ગુજરાત સરકાર અને આઇ.ઓ.સી. વચ્ચે ગાંધીનગરમાં MOU થયા

ગુજરાત સરકાર વતી આ MoU પર મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ દ્વારા અને Indian Oil Corporation વતી ચેરમેન એસ. એમ. વૈદ્ય દ્વારા હસ્તાક્ષર કરીને MoUનું પરસ્પર આદાન-પ્રદાન થયું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત ગેસ એન્ડ પેટ્રોકેમિકલ ક્ષેત્રે અગ્રણી રાજ્ય છે અને આ નવા રોકાણોના પ્રોજેકટસથી રાજ્યમાં ડાઉન સ્ટ્રીમ ઊદ્યોગોને વધુ સક્ષમતા પ્રાપ્ત થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘‘આત્મનિર્ભર ભારત’’ના સંકલ્પને પૂર્ણ કરવામાં ગુજરાત મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.

ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે સર્વસમાવેશક આર્થિક વિકાસ પ્રાપ્ત કર્યો છે. ઓટોમોબાઈલ, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સસ્ટાઈલ્સ, સિરામિક, રિન્યૂએબલ એનર્જી, મેરીટાઈમ અને શહેરી વિકાસ જેવા ક્ષેત્રોમાં ગુજરાતે સમગ્ર વિશ્વમાં અગ્રીમ હરોળમાં સ્થાન હાંસલ કર્યું છે.
CM Vijay Rupani એ જણાવ્યું કે, અમારું ફોક્સ ફક્ત મોટા ઇન્વેસ્ટમેન્ટ પર જ નહી બલ્કે નાના-મધ્યમ ઉદ્યોગો પણ ગુજરાતમાં આવે અને ગુજરાતના વિકાસમાં ભાગીદાર બને તેના પર છે અને સરકાર આ દિશામાં કામ પણ કરી રહી છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ( PM Narendra modi ) એ ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ કર્યો છે, તેની ભૂમિકા આપી હતી. કચ્છમાં તૈયાર થનાર આ વિંડ સોલર હાઇબ્રિડ પાર્ક સિંગાપુર જેટલો વિશાળ છે. આ હાઇબ્રિડ પાર્ક 1.8 લાખ એકરમાં ફેલાયેલું છે જેની ઇન્સ્ટોલડ કેપિસીટ 30,000 મેગાવોટ હશે, તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમપ્રધાને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો-કામદારો માટે કામચલાઉ આવાસ-રેન્ટલ એકોમોડેશનની વડાપ્રધાન મોદીની સંકલ્પનામાં ગુજરાત IOCLને આ હેતુસર જરૂરી જમીન અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં પૂર્ણ સહયોગ કરશે.
કેન્દ્રીય પેટ્રોલિયમપ્રધાન
કેન્દ્રીય પેટ્રોલિયમપ્રધાન Dharmendra Pradhan એ ગુજરાત સરકાર અને IOCL વચ્ચે થયેલા રૂ. 24,000 કરોડના મૂડીરોકાણ માટે Gujarat સરકાર અને IOCLને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર દુનિયા ક્લાયમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ વિશે ચર્ચા અને ચિંતા કરે છે પરંતુ ગુજરાતે દોઢ દશક પહેલાં તેની ચિંતા કરીને નેચરલ ગેસનો ઉપયોગ મોટા પ્રમાણમાં શરૂ કર્યો હતો. ભારતમાં 6 ટકા નેચરલ ગેસનો ઉપયોગ થાય છે એટલે કે દેશની ‘નેચરલ ગેસ’ ની એવરેજ 6 ટકા છે, ‘ગ્લોબલ એવરેજ’ એવરેજ 24 ટકાની આસપાસ છે જ્યારે ‘ગુજરાતની એવરેજ’ 26 ટકા એટલે કે ‘ગ્લોબલ એવરેજ’ કરતાં પણ બે ટકા વધુ છે.

ધર્મેન્દ્ર પ્રધાને આ પ્રોજેકટસના ખાતમૂર્હત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આવનારા દિવસોમાં ત્વરાએ સંપન્ન કરાવીને પ્રોજેકટસ સમયસર પૂર્ણ કરાશે તેમ જણાવ્યું હતું. ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેન વૈદ્યએ IOC એ ગુજરાતમાં તેની સ્થાપનાથી આજ સુધીની જે પ્રગતિ સાધી છે તેની વિકાસગાથા રજૂ કરી હતી. ક્લીન એનર્જી પહેલના ભાગરૂપે ગુજરાત રિફાઈનરી ભારતનો પ્રથમ હાઈડ્રોજન વાયુ ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરશે.
ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં એક નવું પ્રકરણ ઉમેરતા ઇન્ડિયન ઓઇલ ગુજરાત રિફાઈનરીએ પોતાની ઉત્પાદનક્ષમતા 18 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ લઈ જવાનું નક્કી કર્યું છે. અહીંના નવા ઉદ્યોગ એકમો પોલીપ્રોપેલીન, બ્યુટાઇલ એક્રીલેટ અને લુબ્રિકન્ટ જેવા ઔદ્યોગિક વપરાશના અગત્યના કાચા માલનું ઉત્પાદન કરશે.
કોટીંગ-રંગકામ, એડહેસીવ- ગુંદર, ટેક્સટાઇલ અને અન્ય રસાયણો જે હાલ આયાત કરવામાં આવે છે તેના ઉત્પાદન માટે અતિ મહત્વનું બ્યુટાઇલ એક્રીલેટ અહીં ઉત્પાદિત થશે અને આપણો દેશ આવા મહત્વના ઔદ્યોગીક રસાયણો માટે આત્મનિર્ભર બનશે એમ તેમણે જણાવ્યું હતું.
અધિક મુખ્ય સચિવ એમ કે દાસે કહ્યું કે, ગુજરાતમાં અત્યાર સુધી થયેલા એમ.ઓ.યુમાં મોટા પ્રોજેક્ટના કામો એમ.ઓ.યુ થયાના માત્ર 11 મહિનામાં જ પૂરા કરી દેવામાં આવ્યા છે. ગુજરાત સરકારનો તમામ સહયોગ આવા પ્રોજેકટને આપવામાં આવ્યો છે. આવનારા સમયમાં IOCL દ્વારા ગુજરાતમાં વધુ રોકાણ પણ આવશે તેવો વિશ્વાસ પણ અધિક મુખ્ય સચિવે સૌને આવકારતાં સ્વાગત પ્રવચન વ્યકત કર્યો હતો.
આ MoU થવાના પ્રસંગે મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ઊદ્યોગ કમિશનર રાહૂલ ગુપ્તા, ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના નિયામક પરિન્દુ ભગત, ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન-ગુજરાત રિફાઇનરીના અધિકારીઓ જોડાયા હતા.