સોના ચાંદીમાં રેકોર્ડ બ્રેક તેજીઃ આ રહ્યા પાંચ કારણો

by Investing A2Z
Gold Silver Market

સોનાચાંદી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નવો ઉછાળો આવ્યો છે અને સોના ચાંદીના ભાવોએ નવા શિખર સર કર્યા છે. અમેરિકાની ફેડરલ રીઝર્વ આગામી સપ્તાહે 25 બેસીસ પોઈન્ટ ફેડ રેટ એટલે કે વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી ધારણા પાછળ ગોલ્ડ અને સિલ્વર ફયુચરમાં જોરદાર બાઈંગ આવ્યું હતું. પરિણામે સોના ચાંદીના ભાવ આકાશને આંબી ગયા હતા.

અમદાવાદ સોનાચાંદી બજારમાં માણેકચોકના ભાવ જોઈએ તો 999 ટચ સોનામાં સપ્તાહ દરમિયાન દસ ગ્રામે રૂપિયા 1700નો ઉછાળો આવી 76,500 રહ્યો હતો. હૉલમાર્ક દાગીનાનો ભાવ રૂપિયા 74,970 બોલાયા હતા અને ચાંદી ચોરસાનો ભાવ એક કિલોઓ સપ્તાહ દરમિયાન 3000 રૂપિયા ઊંચકાઈને રૂપિયા 87,000 રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફયુચર 6 સપ્ટેમ્બરે એટલે કે ગત સપ્તાહે 2524 ડૉલર બંધ હતો, જે સપ્તાહ દરમ્યાન ઝડપથી ઉછળી 2614 ડૉલરની નવી ઓલ ટાઈમ હાઈ બનાવીને અને ટ્રેડિંગ સેશનને અંતે 2585 ડૉલર બંધ રહ્યો હતો. તેવી જ રીતે સ્પોટ ગોલ્ડનો ભાવ 2578 ડૉલર રહ્યો હતો. તેમજ સિલ્વર ડીસેમ્બર ફ્યુચર 28.18 ડૉલરથી ઝડપી ઉછળીને 31 ડૉલરની સપાટી કૂદાવીને 31.28 ડૉલરની નવી હાઈ બનાવી હતી અને ટ્રેડિંગ સેશનને અંતે 31.06 ડૉલર બંધ રહ્યો હતો. સ્પોટ સિલ્વર 30.69 ડૉલરનો ભાવ હતો.

સોનાચાંદી બજારમાં તેજી આવવાના આ રહ્યા પાંચ કારણો…

(1) યુરોપિયન સેન્ટ્રલ બેંકોએ 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. યુરોપના દેશોમાં 25 બેસીસ પોઈન્ટ વ્યાજ દરમાં ઘટાડો થયો છે.

(2) આગામી સપ્તાહે 17-18 સપ્ટેમ્બરે અમેરિકાની ફેડરલ રીઝર્વની એફઓએમસીની બેઠક મળશે, જેમાં ફેડ રેટમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરશે. અને આ વર્ષમાં જ એક ટકો ફેડ રેટ કટ થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. એટલે કે સપ્ટેમ્બર મહિના પછીના મહિને પણ વધુ ફેડ રેટ કટ આવે તેવી શક્યતા છે. તેમજ અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ઈલેક્શન પણ આવી રહ્યું છે. જેથી સોનાચાંદીમાં નવું બાઈંગ આવ્યું છે.

(3) શુક્રવારે ડૉલર જાપાની યેનની સામે આ વર્ષના સૌથી નીચા સ્તરે આવી ગયો હતો.

(4) સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં ઓગસ્ટમાં સતત ચોથા મહિને નવું રોકાણ થયું છે. વિશ્વનું સૌથી મોટુ સોનાનું એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ જાન્યુઆરીની શરૂઆતથી તેના ઊંચામાં ઊંચા સ્તર પર છે.

(5) ભારતમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે. આથી આ શુભ દિવસોમાં સોનાચાંદીમાં સામાન્ય રીતે નવી ખરીદી નીકળતી હોય છે. આથી આ વર્ષે નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં સોનાચાંદીની ખરીદી નવા ઊંચા ભાવે જ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

આગામી દિવસોમાં સોનાચાંદી બજાર કેવું રહેશે? તો તેજીના આવા કારણો હોય ત્યારે સોનું ચાંદીના ભાવ વધે તેવી પુરી શક્યતા છે. પણ હા ટેકનિકલી ગોલ્ડ અને સિલ્વર ઓવરબોટ સિચ્યુએશન તરફ જઈ રહ્યા છે આથી ટૂંકાગાળા માટે પ્રત્યાઘાતી નરમાઈ આવે. પણ જ્યારે જ્યારે વ્યાજ દરમાં ઘટાડો થાય ત્યારે ત્યારે સોનાચાંદીમાં સલામત રોકાણ છે, તેમ માનીને નાણાનો પ્રવાહ સોનાચાંદી તરફ આવે છે.

ટેકનિકલી ગોલ્ડ ફયુચરમાં 2558નો મજબૂત સપોર્ટ લેવલ રહેશે અને સિલ્વરમાં 29.36 ડૉલરનો મજબૂત સપોર્ટ રહેશે. એટલે ગોલ્ડમાં 2558 અને સિલ્વરમાં 29.36 ડૉલરનો સપોર્ટ લેવલ રાખીને દરેક ઘટાડે બાય કરવું જોઈએ.

You will also like

Leave a Comment