
ગુજરાતીઓ માટે નવલી નવરાત્રિ એટલે કે માતાજીનું પર્વ અને તેની સાથે જ ગરબાની રમઝટ. ત્યારે કચ્છી કોયલના સુરનો નશો આ વર્ષે મુંબઈવાસીઓને માણવા મળશે. આ નવરાત્રિના આયોજન સંદર્ભે વધુ જણાવતા ભાજપના નેતા મૂરજીભાઇ પટેલે જણાવ્યું કે મુંબઈ શહેરમાં નવરાત્રિ આયોજનો તો ઘણા થાય છે પરંતુ અમે નક્કી કર્યું હતું કે મુંબઈવાસીઓ અને ખાસ કરીને અંધેરીમાં રહેતાં લોકોને અસલી ગુજરાતની નવરાત્રિનો પરિચય કરાવીએ, જેમાં છટા, સુર-તાલ અને સંગીતમાં ગુજરાતનો રણકો હોય. આ માટે સંસ્કૃતિ અને સુરના સુભગ મિલન સાથે અમે અંધેરીના હોલી ફેમિલી હાઇસ્કુલના મેદાન ખાતે છોગાળા રે નવરાત્રિનું આયોજન કર્યું છે.

કચ્છની કોયલ ગીતા રબારીએ કહ્યું હતું કે,મેં મારા કરિયરમાં દેશ વિદેશમાં અનેક નવરાત્રિઓ કરી છે પરંતુ મુંબઈના ઘર આંગણે નવરાત્રિ દરમિયાન પર્ફોર્મન્સ નો આ પહેલો મોકો છે. મુંબઈના ગુજરાતી એટલે સવાયા ગુજરાતીઓ, મને પૂરો વિશ્વાસ છે કે રસિકો નવરાત્રિને ખૂબ માણશે, આ પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટી અને મુરજીભાઈ પટેલની આભારી છું કે તેમણે મુંબઈ શહેરનું સૌથી મોટું નવરાત્રિ આયોજન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે તહેવારોની સિઝનની વાત આવે છે ત્યારે ગીતા રબારી હંમેશા ટોપ-લિસ્ટેડ ગાયકોમાંની એક રહી છે. ‘રોણા શેર રે’ ફેમ એવી આ કચ્છી કોયલ સામાન્ય રીતે કચ્છી ભાતીગળ પોશાકમાં જોવા મળે છે. અવાજની સાથે સાથે તેની ફેશનની સેન્સ પણ અદભુત છે. instagram પર તેના ફોટોગ્રાફ ધૂમ મચાવે છે. ત્યારે આ વર્ષે અંધેરીવાસીઓ ગીતા રબારીના તાલે ઝૂમી ઉઠશે.