2749 ડૉલર બંધ રહ્યો હતો.

સિલ્વર ડિસેમ્બર ફ્યુચર 32.46 ડૉલર થઈ ત્યાંથી વધી 34.69 ડૉલર થઈ અને અંતે 32.68 ડૉલર બંધ રહ્યો હતો.

આગામી સપ્તાહે સોનાચાંદીના ભાવ ઘટશે. ગોલ્ડમાં 2801 ડૉલરનો સ્ટોપલોસ રાખીને દરેક ઉછાળે વેચનાર ફાવશે તેમજ સિલ્વરમાં 34 ડૉલરનો સ્ટોપલોસ રાખીને વેચનાર ફાવશે. હાલ નવી ખરીદીથી દૂર રહેવું જોઈએ. ગોલ્ડ સિલ્વર હાઈલી ઓવરબોટ છે, અને એક સારા એવા ટેકનિકલ કરેક્શનની અપેક્ષા છે. જો કે આગામી સપ્તાહે પાંચ નવેમ્બરે અમેરિકામાં પ્રેસિડેન્શીયલ ઈલેક્શન આવે છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે કસાકસીનો જંગ છે. અને નવેમ્બરમાં જ ફેડરલ રીઝર્વની બેઠક આવશે જેમાં પચીસ બેસીસ પોઈન્ટનો રેટ કટ આવે તેવી ધારણા છે. આ બન્ને ઈવેન્ટ પર વિશ્વભરના બજારોની નજર રહેશે. પણ હાલ ગોલ્ડ અને સિલ્વરમાં ભાવ ખૂબ ઊંચા છે જેથી સાવેચતી સાથે ટ્રેડ કરવો હિતાવહ છે.

You will also like

Leave a Comment