વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ચેતવણી આપતાં કહ્યું છે કે હજી કોરોના મહામારીમાં કોઈ ઘટાડો થયો નથી. કેટલાય દેશોમાં કોરોના મહામારીએ તબાહી મચાવી દીધી છે. સાથે તેમણે કહ્યું હતું કે ડેલ્ટા વેરિયેન્ટના વધતા કેસને કારણે આ મહામારી વધુ ઝડપી ફેલાઈ રહી છે.
બ્લૂમબર્ગ ટેલિવિઝનને આપેલ ઈન્ટરવ્યૂમાં ડબલ્યૂએચઓના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વીમાનાથને કહ્યું છે કે કોરોના વાયરસનું વધતું જતું સંક્રમણ એ વાતનું પ્રમાણ છે કે આ મહામારી હજી સમાપ્ત થઈ નથી. સાથે તેમણે એમ પણ કહ્યું છે કે કેટલાક દેશોમાં રસીકરણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે, તે દેશોમાં કોરોનાના ગંભીર કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. અને હોસ્પિટલમાં દાખલ થવાની શકયતાઓ ઘટી ગઈ છે. તેમ છતાં કેટલાક દેશો ઓક્સિજનની અછત, હોસ્પિટલમાં બેડની અછત અને ઊંચો મૃત્યુદરનો સામનો કરી રહ્યા છે.


વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા અનુસાર વીતેલા 24 કલાકમાં દુનિયાભરમાં કોરોનાના 4,58,355 નવા કેસ નોંધાયા છે. જ્યારે 8,516 લોકોનું મૃત્યુ થયું છે. પુરા વિશ્વમાં અત્યાર સુધી કોરોનાના 18,52,91,530 કેસ સામે આવ્યા છે. ઉપરોક્ત સમાચાર આપણા માટે એલાર્મિંગ સ્થિતિ કહી રહી છે. ગુજરાતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે, તે સારી વાત છે, પણ હજી આપણે સાવેચતી રાખવાની તાતી જરૂરિયાત છે. કોરોનાના કેસ ઘટી રહ્યા છે, કોરોના ગયો નથી. આટલું યાદ રાખશો તો ત્રીજી લહેરને ખાળી શકાશે. તેમજ ગુજરાત સરકારે પણ બીજી લહેરના અંતે તમામને વેક્સિનેટ કરવા તરફ ધ્યાન આપવું જોઈએ. અત્યારે સ્થિતિ એવી છે કે નાગરિકો વેક્સિન લેવા તૈયાર છે, પણ સરકાર પાસે વેક્સિન નથી.