“ભારતે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું. પ્રથમ સૌથી મોટું સ્વદેશી 700 MWe કાકરાપાર ન્યુક્લિયર ગુજરાતમાં પાવર પ્લાન્ટ યુનિટ-3 સંપૂર્ણ ક્ષમતાથી કામગીરી શરૂ કરી છે.”- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા

કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન એ ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સ્થિત એક પરમાણુ પાવર પ્લાન્ટ છે અને ભારત સરકારના ઉપક્રમ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL), દ્વારા સંચાલિત છે, જે પરમાણુ ઉર્જા દ્વારા વીજ ઉત્પાદન માટે જવાબદાર છે. કાકરાપાર ગુજરાત સાઇટમાં ચાર દબાણયુક્ત ભારે પાણીના રિએક્ટરનો સમાવેશ થાય છે, એટલે કે બે 220 મેગાવોટના કુલ 440 મેગાવોટ અને બે 700 મેગાવોટના એવા 1,400 મેગાવોટ પાવરના યુનિટ આવેલા છે.
કેએપીપી-3 અને 4નો 700 મેગાવોટનો પરમાણુ પ્લાન્ટ ભારતનો સૌથી મોટો સ્વદેશી રીતે વિકસિત PHWR અનેક આધુનિક સલામતી સુવિધાઓ ધરાવતો પ્લાન્ટ છે. અદ્યતન ટેકનોલોજીથી ડિઝાઇનથી સુસજ્જિત કાર્યક્ષમ સ્ટેશનનું સુનિશ્ચિત અને અવિરત વીજળી ઉત્પાદન માટે ખુબજ ચોકસાઇથી અને સાવચેતીપૂર્વક નિર્માણ કરવામાં આવ્યું છે.

કાકરાપાર ગુજરાત સાઇટના ડિરેક્ટર સુનિલ કુમાર રોયે જણાવ્યું હતું કે, અમને 700 મેગાવોટની સફળ પ્રાપ્તિની જાહેરાત કરતા ગર્વ છે. કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન યુનિટ-3 ખાતે વીજ ક્ષમતાનું ઉત્પાદનની આ સિદ્ધિ રાષ્ટ્રની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા અને અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે આ સિદ્ધિ માટે અમારા ઉચ્ચ કુશળ કર્મચારીઓના પ્લાન્ટની સલામત અને કાર્યક્ષમ કામગીરી અને અતૂટ સમર્પણ માટે આભારી છીએ. અમો NPCIL HQ, BARC, AERB તથા એલ એન્ડ ટી અને પુંજ લોયડ જેવા મોટા કોન્ટ્રાક્ટરો પ્રત્યે નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આ માઇલસ્ટોન પૂર્ણ થવાથી પરમાણુ ક્ષેત્રે અગ્રેસર તરીકે KAPS ની સ્થિતિ વધુ મજબૂત બને છે. ભારતના ઉર્જા ક્ષેત્રમાં, KAPS વીજ ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર યોગદાન આપે છે. સ્ટેશનની કામગીરી સ્વચ્છ અને પરમાણુ શક્તિનો ટકાઉ સ્ત્રોતના ઉપયોગ કરવાની સરકારની દ્રષ્ટિ સાથે તાલબદ્ધ છે.



જ્યાં સુધી કેએપીપી યુનિટ-4 સંબંધ છે, તે કમિશનિંગના અદ્યતન તબક્કામાં છે અને નજીકના ભવિષ્યમાં તેનું કાર્ય પૂર્ણ થવાની અપેક્ષા છે.