
ગુજરાતના બજેટની અતિ મહત્વની નવી જાહેરાત
(1) હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરું છું. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 10 હજાર તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજારની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 50 હજારની સહાય મળવાપાત્ર થશે.
(2) ગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્સ હબ તરીકે ઉભરી રહેલ છે. 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે. જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની “સપનાનાં શહેર” તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થશે. GIFT સિટી ખાતે ‘ફિન-ટેક હબ’ની સ્થાપના કરવામાં આવશે, જેના માટે ૫૨ કરોડની જોગવાઇ. ગાંધીનગર ગિફટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે 1100 કરોડની જોગવાઈ કરાઈ છે.

(4) અમદાવાદ રિવરફ્રન્ટને ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે
(5) 7 નવી મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય, જેમાં નવસારી, આણંદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર-વઢવાણ અને વાપી હવે મહાનગરપાલિકા બનશે, જેનાથી આ શેહરોનો વિકાસ વધુ વેગવાન થઈ શકશે.
(6) એક જ નંબર 112 ઉપર પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રિયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જનરક્ષક યોજના શરૂ કરવાની હું જાહેરાત કરું છું. આ માટે સંપૂર્ણ રાજયમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે.

(8) ઉત્તર ગુજરાતના અંબાજી-ધરોઇ-તારંગા-વડનગર વિસ્તારનો વર્લ્ડ કલાસ સસ્ટેનેબલ ટૂરિસ્ટ પિલ્ગ્રિમેજ ડેસ્ટીનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. અમારી સરકારના આવા પગલાઓથી પ્રવાસન ક્ષેત્રે મોટા પ્રમાણમાં સારી આવક આપતી રોજગારીના સર્જનની સાથોસાથ સાંસ્કૃતિક ધરોહરનું સંરક્ષણ અને વિકાસ થશે.
(9) અયોધ્યાધામ ખાતે ગુજરાતી પ્રવાસીઓની સગવડો અર્થે ગુજરાત યાત્રી ભવન માટે જમીન મેળવી લેવામાં આવેલ છે અને તેના નિર્માણનું કાર્ય ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

(11) અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની કનેકટિવિટી વધારવા મેટ્રોરૂટને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તારો સુધી લંબાવવામાં આવશે.
(12) ગુજરાત રાજયના ખેડૂતોને મીલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય, પ્રચાર પ્રસાર વગેરે માટે 35 કરોડની જોગવાઈ.
(13) સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, અસારમાં બીચ (માંડવી, કચ્છ), મૂળ દ્વારકા બીચ વગેરેના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 30 કરોડની જોગવાઇ કરાઈ છે.
(14) સ્ટેચ્યુ ઓફ યુનિટી- એકતાનગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનાવવાની સાથોસાથ વીર બાલક ઉદ્યાન બનાવવાનું આયોજન છે.

(16) જનસંખ્યાના આધારે તાલુકાઓના ક્લસ્ટર (સમુહ) દીઠ એક ફેમિલી કોર્ટ મળી રહે તે રીતે 80 જેટલી નવી ફેમિલી કોર્ટ સ્થાપી તેમાં જરૂરી મહેકમ ઉભુ કરવા 5 કરોડની જોગવાઈ કરાઈ છે
(17) 25 થી 60 વર્ષ વચ્ચેની વયના માન્ય પત્રકારોને “સામુહિક જૂથ વીમા” યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુના કિસ્સામાં 1 લાખથી વધારીને 2 લાખ તથા અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં 5 લાખથી વધારીને 10 લાખનું વીમા કવચ પૂરું પાડવામાં આવશે.
(18) સોલર રૂફટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે 993 કરોડની જોગવાઈ છે. સરકારી તેમજ અર્ધ સરકારી કચેરીઓ અને સરકારી રહેણાંકના મકાનો પર OPEX મોડલ હેઠળ 40 મેગાવોટ રૂફટોપ સોલર પ્રોજેક્ટની સ્થાપના અંગેની યોજના માટે 100 કરોડની જોગવાઇ કરાઈ છે.
(19) શ્રી બહુચરાજી શક્તિપીઠના વિકાસ માટે 71 કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ કરાશે.
(20) વિકસિત ભારત @2047 ના લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત @2047 નું નિર્માણ કરવા માટેનો રોડમેપ નક્કી કરતું 3 લાખ 32 હજાર 465 કરોડનું અંદાજપત્ર