વડાપ્રધાને સાબરમતી ખાતેથી પુનઃવિકસિત કોચરબ આશ્રમનું ઉદઘાટન કર્યું

વડાપ્રધાને મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને હૃદય કુંજની મુલાકાત લીધી હતી. સાથે જ તેમણે પુનઃ નિર્માણ પ્રોજેક્ટને દર્શાવતું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. આશ્રમ પરિસરમાં વડાપ્રધાનના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સાબરમતી આશ્રમ હંમેશાં અજોડ ઊર્જાનું જીવંત કેન્દ્ર રહ્યું છે. અહીંયા આવીને આપણે બાપુની પ્રેરણા અનુભવીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે,સાબરમતી આશ્રમે પૂજ્ય બાપુના સત્ય અને અહિંસા, રાષ્ટ્રસેવા અને વંચિતોની સેવામાં ભગવાનની સેવા જોવાના મૂલ્યોને જીવંત રાખ્યા છે.

12મી માર્ચે જ સાબરમતી આશ્રમથી રાષ્ટ્રએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની શરૂઆત કરી હતી તે વાતને યાદ કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, આ કાર્યક્રમે દેશની ભૂમિના બલિદાનોને યાદ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે અમૃત મહોત્સવે ભારત માટે અમૃત કાળમાં પ્રવેશવા માટેનું પ્રવેશદ્વાર બનાવ્યું, અમૃત મહોત્સવ પ્રસંગે દેશમાં જનભાગીદારીનું એવું વાતાવરણ બન્યું હતું, જેવું આઝાદી પહેલાના સમયમાં જોવા મળ્યું હતું. તેમણે મહાત્મા ગાંધીના આદર્શો અને મૂલ્યોનો પ્રભાવ અને અમૃત મહોત્સવના વ્યાપ વિશે વાત કરી હતી.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, જે રાષ્ટ્ર પોતાની ધરોહરને સાચવવામાં સક્ષમ નથી તે પોતાનું ભવિષ્ય પણ ગુમાવે છે. બાપુનો સાબરમતી આશ્રમ માત્ર દેશનો જ નહીં માનવતાનો વારસો છે. આ અમૂલ્ય વારસાની લાંબી અવગણનાને યાદ કરતાં વડાપ્રધાને આશ્રમનો વિસ્તાર 120 એકરથી ઘટીને 5 એકર થવાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે 63 ઇમારતોમાંથી માત્ર 36 ઇમારતો જ રહી છે અને માત્ર 3 ઇમારતો મુલાકાતીઓ માટે ખુલ્લી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વતંત્રતા સંગ્રામમાં આશ્રમના મહત્ત્વને ધ્યાનમાં રાખીને તેને સાચવવાની 140 કરોડ ભારતીયોની જવાબદારી છે.
વડાપ્રધાને આશ્રમની 55 એકર જમીન પાછી મેળવવામાં આશ્રમવાસીઓના સહકારને સ્વીકાર્યો હતો તથા આશ્રમની તમામ ઈમારતોને તેમના મૂળ સ્વરૂપમાં સાચવવાનો ઈરાદો દર્શાવ્યો હતો. વડાપ્રધાને આવા સ્મારકોની લાંબી અવગણના માટે ઇચ્છાશક્તિના અભાવ, સંસ્થાનવાદી માનસિકતા અને તુષ્ટિકરણને જવાબદાર ઠેરવ્યું હતું.

ગુજરાતમાં વિવિધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોના વિકાસ અંગે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે, ગુજરાતે સમગ્ર રાષ્ટ્રને વારસાની જાળવણીનો માર્ગ બતાવ્યો. તેમણે સરદાર પટેલના નેતૃત્વમાં સોમનાથના મંદિરના જીર્ણોદ્ધારને ઐતિહાસિક ઘટના ગણાવી હતી. ચાંપાનેર અને ધોળાવીરા, લોથલ, ગિરનાર, પાવાગઢ, મોઢેરા અને અંબાજી સાથે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ જેવાં ઉદાહરણો ગણાવ્યાં હતાં.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, “ભવિષ્યની પેઢીઓ અને સાબરમતી આશ્રમની મુલાકાત લેનારાઓને ચરખાની શક્તિ અને ક્રાંતિને જન્મ આપવાની તેની ક્ષમતામાંથી પ્રેરણા મળશે. “બાપુએ એવા રાષ્ટ્રમાં આશા અને વિશ્વાસ ભરી દીધો હતો જે સદીઓની ગુલામીને કારણે નિરાશાથી પીડાઈ રહ્યું હતું” બાપુનું વિઝન દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્પષ્ટ દિશા બતાવે છે તેની નોંધ લેતા વડાપ્રધાને કહ્યું હતું કે, સરકાર ગ્રામીણ ગરીબોના કલ્યાણને પ્રાથમિકતા આપી રહી છે અને મહાત્મા ગાંધીએ આપેલા આત્મનિર્ભરતા અને સ્વદેશીના આદર્શોને અનુસરીને આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવી રહી છે. વડાપ્રધાને પ્રાકૃતિક કૃષિ અંગે વાત કરતાં કહ્યું કે, ગુજરાતમાં 9 લાખ કૃષિ પરિવારોએ કુદરતી ખેતી અપનાવી છે, જેના કારણે 3 લાખ મેટ્રિક ટન યુરિયાના વપરાશમાં ઘટાડો થયો છે.

