ઓપેક ( OPEC ) અને સહયોગી દેશોના પાંચ રાષ્ટ્રોએ કાચા તેલનું ( Crude Oil ) ઉત્પાદન વધારવા અંગે સહમતિ વ્યક્ત કરી છે. પહેલા આ મામલે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે કેટલાક દિવસો પહેલા યુએઈએ ( UAE ) ઉત્પાદન વધારવાની માંગ કરી હતી. જે પછી પેટ્રોલિયમ નિકાસકાર દેશોના સંગઠનમાં વિવાદ ઉભો થયો હતો, તે પછી સમુહની થનારી બેઠકને મુલતવી રાખી હતી.
એક નિવેદનમાં જણાવાયું છે કે ઈરાક, કુવૈત, રશિયા, સાઉદી આરબ અને સંયુક્ત આરબ અમીરાત(યુએઈ) પોતાનું ઉત્પાદન વધારશે.
સાઉદી આરબના ઉર્જાપ્રધાન પ્રિન્સ અબ્દુલઅજિજ બિન સલમાનનું કહેવું છે કેટલાક મુદ્દાઓ પર આપણા વિચારો અલગ હોઈ શકે છે. તેમ છતાં આપણે એક છીએ. તેમણે વિસ્તારથી જણાવવાનો ઈન્કાર કર્યો હતો, કે તેમની વચ્ચે આમ સહમતી કેવી રીતે સંઘાઈ. આપને જણાવી દઈએ કે કાચા તેલના ભાવ સતત વધી રહ્યા છે, તેને જોતા ભારતે ઓપેક દેશોમાં ઉત્પાદન વધારવાની માંગ કરતું રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારી વચ્ચે વાહન ઈંધણ અને જેટ ઈંધણની માંગ ઘટવાથી કાચા તેલની કિમતોમાં મોટો ઘટાડો આવ્યો હતો. હવે દુનિયાના કેટલાય દેશોમાં ટીકાકરણની ઝડપ વધી છે, અને લોકડાઉન ખૂલ્યા છે. આથી માંગમાં વધારો થયો છે. બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ શુક્રવારે 73 ડૉલર પ્રતિ બેરલનો ભાવ હતો. પણ ક્રૂડનું ઉત્પાદન વધારવાના સમાચાર પછી બ્રેન્ટ ક્રૂડનો ભાવ 2.21 ઘટી 71.96 ડૉલર રહ્યો હતો. ડબલ્યૂટીઆઈ ક્રૂડ 70 ડૉલર પ્રતિ બેરલનો ભાવ રહ્યો હતો.

પણ હવે આનંદના સમાચાર આવ્યા છે કે ઓપેકના દેશો ઉત્પાદન વધારવા રાજી થયા છે. જેથી હવે જો ઉત્પાદન વધશે તો ક્રૂડ ઓઈલની કીમત ઘટશે અને જેને પગલે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવા શરૂ થશે. હવે ઓપેકના દેશો કેટલું ઉત્પાદન વધારે છે, તેના પર ક્રૂડની કીમતો નક્કી થશે. હાલ તુરંત તો ક્રૂડના ભાવ ઘટ્યા છે.