
અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વડાપ્રધાને ફરી એક વખત વારાણસીની મુલાકાત લેવાની તક મળતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આ શહેરનો આનંદ શબ્દોથી પર છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, ગયા મહિનાની 23મી તારીખે જ્યાં ચંદ્રયાને ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું, એ ચંદ્રના શિવ શક્તિ પોઇન્ટ પર ભારત પહોંચ્યાનાં બરાબર એક મહિના પછી તેઓ એ જ દિવસે કાશીની મુલાકાત લઈ રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, “શિવ શક્તિનું એક સ્થળ ચંદ્ર પર છે, જ્યારે બીજું સ્થળ કાશીમાં છે,” તેમણે આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બદલ દરેકને અભિનંદન આપ્યાં હતાં.
વડાપ્રધાન આ સ્થળનાં મહત્ત્વની પણ નોંધ લીધી હતી, જે માતા વિંધ્યાવાસિનીના માર્ગના આંતરછેદ પર આવેલું છે અને રાજ નારાયણજીનાં ગામ મોતીકોટ સાથે તેની નિકટતા છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, ક્રિકેટનાં માધ્યમથી દુનિયા ભારત સાથે જોડાઈ રહી છે અને ઘણા નવા દેશો ક્રિકેટ રમી રહ્યા છે, જેનાં પગલે મોટી સંખ્યામાં મેચો રમાશે. તેમણે કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ આગામી વર્ષોમાં સ્ટેડિયમોની વધતી માગને પૂર્ણ કરશે. બીસીસીઆઇનાં યોગદાન બદલ બીસીસીઆઇનો પણ આભાર માન્યો હતો.


વડાપ્રધાને કાશીમાં રમતગમતમાં થયેલાં પરિવર્તનનું વર્ણન પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ પ્રયાસ કાશીના યુવાનોને રમતગમતની વૈશ્વિક કક્ષાની સુવિધાઓ પ્રદાન કરવાનો છે. એટલા માટે આ સ્ટેડિયમની સાથે 400 કરોડ રૂપિયા સિગરા સ્ટેડિયમ પર ખર્ચ કરવામાં આવી રહ્યા છે, જ્યાં 50થી વધુ રમતો માટે સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે. આ પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ કૉમ્પલેક્ષ બનવા જઈ રહ્યું છે જે દિવ્યાંગોને અનુકૂળ હશે. નવાં નિર્માણની સાથે-સાથે જૂની વ્યવસ્થાઓમાં પણ સુધારો થઈ રહ્યો છે.


વડાપ્રધાને કાશીનાં લોકોને શહેરમાં ચાલી રહેલા તમામ વિકાસલક્ષી પ્રયાસોનો શ્રેય આપ્યો હતો. “કાશીમાં તમારા વિના કશું જ પ્રાપ્ત થઈ શકતું નથી. તમારાં સમર્થન અને આશીર્વાદથી અમે કાશીના વિકાસના નવા અધ્યાયો લખવાનું ચાલુ રાખીશું,”

