સોનું ચાંદીના રેકોર્ડબ્રેક ઊંચા ભાવઃ ગુરુ પુષ્ય નક્ષત્રમાં કેવી રહેશે ખરીદી?

by Investing A2Z
Gold Silver Market

સોના ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ અને સિલ્વરના ભાવ ઝડપી ઊંચકાઈને આવતાં ભારતમાં પણ સોનું ચાંદીના ભાવ વધ્યા હતા. સોનું વધુ ઉછળીને 80,000ની સપાટી કૂદાવી ગયું છે અને ચાંદી વધુ ઉછળીને 95,000ની સપાટી કૂદાવી પહોંચી ગયું હતું. સોનું ચાંદીના આ ભાવ ઑલ ટાઈમ હાઈ છે.

સૌપ્રથમ અમદાવાદ સોનાચાંદી બજાર(માણેકચોક)ના ભાવ જોઈએ તો 999 ટચ સોનું એક જ સપ્તાહમાં દસ ગ્રામે 1800 રૂપિયા વધી 80,300 બોલાયો છે. હૉલમાર્ક દાગીનાનો ભાવ 78,695 હતો. તેમજ ચાંદી ચોરસાનો ભાવ એક કિલોએ 4000 રૂપિયા વધી 95,500 થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ વીતેલા સપ્તાહને અંતે 2656 ડૉલર હતો, તે શરૂમાં ઘટીને 2638 ડૉલર થયો અને ત્યાંથી તે ઝડપી ઉછળી 2722ની નવી હાઈ બનાવી હતી, અને સપ્તાહને અંતે 2720 ડૉલર બંધ રહ્યો હતો. તેવી જ રીતે સ્પોટ સિલ્વરનો પ્રાઈઝ 31.52 ડૉલરથી શરૂમાં ઘટી 30.75 ડૉલર થઈ ત્યાંથી ઝડપી ઉછળી 33.77ની નવી હાઈ બનાવી અને સપ્તાહને અંતે 33.65 ડૉલર બંધ થયો હતો.

ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર 2676 ડૉલરથી શરૂમાં ઘટી 2645 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 2737ની નવી હાઈ બનાવી હતી, અને સપ્તાહને અંતે 2736 ડૉલર બંધ થયો હતો. શુક્રવારે એક જ ટ્રેડિંગ સેશનમાં 27 ડૉલરનો ઉછાળો આવ્યો હતો.

સિલ્વર ડીસેમ્બર ફ્યુચર 31.75 ડૉલરથી શરૂમાં સામાન્ય ઘટી 30.94 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 33.97 ડૉલરની નવી હાઈ બનાવી હતી અને સપ્તાહને અંતે 33.92 ડૉલર બંઘ રહ્યો હતો. એક જ ટ્રેડિંગ સેશનમાં સિલ્વર ફ્યુચરમાં 2.15 ડૉલરનો ઉછાળો નોંધાયો હતો.

ગોલ્ડ સિલ્વરમાં તેજી આવવા પાછળના કારણો

(1) અમેરિકાની ફેડરલ રીઝર્વે ફેડ રેટમાં પચાસ બેસીસ પોઈન્ટનો કટ કર્યા પછી યુરોપિયન સેન્ટ્રલ બેંકે ફરીથી રેટ કટ કર્યો છે. જેથી એવો આશાવાદ ઉભો થયો છે કે હવે નવેમ્બરમાં ફેડરલ રીઝર્વ વધુ 25 બેસીસ પોઈન્ટનો રેટ કટ કરશે. જે ગણતરીએ ગોલ્ડ સિલ્વરમાં નવા ઊંચા ભાવે નવું બાઈંગ આવ્યું હતું.

(2) મિડલઈસ્ટ દેશોમાં યુદ્ધના વાદળો છવાયેલા છે. ઈઝરાયલે હમાસના નેતા યાહ્યા સિન્વરની હત્યા કરી નાંખી છે. ત્યાર પછી ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ કહ્યું છે કે ગયા વર્ષે હમાસ દ્વારા પકડેલ બંધકોને મુક્ત ન કરે ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે. જે નિવેદન પછી ગોલ્ડ સિલ્વમાં નવું બાંઈગ આવ્યું હતું.

