અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો, કેવી રીતે?

by Investing A2Z

ભારતનો પડોશી દેશ અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો કરી લીધો છે. તાલિબાનીઓને ચીન, પાકિસ્તાન અને ઈરાનનો ટેકો છે. પણ ભારત પર શું અસર થશે? તે હજી સુધી કળી શકાયું નથી. 20 વર્ષ બાદ તાલિબાનોનું રાજ અફધાનિસ્તાન પર આવ્યું છે. અફઘાનવાસીઓ ખૂબ જ ડરી ગયા છે, ખોફનો માહોલ છે, અને તમામ રોડ, રસ્તા, એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ છે. બધાને દેશ છોડીને જવું છે, પોતાનો દેશ પારકો લાગે છે. અફઘાનીઓને ત્યાં રહેવું નથી, અને તાલિબાનોનું રાજ પસંદ નથી.

તાલિબાનોએ એકપણ ટીપુ લોહી વહાવ્યા વગર કાબુલ પર કબજો જમાવીને રાષ્ટ્રપતિ ભવનમાં ઘુસી ગયા છે. આ શક્ય કેવી રીતે બને? તે એક મોટો સવાલ છે. અશરફ ગની તાલિબાનીઓનો મુકાબલો કરવાની જગ્યાએ દેશ છોડીને ભાગી છૂટ્યા છે. અફઘાનિસ્તાન પાસે 3.50 લાખનું સૈન્ય બળ હતું અને તાલિબાનીઓ 70 હજાર હતા. તેમ છતાં અફઘાની સૈન્યએ તાલિબાનીઓનો વિરોધ સુધ્ધા કર્યો નથી. જે રીતે તાલિબાનીઓએ કબજો જમાવ્યો તેમાં અફઘાનિસ્તાન સૈન્યની શરણાગતિ અને સૈન્યમાં ફાટફૂટ હોય તો જ આ રીતે સત્તા પરિવર્તન શક્ય બને. અફઘાનિસ્તાન સૈન્ય પાસે ફાઈટર પ્લેન અને અમેરિકા દ્વારા અપાયેલ આધુનિક હથિયાર પણ હતા, તેમ છતાં તેઓ મુકાબલો નથી કર્યો. જ્યારે તાલિબાનીઓ પાસે ફાઈટર પ્લેન કે આધુનિક હથિયાર ન હતા, તેમ છતાં તેઓ માત્ર મશીનગન અને બંદુકના સહારે કાબુલમાં ઘુસી જઈને દહેશતનો માહોલ ઉભો કરવામાં સફળ રહ્યા છે, અને કબજો જમાવી દીધો છે.

આ આખીય ઘટનાનું રીસર્ચ કરવાની જરૂર છે, કે શા માટે અફઘાનિસ્તાનના સૈન્યએ તાલિબાનો સામે મુકાબલો ન કર્યો? અશરફ ગની શા માટે દેશ છોડીને ભાગી ગયા? અશરફ ગનીએ યુએન કે અમેરિકાની મદદ કેમ ન માગી? અને મદદ માંગી હોય તો શા માટે વિશ્વના દેશોએ મદદ ન કરી? માનવ અધિકાર આયોગ શું કરે છે? હાલ દુનિયાના તમામ દેશ અફઘાનિસ્તાનના સમાચાર સાંભળી રહ્યા છે, પણ કોઈ દેશના નાગરિકોની વ્હારે આવ્યા નથી. દરેક દેશ પોતાના નાગરિકોને બચાવવા માટે રાજદૂત સાથે સંપર્ક બનાવીને વિમાન મોકલી રહ્યા છે.

અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડન પર માછલા ધોવાનું શરૂ થયું છે. અફઘાનિસ્તાનમાંથી લશ્કર હટાવ્યું પછી તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવી દીધો છે. 20 વર્ષ સુધી અમેરિકન સૈન્યએ શું કર્યું? અફઘાન સૈન્યને શું ટ્રેનિંગ આપી? અમેરિકન સૈન્ય અફઘાનિસ્તાનના સૈન્યને આધુનિક હથિયારો અને ફાઈટર પ્લેન પણ આપ્યા છે, તેનો ઉપયોગ કેમ થયો નહી. અમેરિકાના વ્હાઈટ હાઉસ બહાર દેખાવો થયા, અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટોએ જો બાઈડનની ટિકા કરી છે. જો બાઈડનનો આ નિર્ણય ભુલભરેલો ગણાવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે તો કહ્યું હતું કે ટ્રમ્પનું શાસન યાદ આવે છે કે નહી?

અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડને સોમવારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કાબુલ પર તાલિબાનોના કબજા માટે અફઘાનિસ્તાનની સેના જવાબદાર છે. અફઘાની સૈન્ય તાલિબાન સાથે લડવા જ માંગતી નથી, આ સંજોગોમાં તેમની લડાઈ અમેરિકા કયા સુધી લડશે. જો આ સાચુ હોય તો એ પણ જાણું જોઈએ કે અફઘાની સૈન્ય તાલિબાને સામે લડવા કેમ રસ ન દાખવ્યો. અને કેવી રીતે તાલિબાનોએ દુનિયાને આશ્રર્યચકિત કરી દે તે રીતે કેટલાક દિવસોમાં જ કાબુલ પર કબજો મેળવવામાં સફળ રહ્યા.

છેલ્લા ત્રણ દિવસથી અફઘાનિસ્તાનથી જે તસવીરો અને વીડિયો જોવા મળી રહ્યા છે, તે રૂવાંડા ઉભા કરી દે તેવા છે. અફરાતફરી છે. ‘એરલિફ્ટ’ મુવી જેણે જોયું હોય તેને યાદ હશે કે આવા જ દ્રશ્યો હતા, તેવા દ્રશ્યો ફરીથી આપણને જોવા મળી રહ્યા છે. એરલિફ્ટમાં દ્રશ્યોને ફિલ્માવ્યા હતા, જ્યારે આ તાદ્શ અને સાચા દ્રશ્યો છે. દિલને દહેલાવી દે તેવા વીડિયો છે, ત્યાંના લોકોને અફઘાનિસ્તાનમાં રહેવું જ નથી. બસ ભાગી જાઓ… તેમાંય ખાસ કરીને મહિલાઓની સ્થિતિ વધુ કફોડી બની છે. તાલિબાનોના રાજમાં મહિલાઓની સ્વતંત્રતા છીનવાઈ જવાની છે, તેમને જેલવાસ જેવું જીવન ઘરમાં જ ગાળવું પડશે, બુરખામાં રહેવું પડશે, સ્કુલ કોલેજો બંધ થઈ જશે. 21 ટકા વર્કિગ વુમન છે, તેમણે નોકરી છોડી દેવી પડશે. જેથી મહિલાઓની આંખમાં આંસુ સુકાતા નથી.

અમેરિકાએ છેલ્લા 20 વર્ષમાં 61 લાખ કરોડનો ખર્ચ કર્યો છે. તેમ છતાં અફઘાનિસ્તાન જીતી શકાયું નથી, તે ખૂબ સારી રીતે જાણે છે હવે આમાં કાંઈ ફેર પડવાનો નથી. અને તે વાત આજે સાચી પડી છે. અફઘાનિસ્તાનનું લશ્કર તેની પાસે તાકાત હોવા છતાં તાલિબાનોના શરણે થઈ ગયું. અને કયા સુધી અમેરિકા અફઘાનિસ્તાનની રક્ષા કરે, અફઘાનિસ્તાનવાસીઓએ દેશપ્રેમ જગાડવો જ પડશે, નહી તો તેઓ ગુલામીમાં રહેવા તૈયાર રહે., જે આજે થઈ રહ્યું છે.

વિશ્વના દેશો ડિજિટલ યુગમાં આગળ વધી રહ્યા છે. ચંદ્ર, મંગળ અને અવકાશની સફર કરવા માટે દેશો સંશોધન કરીને ખૂબ આગળ વધ્યા છે. વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે, વૈજ્ઞાનિકો કોરોનાની રસી શોધીને માનવજીવન બચાવી રહ્યા છે, જ્યારે આતંકવાદી અને તાલિબાનો દેશને પાછળ ધકેલી રહ્યા છે, આ વાતને ત્યાંની પ્રજાએ સ્વીકારવી પડશે. હાલનો સમય એવો છે કે ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અખત્યાર કરવી ખૂબ જરૂરી છે. પેનિક કરવાની જરૂર નથી અને ભલે હાલ કાળા ડિંબાગ વાદળો ઘેરાયા હોય, પણ કાલે સોનાનો સુરજ ઉગવાનો જ છે.

Related Posts

Leave a Comment