વડાપ્રધાને સરકારના પ્રયાસોને કારણે છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે અવકાશ ક્ષેત્રમાં ભારતની તાજેતરની સિદ્ધિઓ પણ વર્ણવી હતી. તેમણે કહ્યું કે, “આજે, જ્યારે ભારત વિકાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે મહાત્મા ગાંધીનું આ મંદિર આપણા બધા માટે એક મહાન પ્રેરણા છે. તેથી સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમનો વિકાસ એ માત્ર ઐતિહાસિક સ્થળોનો વિકાસ નથી. તે વિકસિત ભારતના સંકલ્પ અને પ્રેરણામાં આપણો વિશ્વાસ પણ મજબૂત કરે છે.” સાથે જ, તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે બાપુના આદર્શો અને તેમની સાથે સંકળાયેલા પ્રેરણાત્મક સ્થાનો રાષ્ટ્રનિર્માણમાં આપણાં પ્રવાસને માર્ગદર્શન આપતા રહેશે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુએ આ ભૂમિ પરથી 12 માર્ચ 1930ના રોજ દાંડી કૂચ કરી બ્રિટિશ શાસનની ગુલામીમાંથી દેશને મુક્ત કરવા આઝાદીની ચળવળનો પ્રારંભ કર્યો હતો. આજે એ જ ભૂમિ પર આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ થઈ રહ્યો છે, એ આપણાં સૌ દેશવાસીઓ અને ગુજરાત માટે ગૌરવની વાત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રૂ. 1200 કરોડના ખર્ચે પ્રસ્તાવિત 55 એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સાબરમતી આશ્રમ અને તેની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરીને તેમની ઓળખ સ્થાપિત કરવાનો તેમજ પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે મહાત્મા ગાંધીજીને સમર્પિત એક વિશ્વસ્તરીય સ્મારકનું નિર્માણ કરવાનો છે.
આ સ્મારક ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે અને ગાંધીજીના વિચારોની અસરકારકતા વધારશે. અહીંયા ગાંધીજીના દિવ્ય જીવન અને આશ્રમના ભવ્ય વારસાને દર્શાવતા માહિતીપ્રદ પ્રદર્શનોની સાથે જ પૂજ્ય બાપુ દ્વારા સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવેલા સત્યાગ્રહ અને સ્વાતંત્ર્ય સંગ્રામને દર્શાવતા ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો પણ જોવા મળશે. આ ઉપરાંત આ સંકુલ મુલાકાતીઓ અને પ્રવાસીઓ માટે વ્યાખ્યાન કેન્દ્ર તેમજ જાહેર સુવિધાઓ જેવીકે ફૂડ કોર્ટ, સોવેનિયર શોપ વગેરે જેવી સુવિધાઓથી સજ્જ હશે. આ પ્રોજેક્ટમાં મુખ્ય આશ્રમની સાદગી અને અધિકૃત સ્થાપત્યોને જાળવી રાખીને 20 જૂના મકાનોનું સંરક્ષણ, 13 મકાનોનો જીર્ણોદ્ધાર અને 3 મકાનોનો પુનઃવિકાસ સામેલ છે. તેનો ઉદ્દેશ સાબરમતી આશ્રમની મુલાકાતે આવતા લોકો માટે શુદ્ધ, સ્વચ્છ, શાંતિપૂર્ણ અને હરિયાળું વાતાવરણ ઊભું કરવાનો છે.