(3) અમેરિકામાં નવેમ્બરમાં પ્રેસિડેન્શિયલ ઈલેક્શન છે. વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટાઈટ ફાઈટ છે. મીડિયા રીપોર્ટ અનુસાર કમલા હેરિસ સામાન્ય લીડ મેળવી રહ્યા છે. હવે અમેરિકામાં ચૂંટણી આડે માત્ર ત્રણ અઠવાડિયાનો સમય બાકી છે. આમ અનિશ્ચિતતાના માહોલ વચ્ચે ગોલ્ડ સિલ્વરમાં નવું બાઈંગ આવ્યું હતું.

(4) લંડન બુલિયન માર્કેટ એસોસિએશનની વાર્ષિક બેઠકમાં પ્રતિનિધિઓએ આગામી 12 મહિનામાં ગોલ્ડનો પ્રાઈઝ 2941 ડૉલર થઈ જશે અને સિલ્વરનો પ્રાઈઝ વધીને 45 ડૉલર થઈ જશે. આ નવા ટાર્ગેટ આવતાં ગોલ્ડ સિલ્વરમાં ફ્રેશ બાઈંગ આવ્યું હતું.

હવે જોઈએ કે આગામી સપ્તાહે સોનું ચાંદી બજાર કેવું રહેશે?

સોનું ચાંદીમાં દરેક ઘટાડે નવી ખરીદી આવવાની જ છે, તેમ સમજીને ચાલવું. બીજુ હાલ ભાવ ખૂબ ઊંચા છે માટે ફ્યુચરમાં આગામી સપ્તાહે પ્રોફિટ બુકિંગ આવવાની શક્યતા પણ છે. બીજુ ભારતમાં દિવાળીના તહેવારો છે. આગામી 24 ઓકટોબરને ગુરુવારે પુષ્ય નક્ષત્ર છે. તે દિવસે શુભ ખરીદીરૂપે સોનું ચાંદી ખરીદવાની ટ્રેડિશન છે. ગુરુ પુષ્ય નક્ષત્રમાં દર વર્ષે સોનું ચાંદીની ધૂમ ખરીદી થતી હોય છે. આ વર્ષે ભાવ ખૂબ ઊંચા છે, આથી ખરીદી કેવી રહે છે કે જોવું રહ્યું. પરંતુ ગુરુ પુષ્ય નક્ષત્ર સુધી સોનાચાંદીના ભાવ મજબૂત જ રહેવાના છે. અને ગુરુપુષ્ય નક્ષત્રના દિવસે ઊંચા ભાવે જ સોનું ચાંદીની ખરીદી કરવી પડશે.

અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી આશિષભાઈ ઝવેરી સાથે ટેલિફોનિક વાતચીત કરી તો તેમણે કહ્યું હતું કે અમદાવાદ સોનાચાંદી બજાર અને જ્વેલર્સ બજાર ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસની તૈયારીઓ કરી રહ્યું છે. ગુરુ પુષ્ય નક્ષત્ર સોનું ચાંદીની ખરીદી માટે શ્રેષ્ઠ દિવસ છે. જો કે આ વર્ષે સોનું ચાંદીના ભાવમાં 30 ટકાનો ઉછાળો છે અને ભાવ પણ ઓલ ટાઈમ હાઈ પર છે. જેથી 10 ટકા ઘરાકી ઘટે તેવી ધારણા છે. પણ રૂપિયાની રકમમાં જોઈએ તો ગત વર્ષ કરતાં વધુ ખરીદી થશે. બીજુ દિવાળીના તહેવારો પછી લગ્નસરાની સીઝન પણ આવી રહી છે. જેથી સોનું ચાંદીના દાગીનામાં પણ ઘરાકી રહેશે, તેવો આશાવાદ આશિષભાઈ ઝવેરીએ રજૂ કર્યો હતો.

હવે આપણે ટેકનિકલ લેવલની વાત કરીએ તો ગોલ્ડમાં 2694ના સ્ટોપલોસે હોલ્ડિંગ જાળવી રાખવું અથવા દરેક ઘટાડે ખરીદી કરી શકાય. અને ગોલ્ડમાં ઉપરમાં 2750 ડૉલર ઉપરનો પ્રાઈઝ આવે તેવી શકયતા છે.

બીજુ સિલ્વરમાં 31.91 ડૉલરના સપોર્ટ લેવલથી દરેક ઘટાડે ખરીદી કરવી જોઈએ. અને ઉપરમાં 34.50 ડૉલર થવાની ધારણા મુકી શકાય.

You will also like

Leave a Comment